Wednesday, March 26, 2008

જેગુઆર-લેન્ડ રોવર સોદો : ભારતીયોની વિજયકૂચ હવે શરૃ થાય છે

રાજેશ શર્મા ‘એક્સ્ટ્રા કોમેન્ટ’

આજથી બરાબર દોઢ મહિના પહેલાં એટલે કે ૧૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ તાતા ગ્રૂપના ચેરમેન રતન તાતા નવી દિલ્હીમાં ચાલતા ઓટો એકસ્પોમાં એક નાનકડી કાર જાતેે ડ્રાઇવ કરીને આવ્યા હતા ને એ કાર જોઇ આખી દુનિયા દંગ થઇ ગઇ હતી. ૨૦૦૪માં રતન તાતાએ માત્ર એક લાખ રૃપિયાની કાર બજારમાં મૂકવાનું વચન આપ્યું હતું અને એ વખતે બધા તેમની મશ્કરી કરતાં હતાં. એક લાખ રૃપિયાની કાર શક્ય જ નથી એવું કાર ઉદ્યોગના માંધાતાઓ છાતી ઠોકીને કહેતા હતા અને ૧૦ જાન્યુઆરીએ રતન તાતાએ એ બધાની બોલતી બંધ કરી દીધી હતી ‘નેનો’ કાર આખી દુનિયાની સામે મૂકીને. તાતાએ તેમના ટીકાકારોને પોતાની સ્ટાઇલમાં જવાબ આપી દીધો હતો. એ ઘટનાના દોઢેક વર્ષ પહેલાં રતન તાતા બ્રિટિશ સ્ટીલ કંપની કોરસ ખરીદવા મેદાને પડેલા અને એ વખતે પણ સૌ રતન તાતાને ભેજાગેપ માનતા ને કોરસ તાતાના હાથમાં નહીં આવે એવું કહેતા. કોરસ માટેની બોલી જે રીતે વધતી હતી તે જોતાં વાત તાતાની પહોંચની બહાર જતી રહેશે એવું ખુદ તાતાના શુભેચ્છકોને લાગતું હતું પણ રતન તાતાએ રૃ.૪૬,૦૦૦ કરોડમાં કોરસ કબજે કરી બતાવી હતી અને આખી દુનિયા દંગ થઇ ગઇ હતી, જોતી જ રહી ગઇ હતી. આ તાતાની સ્ટાઇલ છે. અને ભારતના કોર્પોરેટ જગતને વર્ષોથી તેનો પરચો મળ્યા જ કરે છે.
૨૫ માર્ચ, ૨૦૦૮ના રોજ રતન તાતાએ જગુઆર-લેન્ડરોવર કાર કંપની ફોર્ડ પાસેથી ખરીદી અને આખી દુનિયાને તેમની સ્ટાઇલનો ફરી પરચો આપ્યો. તાતાએ આ કંપની ૨.૬૫ અબજ ડોલર એટલે કે રૃ. ૧૦,૬૦૦ કરોડમાં ખરીદી છે અને તેની સામે શિંગડાં ભેરવવા મેદાને પડેલી બીજી ભારતીય કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને પટકીને ખરીદી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ કંપની ખરીદવા બીજી એક વિદેશી કંપની સાથે હાથ મિલાવેલા જ્યારે તાતાએ એકલે હાથે આ કંપની ખરીદી છે.
કોરસ ટેકઓવર સોદો કે ‘નેનો’ના સર્જનની સરખામણીમાં લેન્ડરોવર જગુઆરની ખરીદી નાની ઘટના લાગે. ‘નેનો’ કારનું સર્જન તો વિશ્વના કાર ઉદ્યોગમાં એક માઇલસ્ટોન છે ને દુનિયાભરની કંપનીઓ જે પરાક્રમ નહોતી કરી શકી એ પરાક્રમ તાતાએ કરી બતાવ્યું છે તેથી તેની તો વાત જ ના થાય પણ કોરસના ટેકઓવરની સરખામણીમાં પણ આ સોદો સાવ સામાન્ય જ છે છતાં આખી દુનિયા દંગ છે કેમકે આ સોદા સાથે જ જગુઆર-લેન્ડ રોવર જેવાં નામ જોડાયેલાં છે. કોરસ સોદાને કારણે તાતાની આર્િથક તાકાત જબરદસ્ત વધી ગઇ અને વિશ્વમાં સ્ટીલ ઉત્પાદનમાં તાતા ગ્રૂપ પહેલા પાંચમાં આવી ગયું. કોરસ સોદો કોઇ ભારતીય કંપની દ્વારા થયેલું સૌથી મોટું ટેઇકઓવર હતું ને એ રીતે એ માઇલસ્ટોન છે. જગુઆર-લેન્ડ રોવર સોદા સામે એવી કોઇ મોટી આર્િથક બાબત જોડાયેલી નથી કે આ કંપની ખરીદીને તાતાએ નોટો છાપવાનું મશીન લઇ લીધું છે એવું પણ નથી. ઊલટાનું છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ કંપની જે રીતે ડચકાં ખાતી હતી અને બીજી કારોની સરખામણીમાં જે રીતે હાંફી ગયેલી તે જોતાં તાતાએ તેનો ફરી ડંકો વગાડવા બહુ કસરત કરવી પડશે, પણ અહીં વાત આર્િથક ફાયદાની નથી, પ્રતિષ્ઠાની છે. જગુઆર-લેન્ડ રોવર ભાંગ્યું ભાંગ્યું તોય ભરૃચ છે ને તેની સામે જે પ્રતિષ્ઠા જોડાયેલી છે તે પ્રતિષ્ઠા બીજા કોઇ સોદામાં ના મળે. આ એક જ સોદો તાતાને દુનિયાની મોટી કંપનીઓની હરોળમાં મૂકી દેશે ને તાતા સાચા અર્થમાં એક વૈશ્વિક કંપની બની જશે, પૈસા બૈસા તો ઠીક છે મારા ભઇ.
જેગુઆર અને લેન્ડ રોવર કારોનો એક જમાનામાં વટ હતો. પછી નવી નવી કારો આવતી ગઇ અને વટ ઓછો થતો ગયો. છેલ્લે છેલ્લે તો આ કારોની ક્ષમતા વિશે પણ શંકા થતી હતી. ૧૯૭૦ કે ૧૯૮૦ના દાયકામાં હોલીવૂડના સ્ટાર્સ આ જ કારો વાપરતા. આજે એ સ્થિતિ ભલે ના હોય પણ તેના આશિકો તો છે જ. જેગુઆર અને લેન્ડ રોવરને ફરી નંબર વન બનાવવી એ આકરી કસોટી છે. અત્યારે બીએમડબલ્યુવાળા લકઝરી કાર સેગ્મેન્ટમાં બાદશાહ છે. જગુઆર અને લેન્ડરોવર એમણે પણ ખરીદેલી પણ એ પણ આ કારની જૂની શાનૌશૌકત પાછી નથી અપાવી શક્યા. ફોર્ડે પણ હાથ અજમાવી જોયો પણ એ પણ નથી ફાવ્યા તે જોતાં તાતાની આકરી કસોટી છે પણ તાતા તેમાં સફળ થશે તેમાં શંકા નથી. રતન તાતા પાસે મિડાસ ટચ છે અને એ જ્યાં હાથ નાખે ત્યાંથી સોનું નીકળે છે તેથી એ માણસ કરી શકશે. એસ્પ્રેસો મિલથી અત્યાર સુધી તાતાએ આ ચમત્કાર કરી જ બતાવ્યા છે.
જેગુઆર-લેન્ડ રોવર સોદો રતન તાતાની યશકલગીમાં વધુ એક પીછું છે. રતન તાતા જ્યારે તાતા ગ્રૂપના ચેરમેન બન્યા ત્યારે તાતા ગ્રૂપની બધી સાહ્યબી જતી રહેલી ને બધાએ તાતા ગ્રૂપના નામનું નાહી નાખેલું. રતન તાતાએ બધાને ખોટા પાડી તાતા જૂથને માત્ર ફરી બેઠું જ નથી કર્યું પણ તેના ઝંડા આખી દુનિયામાં ફરકતા કર્યા છે ને એ માટે રતનને સલામ મારવી જ પડે.
જેગુઆર-લેન્ડ રોવર સોદો ભારતીય કોર્પોરેટ જગતમાં એક માઇલસ્ટોન સાબિત થશે તેમાં શક નથી. ભારતીય ઉદ્યોગપતિઓ આજે દુનિયાના સૌથી વધુ ધનિકોમાં ટોપ ટેનમાં આવે છે પણ ભારતીય કંપનીઓ એટલી તાકતવર નથી. ભારતીય બજાર તોતિંગ છે ને તેના જોર પર આપણા ઉદ્યોગપતિઓ ધનિક બને તેમાં કંઇ વશેકાઇ નથી. ખરી તાકાત તો તમે દુનિયાના બીજા દેશોમાં જઇ ફતેહ મેળવો તેમાં છે. અત્યાર લગી લક્ષ્મી મિત્તલને બાદ કરતાં બીજું કોઇ એ પરાક્રમ નહોતું કરી શક્યું. જોકે લક્ષ્મી મિત્તલ પણ ભારતીય ના ગણાય, એ બ્રિટિશ નાગરિક છે અને બ્રિટનમાં જ રહે છે ને ત્યાં જ તેમની શહનશાહી ફેલાયેલી છે.
રતન તાતા નખશિખ ભારતીય છે ને એટલે જ તેમની સિદ્ધિથી ગર્વ થાય. તેમણે કોરસ ખરીદી ત્યારે તેમાં એટલા બધા પૈસા નાંખેલા કે બધાને એમ જ હતું કે હવે પાંચ વર્ષ લગી રતન તાતા બીજી કોઇ મોટી વિદેશી કંપની નહીં જ ખરીદી શકે. રતન તાતાએ તેમને ખોટા તો પાડયા જ છે અને એ પણ પોતાની સ્ટાઇલમાં. રતને સાબિત કરી આપ્યું છે કે કોરસ શરૃઆત હતી. આશા રાખીએ કે જેગુઆર લેન્ડ રોવર પહેલું કદમ સાબિત થાય અને પાંચ-સાત વર્ષ પછી રતન એક સીડી પૂરી કરીને એવા મુકામ પર ઊભા હોય ત્યાં તેમને જોવા આખી દુનિયાએ ડોક ઊંચી કરવી પડે.
જેગુઆર અને લેન્ડ રોવર : શાન કી સવારી
લેન્ડ રોવર અને જેગુઆર બંને વિશ્વમાં સૌથી રોયલ અને શાનદાર કાર મનાય છે. ભારતમાં ભલે ધનિકોમાં બીએમડબલ્યુ કે ર્મિસડીઝ જેવી કારનો ક્રેઝ હોય પણ અમેરિકા અને યુરોપમાં લેન્ડ રોવર અને જગુઆરની બોલબાલા છે. અમેરિકા અને યુરોપમાં એક જમાનામાં ત્રણ કાર સ્ટેટસ સીમ્બોલ મનાતી. રોલ્સ રોયસ, લેન્ડ રોવર અને જેગુઆર, ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં આ કારોની લોકપ્રિયતા ચરમસીમા પર હતી.
જેગુઆર તેની લકઝરી અને સ્પીડ માટે જાણીતી છે. જગુઆર એક પ્રાણી છે, જંગલી પ્રાણી. ચિત્તા અને દીપડા જેવું જંગલી પ્રાણી અને આ પ્રાણી તેની તેજ રફતાર માટે જાણીતું છે. જેગુઆર કાર પણ તેની તેજ રફતાર માટે વિશ્વવિખ્યાત છે. જેગુઆર કંપની ૧૯૨૨માં સ્થપાઇ હતી પણ તેણે કારનું ઉત્પાદન ૧૯૪૫માં શરૃ કર્યુ અને ૧૯૫૦માં જેગુઆર કાર બજારમાં આવી. ૧૯૬૬માં આ કંપનીનું વીએમએચમાં મર્જર થઇ ગયું હતું. એ પછી બીએમડબલ્યુ અને ફોર્ડ જેવી કંપનીઓએ જેગુઆર કારનું ઉત્પાદન કર્યું છે. તાતાએ અત્યારે ફોર્ડ પાસેથી આ કંપની લીધી છે.
જેગુઆર કંપનીએ ઘણાં મોડલ બનાવ્યાં પણ જેગુઆર કાર તરીકે જે વિશ્વવિખ્યાત થયું તે ૧૯૬૮નું એસજે મોડલ છે.
જેગુઆર કારની કિંમત ૩૪ હજાર ડોલર (રૃ.૧૪ લાખ)થી ૧,૨૫,૦૦૦ ડોલર (રૃ.૫૦ લાખ)ની વચ્ચે છે. ભારતમાં વિદેશી કારો પર તોતિંગ કસ્ટમ્સ ડયુટી લાગે છે તેથી ભારતમાં આ કાર રૃ. ૨૮ લાખથી ૯૫ લાખમાં પડે.
ભારતમાં જેગુઆર કાર બહુ નથી ચાલતી. સોનાટા બજારમાં આવ ત્યારે આ કાર જેગુઆરની ડિઝાઇન ચોરીને બનાવી હોવાનો વિવાદ ઊઠયો હતો.
લેન્ડ રોવર કાર મજબૂતાઇનું પ્રતિક છે ને આ કાર જંગલ-પહાડ કે બીજે ગમે ત્યાં આસાનીથી જાય છે. રોવર કંપનીએ ૧૯૪૭માં આ કાર ડિઝાઇન કરેલી ને પછી ૧૯૪૮માં એમસ્ટરડેમમાં તેનું પ્રદર્શન કર્યું હતું. બ્રિટિશ લેલેન્ડ, બ્રિટિશ એરોસ્પેસ-બીએમડબલ્યુ, ફોર્ડ જેવી કંપનીઓએ પણ તેનું ઉત્પાદન કર્યુ છે. અત્યારે રોવર કંપની ટ્રક, એચટુવી પણ બનાવે છે.લેન્ડ રોવરનું સૌથી સસ્તું મોડલ ૩૫,૦૦૦ ડોલર (રૃ.૧૪ લાખ) અને સૌથી મોંઘું મોડલ ૧,૫૦,૦૦૦ ડોલર (રૃ.૬૦ લાખ)માં મળે છે. ભારતમાં આ કાર રૃ.૪૦ લાખથી રૃ. ૧ કરોડમાં પડે.

No comments: