કાંઠાળા વિસ્તારની પ્રજાની વ્યથા-વેદના કોઈક તો સમજો ?
દરિયાકાંઠે વસતા માનવ સમાજની વ્યથા-વેદના સમજવા જેવી છે. ગુજરાત રાજ્ય સમુદ્ર કાંઠાળ વિસ્તારના ૧૨ જિલ્લાના ૩૯ તાલુકાના લગભગ ૨૦૦૦ જેટલા ગામડાંઓની અંદાજે ૫૦ લાખ જેવી વસ્તી આ કાંઠાળ વિસ્તારમાં વસે છે. ત્યાંની કૃષિ સમૃદ્ધ અને આ ગામડાંઓમાં સારું એવું પશુધન હતું અને કૃષિ અને પશુધન ઉપર ગામડાંના અનેક ગૃહઉદ્યોગ નભતા હતા. તેના પર નિર્ભર હતાં. ખેતી તથા માછીમારીમાં સારી રોજીરોટી મળી રહેતી હતી, પરંતુ ઔદ્યોગિકીકરણ, યાંત્રિકીકરણ અને પ્રકૃતિનાં સંસાધનોના અમર્યાદિત દોહનને કારણે દરિયાકાંઠાના ગામડાં ધીરે ધીરે બેહાલ સ્થિતિમાં આવી ગયા છે. અમર્યાદિત પ્રમાણમાં ભૂગર્ભ જળ ખેંચાણ, ખનિજ સંપત્તિના કાયદેસર અને એના કરતાંય અનેકગણા ગેરકાયદેસર ખનનને કારણે દરિયાના ખારા પાણી આજે પોતાનો કિનારો છોડીને અંદરના વિસ્તારના ૧૫-૨૦ કિલોમીટર પહોંચી જવાને કારણે એક વખતની લીલીનાઘેર સૂકી બની છે. કૂવાના પાણી પીવાલાયક રહ્યાં નથી કે નથી રહ્યાં સિંચાઈને લાયક. દરિયાકાંઠાના ગૃહઉદ્યોગો ભાંગી ગયા છે. ખેતમજૂરો તો જ્યાં રોજી મળી જાય પણ ધરતી સાથે જેમને માયા છે, મમતા છે તે ખેડૂતો ક્યાં જાય ? સમગ્ર ભારતમાં આજે મોટા મોટા ઉદ્યોગો આવે, તેની સરકારો રાહ જોતી હોય છે ત્યારે નાના-નાના ગામડાંમાં વસનારા, ખેતી પર નભનારા, હાથ બાવડાની મજૂરી પર નભનારા માનવસમાજની સ્થિતિ ભારે દુ:ખદ અને કમનસીબ છે.
૮૪૦૦ ચો.કિ.મી.નો કચ્છના અખાતનો કાંઠાળ વિસ્તાર, ૧૦,૦૦૦ ચો.કિ.મી.નો કેન્દ્રીય ગુજરાતનો કાંઠાળ વિસ્તાર અને ૧૦,૦૦૦ ચો.કિ.મી.નો સૌરાષ્ટ્રનો કાંઠાળવિસ્તાર મળી લગભગ ૨૮,૪૦૦ ચો.કિ.મી. ખારા પાણી ઉપરાંત પીવાના પાણીમાં ફ્લોરાઈડ, ખનિજોનું વધુ પ્રમાણ છે. આ કાંઠાળ વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્યતા જ ખતમ થઈ ગઈ છે. આ કાંઠાળ વિસ્તારના પાણી તો ખારાં થયાં છે. એના પરિણામે વધતી જતી ખારાશની આર્િથક અસરો ખૂબ જ વિપરીત હોય છે. ખારાશવાળી જમીનોમાં પાક ઉગાડવાની પસંદગી ઘણી જ મર્યાદિત થઈ જાય છે અને ખેડૂતો પરનું જોખમ વધી જાય છે. આવી ખારાશવાળી જમીનોની ઉત્પાદકતામાં ૧૫ ટકાથી ૬૫ ટકાનો ઘટાડો થતો હોય છે. જેની સામાજિક અસરો જોઈએ તો, ખેતી પર નભતા લોકોની આવક અને રોજગારીમાં ઘટાડો, આવા કુટુંબોની આવક પર અવળી અસર, કુટુંબના આરોગ્યને હાનિ, સામુદાયિક આરોગ્યને નુકસાન જેવી સામાજિક અસરો થતી હોય છે.
કચ્છના અખાતમાં ઓખાથી જોડિયા સુધીનાં ૧૫ ટાપુઓના (જેમાં ઓખા, શોલી, ડોના, બોરલિયા, સાગા, ગુસ અને પિરોટનનો સમાવેશ થાય છે) પરવાળાનાં દ્વીપ માનવીય હસ્તક્ષેપને કારણે ભયના ઓથાર હેઠળ મૂકાઈ ગયા છે. ૧૯૭૫થી ૧૯૮૬ દરમિયાન પરવાળાના ખડકોના ક્ષેત્રફળમાં ૯૪,૦૦૦ હેક્ટરનો ઘટાડો થયેલ હતો તેમ જ ભારે ઝડપે ચેરનો વિનાશ થઈ રહ્યો છે. ૧૯૬૦-૧૯૯૩ દરમિયાન ખંભાતના અખાતમાં ૯૬ ટકા ચેર ઘટયા હતા. જ્યારે ૧૯૭૫થી ૧૯૮૨ દરમિયાન કચ્છના અખાતમાં ૭૨.૫ ટકા ચેર ઘટયા હતા. એકંદર ૧૯૮૨થી ૧૯૯૫ના ગાળામાં ૬૩૮૨ જેટલા ચેરના વિસ્તારો મીઠાના અગર કે ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. ચેર એ માછલીઓના ઇંડા મૂકવાના સ્થળ ગણાય છે. મચ્છીઓની પેદાશો ઘટવાનું આ પણ એક કારણ છે. પરિણામે દરિયાકાંઠાના માનવ સમાજનો એક સમૂહ માછીમારી દ્વારા રોજી મેળવે છે. તેમને પણ ભારે વિપરીત અસર થઈ છે. કચ્છના અખાતમાં મોટી ખાવડી, સિક્કા વગેરે દરિયાકાંઠાળ વિસ્તારના ઉદ્યોગોમાંથી વધારે પડતી ખારાશ અને ટીડીએસવાળું ગરમ પ્રદૂષિત પાણી દરિયામાં છોડાઈ રહ્યું છે. જેને કારણે માછલીઓ અને પરવાળાને ઘણું નુકસાન થઈ રહ્યું છે. કચ્છના અખાત ઉપરાંત દક્ષિણ ગુજરાતની મોટી નદીઓના મુખપ્રદેશોની સ્થિતિ પણ અત્યંત ગંભીર બની ગઈ છે.
ગુજરાતના વિશાળ સમુદ્રકાંઠા પર વસવાટ કરતી આવડી વિશાળ વસ્તીની દિવસે દિવસે વધુ ને વધુ વિકટ થતી જતી જળ-જમીનની ખારાશની ભારે ગંભીર સમસ્યા હલ થવાના બદલે વિકાસના નામે ઔદ્યોગિકીકરણના અતિરેકના કારણે કાંઠાળ વિસ્તારના આવડા મોટા જનસમૂહની વ્યથા અને વેદનાને જાણીબૂઝીને નજરઅંદાજ કરાઈ રહ્યાની છાપ ઊભી થાય છે. જે જળ-વાયુ પરિવર્તનના આજના ‘ગ્લોબલ ર્વોિંમગ’ના ચિંતાપ્રેરક સમયમાં દુ:ખદ અને કમનસીબ છે. એક જમાનામાં લીલીનાઘેર ગણાતો આ દરિયાકાંઠાળ વિસ્તારની આ હાલત કંઈ એકાએક કે અણધારી નથી થઈ. વિકાસકીય માનવ પ્રવૃત્તિના કારણે થઈ છે. એનો ઇલાજ પણ માનવીએ જ કરવો રહ્યો.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાળ વિસ્તારમાં ૧૯૨૦માં એ.સી.સી. સિમેન્ટ કંપની આવી. ૧૯૪૦માં ટાટા કેમિકલ્સ કંપની આવી. ૧૯૬૦માં બિરલા સોલ્ટ વર્ક્સ કંપની આવી. સેન્ચુરી કેમિકલ્સ શોર્ટ વર્ક્સ લિ. કંપની, ડી. વી. સોલ્ટ્સ વર્ક્સ, ભારત પેટ્રોલિયમ્સ, એસ્સાર, રિલાયન્સ વગેરે મોટી મોટી કંપની આવતી રહી.
શરૃઆતમાં તો સ્થાનિક ગ્રામીણ લોકોને લાલચો અને ખાતરીઓ અપાતી રહેલ કે આવા મોટા ઉદ્યોગો આવવાથી તમોને સારી રોજગારી મળશે. તમે સમૃદ્ધ થશો, પરંતુ એમ થવાને બદલે આવા કારખાનાંઓમાં મોટે ભાગે રોજગારી તો બહારના લોકોને મળી. સ્થાનિક લોકોની આજીવિકા સમી ખેતી અને પાણી ઔદ્યોગિક પ્રદૂષણના કારણે બગડવા લાગ્યા અને સ્થાનિક પ્રજાના જળ-જમીન- ખનિજ જેવી કુદરતી સંપદાનું ભારે શોષણ થવા લાગેલ. આની સામે વિવિધ કાંઠાળ પ્રદેશની પ્રજા વર્ષો સુધી લડતી રહી, પણ પોતાના કુદરતી સ્રોતોને થતું નુકસાન અટકાવી ન શકી તેમ જ દરિયાના ખારા પાણી જમીનમાં આગળ વધતા અટકાવવા માટે ૧૯૬૫માં રચવામાં આવેલ અને સમુદ્રની ખારાશ વધતી અટકાવવાની કામગીરી કરી રહેલા ગુજરાત રાજ્ય ખારલેન્ડ ડેવલપમેન્ટ બોર્ડનું ૨૦૦૦માં ગુજરાત સરકારે વિસર્જન કરી નાંખીને આગળ વધતી ખારાશ અટકાવવાની જવાબદારીમાંથી સરકારે પણ હાથ ઊંચા કરી દીધેલ.
No comments:
Post a Comment