ભારતીય અર્થવ્યવસ્થાની ચમત્કારિક કથા આજે અસંખ્ય લોકોનાં સપનાંઓ સાકાર કરવામાં સફળ થઈ રહી છે. હજારોની સંખ્યામાં લોકો પોતાના ઉધોગ અને નોકરીઓમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે
સૌથી પહેલા કેટલાક આંકડાઓ પર નજર નાખીએ: ભારતનો સરેરાશ જીડીપી વિકાસ દર છેલ્લાં આઠ વર્ષમાં આઠ ટકા અને બે વર્ષથી નવ ટકા છે, જે ચીનથી થોડો જ ઓછો છે. ભારતની ૪૧ ટકા વસતીની ઉંમર ૧૫થી ઓછી છે, ૫૪ ટકાની વય ૨૫ વર્ષથી ઓછી છે અને ૭૧ ટકાની વય ૪૦ વર્ષથી ઓછી છે. આનાથી ઊલટું અમેરિકાની ૬૪ ટકા વસતીની વય ૩૫ વર્ષથી ઉપર છે. બ્રિટનમાં આ આંકડો ૬૬ ટકા અને જાપાનમાં ૭૦ ટકા છે.
અલબત્ત, એ પણ નોંધવું જરૂરી છે કે ભારતમાં ૩૫ વર્ષથી ઓછી વય ધરાવનારા કુલ લોકોમાં લગભગ અરધા લોકો શિક્ષિત કે તાલીમ પામેલા નથી. તેમના માટે સંગિઠત ક્ષેત્રમાં રોજગારીની તક નહિવત્ છે. એટલે કે ભારત માટે આજનો પડકાર માત્ર યુવાન નહિ, માત્ર ડિગ્રી નહિ, બલકે સૌ માટે શિક્ષણ અને આવશ્યક તાલીમ છે, જેનાથી, દસમા ધોરણ પાસ થયેલાને એવી તાલીમ મળવી જૉઈએ, જેનાથી તેમને ભવિષ્યમાં નોકરી મળે.
આપણે ત્યાં દસમું અને બારમું પાસ થયેલા યુવાનોને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળતી થાય તો આપણો દેશ સમગ્ર વિશ્વને શિક્ષિત અને કૌશલ્યવાન માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવામાં અગ્રણી બની જાય. વિશ્વના વિકસિત દેશો પોતાની આર્થિક પ્રગતિ જાળવી રાખવા માટે પણ ભારતીય શ્રમશકિત પર અવલંબિત બનશે.
તો ચાલો જોઈએ કે કયા કયા ક્ષેત્રમાં અસીમ સંભાવનાઓ રહેલી છે:
રિટેલ: આ ક્ષેત્રની મુખ્ય કંપની પેન્ટાલૂનને જ બે લાખ સેલ્સમેન્સ અને આશરે ૫૦,૦૦૦ મેનેજર સ્તરના લોકો જૉઈએ છે. સ્થિતિ એ છે કે તેમને આ સંખ્યાના દસ ટકાથી પણ ઓછા કૌશલ્યવાન યુવાનો મળી રહ્યા છે. નવી કંપનીઓ જેવી કે- વૉલમાર્ટ, માકર્સ એન્ડ સ્પેન્સર, રિલાયન્સ ફ્રેશ, સુવિધા, મોર વગેરેની તો વાત જ નથી કરતા. સંગિઠત રિટેલ ક્ષેત્રમાં અનુભવ નહિ ધરાવતા લોકોની સંખ્યા લગભગ એક કરોડ છે. અને આ એવા કર્મચારી છે, જે દુકાનોમાં મેનેજર, સેલ્સમેન, પ્રમોશન-ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરેનું કામ કરે છે.
માર્કેટિંગ કમ્યૂનિકેશન: એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીએ છેલ્લાં ત્રણ વાર્ષિકમાં વાર્ષિક ૨૬થી ૩૨ ટકા પ્રગતિ હાંસલ કરી છે. પબ્લિક રિલેશન્સના ક્ષેત્રમાં ૪૦ ટકાથી વધુ વિકાસ હાંસલ કર્યોછે. આ આંકડા દેશની સરેરાશ જીડીપીના વિકાસ દર કરતાં ચાર ગણા સુધી વધારે છે. વિખ્યાત મેનેજમેન્ટ કંપની અર્નેસ્ટ એન્ડ યંગના એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં આ ત્રણ વર્ષમાં પીઆર અને ઇવેન્ટ્સ ક્ષેત્રમાં લગભગ ૨૫,૦૦૦ તાલીમી લોકોની જરૂર હતી અને તેમને એક હજાર લોકો પણ મળ્યા નહોતા. આ કારણે આ ઉધોગોમાં અર્ધકુશળ લોકોથી કામ ચલાવવું પડે છે.
દેશની જુદી જુદી મીડિયા અને જનસંચાર ઇન્સ્ટિટયૂટસમાં મીડિયા અંગે સામાન્ય પ્રકારનું શિક્ષણ અને તાલીમ અપાય છે, પરંતુ સંચાર ઉધોગના અન્ય વિભાગ જેવા કે એકાઉન્ટ પ્લાનિંગ, એડવર્ટાઇઝિંગ, માર્કેટ કમ્યૂનિકેશન, માર્કેટ રિસર્ચ, બિઝનેસ ડેવલપમેન્ટ, ક્રાઇસીસ મેનેજમેન્ટ, ઇવેન્ટ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ, બ્રાંડ કમ્યૂનિકેશન વગેરે અંગે વિશેષ્ામાં કશું શીખવવામાં આવતું નથી. જયારે માર્કેટમાં એ જાણકારીનું જ મહત્ત્વ હોય છે. વળી, મોટા ભાગની સંસ્થાઓમાં ઉધોગમાં ઇન્ટર્નશિપ કરાવવાનો કે પ્રોજેકટના પોર્ટફોલિયો બનાવવાનો એટલો મહાવરો કરાવવામાં આવતો નથી, જેટલો કરાવવાની જરૂર હોય છે.
મીડિયા: ફિલ્મ ઉધોગમાં ૧૮થી ૨૨ ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે અને આવક વધારવાની નવી નવી રીતો અપનાવાઈ રહી છે. મોટી મોટી વિદેશી કંપનીઓ અને કોર્પોરેટ ગૃહો આવતાં કહી શકાય કે એક સમગ્ર મનોરંજન ઉધોગનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં ફિલ્મ, સંગીત, મનોરંજન કાર્યક્રમ, રેડિયો, ટેલિવિઝન કાર્યક્રમ વગેરેનો સમાવેશ થાય છે.
આ ક્ષેત્ર વાર્ષિક ૨૦ ટકાના દરે વિકસી રહ્યું છે. જે દેશની જીડીપીના વિકાસ દર કરતાં બમણાથી વધુ દર છે. આ ક્ષેત્રમાં ફિલ્મ જૉનારા અને તેમાં કામ કરનારાઓની કોઈ ખોટ નથી. દેશભરમાં અનેક કંપનીઓ જેવી કે, એડ લેબ્સ, ફેમ, પીવીઆર અને ઇનોકસ ૬૦૦૦થી વધુ સિનેમા સ્ક્રીન ઊભી કરવા જઈ રહી છે. ફિક્કીના એક અંદાજ અનુસાર આ સમગ્ર ઉધોગનું કદ વાર્ષિક લગભગ ૮૦,૦૦૦ કરોડથી વધુ મોટું છે. એટલું જ નહિ આવનાર ત્રણ-ચાર વર્ષમાં તેનું કદ ૧,૫૦,૦૦૦ કરોડથી મોટું થવાની સંભાવના છે.
આ સંજૉગોમાં આ ઉધોગમાં કુશળ અને લાયકાત ધરાવતા લોકોની જરૂર મોટી સંખ્યામાં ઊભી થશે અને આ ક્ષેત્રમાં આવનાર લોકો નવી ટેકનોલોજી અને જરૂરિયાતથી વાકેફ હોય એ જરૂરી હશે. એટલે આજે ડિજિટલ ફિલ્મ પ્રોડકશન, સ્ક્રિપ્ટ અને પટકથા લેખન, ડિજિટલ ફોટોગ્રાફી, ડિઝાઇન, સંગીતનિર્માણ વગેરેમાં મોટી સંખ્યામાં તાલીમબદ્ધ યુવાનોની જરૂર ઊભી થવાની છે.
ઇન્ફર્મેશન ટેકનોલોજી: આઇટી ક્ષેત્રમાં આવેલી સુસ્તી છતાં તેનો વિકાસ થંભી ગયો નથી. છેલ્લા દાયકાની જરૂરિયાતનું હવે વધુ મહત્ત્વ રહ્યું નથી. કારણ કે ત્યારે કમ્પ્યૂટર પર સામાન્ય કામ કરનારાની પશ્ચિમી દેશોમાં ભારે માગ હતી. હવેનો સમય એવો છે કે એવા લોકોની જરૂરિયાત ઊભી થઈ છે, જેઓ આઇટીના સિદ્ધાંતોનો ઉપયોગ શિક્ષણ, કૃષિ, ચિકિત્સા અને વહીવટીતંત્ર જેવાં ક્ષેત્રોમાં કરી શકે.
ભારતીય અર્થવ્યવસ્થાની ચમત્કારિક કહાણી આજે અસંખ્ય લોકોનાં સપનાંઓ સાચાં પાડવામાં સફળ થઈ રહી છે. હજારો-લાખો લોકો પોતપોતાના ઉધોગો અને નોકરીઓમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે. આ સંજૉગોમાં આજે જરૂરી એ બન્યું છે કે આ સફળતાને દેશની વસતીના એ હિસ્સા સુધી લઈ જઈ શકાય, જે તેના લાભથી વંચિત છે.
એ માટે અર્થવ્યવસ્થાને વ્યાપક બનાવવા કરતાં વધુ જરૂરી છે બેઝિક અને પ્રાથમિક શિક્ષણ બધા સુધી પહોંચાડવામાં આવે અને ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય અને રોજગાર ગેરન્ટી જેવા કાર્યક્રમોના લાભ છેક છેવાડેની વ્યકિત સુધી પહોંચાડવામાં આવે. ઘણું બધું થઈ રહ્યું છે, પરંતુ ઘણું બધું હજી બાકી રહી જાય છે. આ સ્થિતિમાં અસંતુષ્ટ કે વિચલિત થવાથી કશું મળવાનું નથી. બધા સ્તરે યોગ્ય યોગદાનની જરૂર છે.
(લેખક : પ્રો. ઉજજવલ કે. ચૌધરી સિંબિયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, પુણેમાં ડીન છે.)
No comments:
Post a Comment