Thursday, March 27, 2008

તમારે બ્લોગર બનવું છે?

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ’ શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી ‘બ્લોગ’ શબ્દે જગાવી છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર? બ્લોગ શબ્દ જન્મ્યો છે વેબલોગમાંથી, જેનો સાદો અર્થ છે વેબ પર લખાતી ડાયરી. તમે કોઈ પણ વિષય વિશેના તમારા વિચારો, ફોટોગ્રાફ, વિડિયો વગેરે કંઈ પણ આખી દુનિયાને બતાવવા ઇરછતા હો તો અત્યારે સૌથી સહેલો ઉપાય છે તમારો પોતાનો બ્લોગ લખવાનો. વેબસાઇટ બનાવવા અંગેની કોઈ પણ ટેકિનકલ જાણકારી વિના, કોઈ પણ વ્યકિત સહેલાઈથી પોતાનો બ્લોગ શરૂ કરીને, બ્લોગર બની શકે છે. આમ તો સંખ્યાબંધ સાઇટ્સ મફત બ્લોગિંગની સેવા આપે છે, પણ http://www.blogger.com/ બ્લોગર્સમાં હોટ ફેવરિટ છે. તમે ઇમેલ એકાઉન્ટ ખોલાવો એટલી જ સહેલાઈથી આ સાઇટ્સ પર જઈને પોતાનો બ્લોગ શરૂ કરી શકો છો. પછી જેમ કોઈને ઇમેલ લખીને મોકલો, એ જ રીતે તમારા વિચાર તમારા બ્લોગ પર પોસ્ટ કરી શકો. તમારા મિત્રો-સ્વજનોને તમારા બ્લોગનું એડ્રેસ આપી દો એટલે એ તમારા બ્લોગની મુલાકાત લેતા થઈ જાય. તમારા લખાણ વિશે તમારા વાચકને કંઇ કહેવું હોય તે એ ત્યાં ને ત્યાં, તરત પોતાની કમેન્ટ ઉમેરી શકે. એ તમે વાંચો, એનો જવાબ આપો... અને આમ શરૂ થઈ જાય દુનિયાભરના ખૂણેખાંચરે વસતા લોકોને સાંકળતો એક સરસ, લાઇવ સંબંધ.
દ્દફૂણૂત્ર્ઁંર્શ્વીદ્દi.ણૂંૃ સાઇટ દુનિયા આખીનાં બ્લોગ્સ પર નજર રાખે છે અને ટોપ પોસ્ટ્સ તારવીને, તમારી સમક્ષ મૂકે છે. આ ટેકનોરાતી કહે છે કે હાલમાં તે એક અબજ ૧૩ કરોડ જેટલાં બ્લોગ પર નજર રાખે છે ને રોજ પોણા બે લાખ જેટલાં નવાં બ્લોગ ઇન્ટરનેટ પર ઉમેરાય છે! એક વાચક તરીકે, બ્લોગ એક અત્યંત વિશાળ પુસ્તકાલયની ગરજ સારે છે ને તમારા રસના વિષયના ખરા નિષ્ણાતોના બ્લોગ શોધી શકો તો પછી ખરો જલસો છે. સામાન્ય, સ્થાનિક નાગરિકે લખેલા બ્લોગ પણ ધારદાર હોય છે, જે સુનામી જેવી આફત વખતે પુરવાર થયું. બ્લોગ લખવાની પણ આગવી મજા છે. ઘણા વાચકોને અનુભવ હશે કે તેમની કલમને અખબારના પાને પહોંચાડવામાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જયારે બ્લોગિંગમાં તો તમે જ લેખક અને તમે જ તંત્રી! થોડા સમય પહેલાં સમાચાર હતા કે સ્પેનનાં એક દાદીમાએ ૨૦૦૬માં ૯૫ વર્ષની વયે બ્લોગિંગ શરૂ કર્યું અને અત્યારે ૬૦,૦૦૦ જેટલા નિયમિત વાચકો સાથે અલકમલકની વાતોથી કરે છે! આ દાદીમા સ્પેનિશ ભાષામાં લખે છે, તમે ગુજરાતીમાં લખી શકો. કઈ રીતે? એ વાત આગળ ઉપર.

No comments: