Saturday, March 29, 2008

ભૂતાનમાં ઊગ્યું લોકશાહીનું અરુંણું પ્રભાત...

લેખક : દિનેશ રાજા ‘આસપાસ’

હિમાલયની ગોદમાં આવેલા આપણા ટચૂકડા પાડોશી દેશ ભૂતાને ૨૪મી માર્ચે ૧૦૦ વર્ષ જૂની રાજાશાહી ત્યાગીને લોકશાહી અપનાવી છે. આ પરિવર્તન અજોડ એટલા માટે છે કે, વિશ્વમાં જે કોઈ દેશમાં રાજાશાહી હતી, તેના લોકોએ તેની બેડીમાંથી મુક્ત થઈ પ્રજાનું પોતાનું શાસન, લોકશાહી સ્થાપવા માટે સામાન્ય રીતે ભારે લડત લડવી પડી છે, અનેક બલિદાન આપવાં પડયાં છે, જ્યારે ભૂતાનમાં તો એક પ્રજાવત્સલ રાજાએ 'જો આપણે પ્રગતિ કરવી હોય તો લોકશાહી અપનાવવી જોઈએ' એમ કહીને, સામે ચાલીને પોતાની પ્રજાને લોકશાહી ભણી દોરી છે અને "રાજા કહે છે, એટલે તેમાં આપણું ભલું જ હશે" એમ માનીને પ્રજાએ હિચકિચાટ સાથે લોકશાહીને માર્ગે પ્રયાણ કર્યુ છે. સામાન્ય પ્રજા તો ઠીક પણ ભૂતાનમાં તેની સંસદ-નેશનલ એસેમ્બલીની ચૂંટણી લડનાર બન્ને રાજકીય પક્ષોના નેતાઓએ પણ કહ્યું કે, વ્યક્તિગત રીતે અમારે પસંદગી કરવાની હોય તો અમે વર્તમાન રાજાના રાજ નીચે જ રહેવાનું પસંદ કરીએ.ભૂતાનની પ્રજાની આવી વિચારસરણી પછાત, સામંતશાહ મનોદશા નહિં પણ દૂરદ્વષ્ટિવાળા એક પ્રજા વત્સલ રાજાએ પોતાની પ્રજાના કલ્યાણ માટે જે કર્યુ તે વિષેના અહોભાવથી પ્રેરાયેલી છે.

૧૯૭૨ સુધી ભૂતાનની ગણના સૌથી પછાત અને ગરીબ દેશોમાં થતી હતી. દેશમાં રસ્તા, શાળા કે હોસ્પિટલ જેવી સુવિધાઓનો પણ અભાવ હતો. પરંતુ એ વર્ષે પોતાના રાજ્યાભિષેક પછી રાજા જિગ્મે સિંધ્યે વાંગ્ચૂકે, દેશને પ્રગતિના પંથે દોરવાનો આરંભ કર્યો. આજે ભૂતાનમાં પાકા રસ્તાઓ છે, શિક્ષણ તેમ જ આરોગ્ય વિષયક સેવા નિઃશૂલ્ક છે અને સર્વને પ્રાપ્ય છે. લગભગ બધા જ ગામોમાં પીવાનું શુદ્ધ પાણી અને વીજળી ઉપલબ્ધ છે. જીવનધોરણમાં સુધારો થવાથી અને આરોગ્ય વિષયક સેવાઓ નિઃશૂલ્કપણે સાર્વત્રિક રીતે પ્રાપ્ત થવાથી ભૂતાનના લોકોની આયુષ્યમર્યાદા, જે અગાઉ માત્ર ૪૦ વર્ષની હતી તે વધીને ૬૬ વર્ષની થઈ છે. ૨૦૦૬માં થયેલા એક વિશ્વવ્યાપી સર્વેક્ષણ અનુસાર, ભૂતાનને વિશ્વનો ૮મા નંબરનો હેપીએસ્ટ, (સુખી અને ખુશી) દેશ ગણવામાં આવ્યો હતો. છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન ભૂતાને ર્વાિષક ૭ ટકાના દરે આર્િથક વિકાસ સાધ્યો છે અને તેની સરેરાશ માથાદીઠ આવક ૧,૪૦૦ ડોલર એટલે કે, ભારતની સરેરાશ માથાદીઠ આવકથી બમણી છે. પોતાની આ પ્રગતિ રાજાને આભારી હોવાનું ભૂતાનની પ્રજા માને છે.

રાજા જિગ્મે સિંધ્યેે વાંગ્યૂકે એક સભામાં પોતાની પ્રજાને સંબોધન કરતાં ભારપૂર્વક કહ્યું કે, "જો આપણે પ્રગતિ સાધવી હોય તો પ્રજાએ લોકશાહી અપનાવીને પોતાનું ભાવિ પોતે જ નક્કી કરવું જોઈએ." તેમણે રોજબરોજનું શાસન ચલાવતા મંત્રીમંડળની રચના કરી. લોકશાહી અપનાવવાના પ્રથમ ચરણરૃપે વચગાળાનું બંધારણ ઘડયું અને તે અન્વયે ૨૦૦૮માં ચૂંટણી યોજવાની જાહેરાત કરી. આ બંધારણ અનુસાર ભૂતાનમાં પણ આપણી સંસદની જેમ બે ગૃહો છે. એક આપણી રાજ્યસભા જેવું ઉપલું ગૃહ નેશનલ કાઉન્સિલ અને લોકસભાને સમકક્ષ નેશનલ એસેમ્બલી છે. રાજ્યસભા જેવા ઉપલા ગૃહ નેશનલ કાઉન્સિલમાં ૨૦ સભ્યોની ચૂંટણી થાય છે, જ્યારે પાંચ સભ્યોને રાજા નિયુક્ત કરે છે. નેશનલ કાઉન્સિલ તેમ જ એસેમ્બલી બન્નેમાં ચૂંટાવા માટેની લઘુતમ વય ૧૮ વર્ષની અને લઘુતમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટની નિયત કરવામાં આવી છે. આમ, ભૂતાન જેવા ટચૂકડા દેશે પ્રજા પ્રતિનિધિ પૂરતું ભણેલો, શિક્ષિત હોવો જોઈએ એવો જ આગ્રહ રાખ્યો છે તે નોંધપાત્ર છે. ભૂતાનમાં પણ લોકશાહીની સ્થાપના પછી રાજા બંધારણીય વડા રહે તેવી જોગવાઈ છે. નેશનલ એસેમ્બલીની સભ્ય સંખ્યા ૪૭ છે. જે માટે ૪૭ મતક્ષેત્રોની આકારણી કરવામાં આવી છે. ૨૦૦૮માં નિયત થયેલી ચૂંટણી સફળતાથી યોજી શકાય અને લોકશાહીની આ પ્રક્રિયાથી અત્યાર સુધી માહેર ન હોવાથી પ્રજા એ માટે તૈયાર થઈ શકે તે માટે ભૂતાનમાં એપ્રિલ ૨૦૦૭માં મોક ઈલેક્શન યોજવામાં આવેલ.૨૦૦૮ની ચૂંટણી માટે ચૂંટણીપંચે બે રાજકીય પક્ષોને માન્યતા આપી. તેમાં ભૂતાન પીસ એન્ડ પ્રોસ્પેરીટી પાર્ટી (ડી.પી.ટી.)ની રચના અગાઉની ભૂતાન પીપલ્સ યુનાઈટેડ પાર્ટી અને ઓલ પીપલ્સ પાર્ટીના જોડાણથી થઈ છે. તેનું નેતૃત્વ ભૂતપૂર્વ વડાપ્રધાન જીગ્મે થીન્લે કરે છે. બીજો પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી છે. ભૂતાનના બંધારણ અનુસાર ચૂંટણી ઝુંબેશનું ખર્ચ રાજ્ય ભોગવે છે. એટલે ચૂંટણી પંચ તેના પર કડક નિગેહબાની રાખે છે. ચૂંટણી પ્રચારના ખર્ચમાં કોઈ અતિરેક કે ગેરરીતિ થવાનો અવકાશ રહેતો નથી અને ચૂંટણી પ્રચાર પણ નિયત ધોરણ અનુસાર તેની મર્યાદામાં રાખવો પડે છે. આપણા દેશમાં આવી પદ્ધતિ અપનાવવા માટે હિમાયત તો થયા કરે છે પણ સરવાળે મીંડુ ! જેનું કારણ સર્વવિદિત છે.

નેશનલ એસેમ્બલી માટે ૨૪મી માર્ચના રોજ યોજાયેલ ચૂંટણી માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ભારતે આપ્યા.૨૪મી માર્ચે યોજાયેલી ચૂંટણીમાં ૮૦ ટકા મતદાન થયું. ભૂતપૂર્વ વડાપ્રધાન જિગ્મે થીન્લેના નેતૃત્વવાળી ભૂતાન પીસ એન્ડ પ્રોસ્પેરીટી પાર્ટીને ૪૭માંથી ૪૪ બેઠકો પર જ્વલંત વિજય મળ્યો. તેને ૧,૬૯,૪૯૦ એટલે કે કુલ મતદાનના ૬૬.૯૯ ટકા મત મળ્યા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને માત્ર ૩ બેઠકો મળી. તેને ૩૩.૦૧ ટકા મત મળ્યા. હવે પ્રજા પ્રતિનિધિ ગૃહની વિધિવત રચના થઈને નવા મંત્રીમંડળની રચના થાય ત્યારે રાજા જીગ્મે સિંધ્યે વાંગ્ચૂકે અગાઉ જાહેર કર્યા અનુસાર પોતે પદ ત્યાગ કરશે અને ઓક્સફોર્ડ યુનિર્વિસટીમાં ઉચ્ચ શિક્ષણ લીધેલા તેમના યુવાન રાજકુમાર તેમના અનુગામી બનીને દેશના બંધારણીય વડાનું પદ સંભાળશે. પ્રથમ પ્રજાકીય સરકાર, તેના રાજવીએ તેના શાસન દરમિયાન ઘડેલી પંચવર્ષીય યોજના આગળ વધારવાને સર્વોચ્ચ અગ્રતા આપશે એવી વિજેતા પક્ષે જાહેરાત કરી છે.

જગતના બધા જ દેશો પોતાની પ્રગતિ અને સમૃદ્ધિને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કે રાષ્ટ્રીય આવકના માપદંડથી માપે છે. પણ ભૂતાને 'ગ્રોસ નેશનલ હેપીનેસ' 'કુલ રાષ્ટ્રીય સુખ'ના માપદંડથી માપવાનો સાવ અનોખો અભિગમ અપનાવ્યો છે. યુનો અને વિશ્વ બેન્ક પણ આ અભિગમથી પ્રભાવિત થઈને તેને બીજા પણ અપનાવે તેમ ઈચ્છે છે. રાજાશાહીમાંથી લોકશાહીમાં પ્રવેશ્યા પછી પણ ભૂતાનના સરેરાશ પ્રજાજનના મનમાં એ પ્રશ્ન છે કે, લોકશાહીમાં આ "ગ્રોસ નેશનલ હેપીનેસ"નો વધારો થશે તો ખરો ને ?

No comments: