Saturday, March 15, 2008

દેશ નંબર ૧૯૩: કોસોવો

ગયા મહિને એક નવો દેશ જનમ્યો છે. કોસોવો નામનો આ દેશ સંયુકત રાષ્ટ્રનો ૧૯૩મો સભ્ય બનશે. જનરલ નોલેજને થોડું અપડેટ કરીને હવે કહેવું પડશે, વિશ્વમાં માન્યતાપ્રાપ્ત ૧૯૩ દેશ છે. બાલ્કનની રકતરંજિત ભૂમિમાંથી છેલ્લા બે દશકામાં કેટલાય નવા દેશ પેદા થયા છે.
યુગોસ્લાવિયા યાદ છે? બોસ્નિયા-હર્જેગોવિના યાદ છે? સ્લોબોદિન મિલાસોવિક યાદ છે ? માર્શલ ટીટો યાદ છે?ઇન્દિરા ગાંધીની સાથે મળીને નોન એલાઇન મુવમેન્ટ શરૂ કરનાર ટીટોની ભૂમિ યુગોસ્લાવિયાએ કયારેય શાંતિ જોઇ નથી. શા માટે બાલ્કન્સમાં નવા દેશ બની રહ્યા છે ? શા માટે ગૃહયુઘ્ધો શમતાં નથી ? શા માટે પ્રજાઓ અલગ અલગ થઇ રહી છે ? વર્તમાનના આ પ્રશ્નોના જવાબ ભૂતકાળમાં પડયા છે. બલ્ગેરિયાથી સર્બિયા સુધી વિસ્તરેલી બાલ્કન પર્વતમાળાના કારણે આ વિસ્તારનું નામ બાલ્કન્સ પડી ગયું છે. આ પ્રદેશ પર આક્રમણ કરનારાઓમાં પહેલા હતા ગ્રીક લોકો. બાલ્કન વિસ્તારમાં ત્રણ મોટાં સામ્રાજયો બાયઝેન્ટાઇન, બલ્ગેરિયા અને સર્બિયા વરચે મઘ્યયુગમાં યુઘ્ધોની વણજાર ચાલી હતી. તે પછી ઉસ્માની (ઓટોમન) તૂર્કોત્રાટકયા અને ઓટોમન સામ્રાજયમાં બાલ્કન પ્રદેશનો મોટો ભાગ ભેળવી દીધો. યુરોપમાં ઓટોમન યુઘ્ધો સદીઓ સુધી ચાલતાં રહ્યાં હતાં. ઉસ્માની ૧૨૯૯માં ઓટોમન સામ્રાજયનો ઉદય થયો ત્યારથી ૧૬૯૯ના ગ્રેટ તૂર્કી યુઘ્ધ સુધીનો સમયગાળો યુઘ્ધગ્રસ્ત રહ્યો અને બાલ્કન પ્રદેશમાં તુર્કોસામે અન્ય પ્રજાનો સંઘર્ષ શરૂ થયો. બોસ્નિયામાં તૂર્કોની વસ્તી ૪૫ ટકા છે. યુગોસ્લાવિયામાંથી બોસ્નિયા અલગ પડયું તે પહેલાં લાંબુ અને લોહિયાળ ગૃહયુઘ્ધ ખેલાયું હતું. સર્બિયાની સર્બ જાતિએ અલગ દેશ માટે લડાઇ લડવી પડી. યુગોસ્લાવિયાના ગૃહયુઘ્ધ વખતે ૧૯૯૧-૯૨માં સર્બિયાના સૈનિકોએ તૂર્ક મુસ્લિમોનું વંશીય નિકંદન કાઢી નાખવા માગતા હોય તેમ નરસંહાર કર્યોહતો. બાલ્કન વિસ્તારની બધી જાતિઓ એકબીજાનું નિકંદન કાઠી નાખવા માગતી હોય તેવા ઝનુન સાથે તૂટી પડી હતી. આ પ્રક્રિયાને એથનિક કલીન્સીંગ નામથી ઓળખવામાં આવે છે. શુઘ્ધિકરણની આ પ્રક્રિયાએ હજારોના જીવ લીધા છે, હજી પણ બાલ્કન પ્રદેશની ધરતી ઠંડી પડી નથી. બે દાયકાથી આ વિસ્તારમાં નાટોનું સૈન્ય પડયું પાથર્યું છે. જુદા જુદા વંશના લોકો વરચે સદીઓથી ચાલતા આવતા સંઘર્ષના પરિણામે બાલ્કન પ્રદેશમાં અલગ અલગ દેશ બની રહ્યા છે. એમાં છેલ્લે ઉમેરો કોસોવોનો થયો છે. યુગોસ્લાવિયામાંથી સર્બિયા અલગ પડયું અને હવે સર્બિયામાંથી કોસોવો દેશ અલગ પડયો છે. સર્બિયાની સરકાર કોસોવોને સ્વાતંત્ર્ય આપવામાં ઠાગાઠૈયા કરતી હતી એટલે ગત ૧૭મી ફેબ્રુઆરીના રોજ કોસોવોની વચગાળાની સરકારે પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો અને, અમેરિકા તથા યુરોપના અમુક દેશોએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર તેને માન્યતા પણ આપી દીધી. રશિયા, ચીન વગેરે દેશોએ જો કે, કોસોવોને સ્વતંત્ર દેશનો દરજજો આપવા સામે વિરોધ કર્યોછે. ચીનનું કહેવું છે કે આ રીતે ઘરમેળે જાહેરાત કરી દેવાથી ન ચાલે, સંયુકત રાષ્ટ્ર દ્વારા નવેસરથી વાટાઘાટો થવી જોઇએ. ૧૯૮૦થી કોસોવોમાં વંશીય સંઘર્ષને કારણે સ્થિતિ વણસી રહી હતી. ૧૯૮૬માં સર્બિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ આર્ટ્સના મેમોરેન્ડમમાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે વંશીય તણાવને કારણે યુગોસ્લાવિયાનું અર્થતંત્ર અને સમાજતંત્ર તૂટી રહ્યું છે જેને કારણે આ દેશના ટુકડા થઇ જવાની ભીતિ છે.
૧૯૮૯ની ૨૮મી જૂને યુગોસ્લાવિયાના કુખ્યાત પ્રમુખ સ્લોબોદાન મિલોસોવિકે કોસોવો યુઘ્ધની ૬૦૦મી વર્ષગાંઠે સર્બ લોકોને સંબોધતું એક ભાષણ આપ્યું હતું અને ઘણા લોકોને લાગ્યું હતું કે સર્બ લોકો ઉપર મિલોસોવિકનો કાબૂ છે. બેટલ ઓફ કોસોવો નામથી પ્રખ્યાત કોસોવો યુઘ્ધ ૧૩૮૯માં સર્બ પ્રજા અને ઉસ્માની તૂર્કોવરચે લડાયું હતું. જેમાં સર્બ લોકોનો પરાજય થયો હતો. છતાં આ યુઘ્ધ સર્બ જાતિના આત્મગૌૈરવનું પ્રતીક બની ગયું હતું અને, સર્બિયાના પ્રિન્સ લાઝાર એક દંતકથારૂપ બની ગયા હતા. ૧૯૮૯માં મોલોસોવિકે કોસોવોની સ્વાયત્તતામાં કાપ મૂકયો જેના પરિણામે દેશમાં ગૃહયુઘ્ધ ફાટી નિકળ્યું હતું. ૧૯૯૦ની બીજી જુલાઇના રોજ કોસોવોના લોકોએ બનાવેલી બિનબંધારણીય સંસદે કોસોવોને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો હતો. ૨૦૦૦ની સાલમાં યુનાઇટેડ નેશન્સના કોસોવોમાના વચગાળાના મિશન દ્વારા વચગાળાનું સંયુકત વહીવટી સ્ટ્રકચર બનાવવામાં આવ્યું અને, કોસોવોનો વહીવટ એક અલગ દેશ તરીકે શરૂ થયો હતો.
૧૯૯૦ પછી સર્બિયન સૈન્ય અને કોસોવો લિબરેશન આર્મી વરચે સતત લોહિયાળ લડાઇઓ થતી રહી. કોસોવો સંઘર્ષ દરમિયાન ત્યાંના આલ્બેનિયન લોકો ઉપર લિબરેશન આર્મીએ ભારે સિતમ ગુજાર્યા હતા અને દસ લાખથી પણ વધુ આલ્બેનિયનોને કોસોવોમાંથી હાંકી કાઢયા હતા. ૧૧,૦૦૦ લોકોનાં મોત નિપજયાં હતાં અને ૨૦,૦૦૦થી પણ વધુ આલ્બેનિયન સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરાયા હતા. કોસોવો સંઘર્ષના પછી હજી સુધી ત્રણ હજારથી પણ વધુ લોકો ગુમ છે જેમાં ૨૫૦૦ આલ્બેનિયન, ૪૦૦ સર્બ અને ૧૦૦ રોમા જાતિના લોકોનો સમાવેશ થાય છે. હવે, કોસોવો અલગ થયા પછી, શાંતિ સ્થપાય એવી અપેક્ષા સેવાઇ રહી છે. પણ, એક હજાર વર્ષથી જે ધરતીએ માત્ર યુઘ્ધો જ જોયાં છે, જે પ્રજાઓ સતત લડતી રહી છે તે બંદૂકો છોડી દે અને બાલ્કન પ્રદેશ શાંત થઇ જાય એવું માની લેવું વહેલું ગણાશે.
લેખક : કાના બાંટવા

No comments: