સંસદની પ્રતિષ્ઠાની જવાબદારી કોની ?
લેખક: દિનેશ શુકલ
સંસદસભ્યોના ગૃહમાં ‘બેજવાબદાર વર્તન’ અને તેને કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ જવાનાં તાજેતરમાં બનેલા કેટલાક બનાવો વિશે લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટરજી અને રાજ્યસભાના ચેરમેન મોહમદ હમીદ અન્સારીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમાં પણ અધ્યક્ષ સોમનાથ ચેટરજીએ તો રીતસર આક્રોશ વ્યક્ત કર્યો છે, જે આપણે ટી.વી. ચેનલો પર જોયો છે. ૧૩ માર્ચે ચેટરજીનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો. ‘સંસદગૃહોની બહાર મૂકવામાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ જઈને રૃલ બુક બાળી નાંખ્યો.’
અગાઉ ગૃહમાં શાંતિ રાખવાની પોતાની વારંવારની અપીલ, કહો કે આજીજી કાને ન ધરાતા તેમણે સભ્યોને ઉદ્દેશીને કહ્યું હતું કે, “તમે સૌ લોકશાહીની હત્યા કરી રહ્યા છો. ગૃહમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ એ આખું જગત જોઈ રહ્યું છે, આપણે શરમાવું જોઈએ.”
એ પહેલાં પણ જ્યારે તેમનાથી સભ્યોનું ગેરવર્તન સહન ન થતા કહ્યું હતું કે, સભ્યોનું વર્તન તદ્દન અયોગ્ય અને બિલકુલ અસ્વીકાર્ય છે. નાગરિકોની નજરમાં ગૃહનાં ગૌરવ અને પ્રતિષ્ઠા નીચે ઊતરે એવું કશું જ ચલાવી લઈ શકાય નહીં.
સંસદની કાર્યવાહી ખોરવાઈ જવાને કારણે ૨૦૦૭ના વર્ષ દરમિયાન લોકસભા તેના નિર્ધારિત સમયના માત્ર ૫૧ ટકા જ કામ કરી શકી. જ્યારે રાજ્યસભા તો તેનાથી ઓછા સમય માટે, માત્ર ૪૩ ટકા જ કામ કરી શકી. (રાજ્યસભા વરિષ્ઠ-પ્રબુદ્ધજનોની સભા ગણાય છે !) ગયા વર્ષ દરમિયાન લોકસભા માત્ર ૬૭ દિવસ જ ચાલી, છેલ્લાં કેટલાંક વર્ષોનો આ એક ઓછા દિવસનો રેકોર્ડ છે! અને તે પણ દિવસના સરેરાશ ૪.૩ કલાક, જે ખરેખર દિવસના છ કલાક ચાલવી જોઈએ. રાજ્યસભા સરેરાશ ૩.૩ કલાક ચાલી, જે ખરેખર પાંચ કલાક ચાલવી જોઈએ. ૨૦૦૭માં લોકસભામાં માત્ર ૪૬ ખરડા પસાર થયા (કેટલી ચર્ચા થઈ હશે, એની ચાડી તો ઉપરના આંકડા ખાય છે !) જ્યારે ૨૦૦૬ના વર્ષમાં ૬૫ ખરડા પસાર થયેલા. તેમાં પણ ૪૦ ટકા જેટલા ખરડા તો નામ માત્રની ચર્ચા કે બિલકુલ ચર્ચા વિના જ પસાર થયા. રાજ્યસભામાં પણ ૩૦ ટકા ખરડા કોઈ પણ ચર્ચા વિના જ પસાર થયા.
સવાલ કેટલા સમયમાં કેટલા ખરડા પસાર થયા, એટલા પૂરતો મર્યાદિત નથી. આ સમયમાં પસાર થયેલા ખરડા દૂરગામી સૂચિતાર્થો અને મહત્ત્વના નીતિવિષયક મુદ્દાઓને લગતા હતા, છતાં તેમના પર લગભગ નહિવત્ ચર્ચા-વિચારણા થઈ. બે મહત્ત્વના કાયદા- ‘લેન્ડ એક્વિઝિશન એક્ટ’ અને ‘ઇન્ડિયન પોલીસ એક્ટ’ તો બ્રિટિશ શાસન દરમિયાન ૧૯મી સદીમાં ઘડવામાં આવેલા, તેમાં કેટલાક ફેરફાર કરવા તાકતા બિલો આછી-પાતળી ચર્ચા વચ્ચે પસાર થયા. આ કાયદાઓનું પાયાનું માળખું તો યથાવત્ રહ્યું છે.
ગૃહમાં એક સભ્ય બોલતા હોય ત્યારે વચ્ચે ઊભા થઈને તેમને બોલવા ન દેવા, ક્ષુલ્લક બાબતો માટે ગૃહમાં ભારે ઘોંઘાટ કરવો, શોરબકોર અને સામસામે સૂત્રોચ્ચાર કરવો, ગૃહના ‘વેલ’માં ધસી જવું, સ્પીકરની આજીજીને કાને જ ન ધરવી- આવા સમાચાર વાંચીને અને ટી.વી. ચેનલો પર સાદૃશ જોઈને સામાન્ય માણસને કેવી લાગણી થતી હશે, એ તો જ્યારે સર્વે કરીએ ત્યારે ખબર પડે ! પણ તેના મનમાં એક પ્રશ્ન થયા વિના ન રહે કે સ્પીકર આ બધું કેમ અટકાવતા નહીં હોય ? ગૃહમાં સ્પીકર શું એટલા નિર્બળ અને નિરાધાર છે, કેમ કશું કરતા નથી ? બંને ગૃહોની કાર્યવાહી માટે ચોક્કસ નિયમો-ધારાધોરણો (રૃલબુક) છે. એને આધારે સ્પીકર અને ચેરમેનને ઠીકઠીક પ્રમાણમાં સત્તાઓ પણ છે. નહીં ગાંઠતા સભ્યોની સામે ગેરશિસ્ત માટે જરૃરી પગલાં તેઓ ભરી શકે છે. લોકસભાના રૃલમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સ્પીકર ગૃહમાં વ્યવસ્થા જાળવશે અને તે હેતુ માટે પોતાના નિર્ણયોનો અમલ કરવા માટેની જરૃરી સત્તાઓ ધરાવે છે.
સ્પીકર કોઈ પણ ‘ગેરશિસ્ત’ આચરતા સભ્યને ગૃહમાંથી બહાર ચાલ્યા જવાનો આદેશ આપી શકે. સ્પીકર કોઈ પણ સભ્યનો નામજોગ ઉલ્લેખ કરીને સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરી શકે. ઓટોમેટિક સસ્પેન્શન કલમ હેઠળ ગૃહની સતત પાંચ બેઠક સુધી તેઓ ગૃહમાં હાજર રહી શકે નહીં. રાજ્યસભાના ચેરમેનને પણ ગૃહમાં વ્યવસ્થા જાળવવા માટે આવી જ સત્તાઓ આપવામાં આવી છે. કમનસીબે, આ સત્તાઓનો જ્વલ્લે જ ઉપયોગ કરવામાં આવે છે. એકલદોકલ સંસદસભ્ય માટે આ સત્તાઓનો ઉપયોગ કદાચ કારગત નીવડે પણ જ્યાં આખો વિરોધ પક્ષ ખડે પગે થઈ ગયો હોય, શોરબકોર કરતો હોય અને વેલમાં ધસી જઈને સૂત્રોચ્ચાર કરતો હોય ત્યાં સ્પીકર હાથ જોડીને બેસી ન રહે તો શું કરે ? બહુ બહુ તો ગૃહને મોકૂફ (એડજોર્ન) કરી શકે, પણ આવું તે કેટલી વાર કરે ?
તાજેતરમાં રાજ્યસભામાં કેટલાક સભ્યોએ પ્રશ્નકાળ (ક્વેશ્ચન અવર) એવી ‘અવ્યવસ્થા’ ઊભી કરી કે બીજા સભ્યો (જેમણે પ્રશ્નો રજૂ કરેલા હતા) એ અત્યંત મહત્ત્વના સમય દરમિયાન પ્રશ્નો જ પૂછી ન શક્યા અને ચર્ચામાં ભાગ જ ન લઈ શક્યા. તે સભ્યોએ ચેરમેન ડો. અન્સારી સમક્ષ ફરિયાદ કરી કે, આને કારણે ગૃહના કામકાજમાં ભાગ લેવાના તેમના વિશેષાધિકારનો ભંગ થયો છે. સંસદસભ્યો (અને રાજ્યોમાં વિધાનસભ્યો) ધારાગૃહોમાં પોતાના વિચારો મુક્તપણે અને કોઈની શેહશરમ રાખ્યા વિના વ્યક્ત કરી શકે તે માટે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ધરાવે છે. ગૃહમાં ખલેલ ઊભી કરતા આ સભ્યો દ્વારા તેમના આ વિશેષાધિકારનો ભંગ થયો છે. ફરિયાદની ગંભીરતા જોઈને ડો. અન્સારીએ આ આખો મુદ્દો ગૃહની વિશેષાધિકાર સમિતિને સુપરત કર્યો છે.
સંસદકીય વિશેષાધિકારો, સંસદસભ્યો ગૃહમાં જે બોલે અથવા મતદાન કરે તે સામે અદાલતોમાં એક પ્રકારનું રક્ષણ પૂરું પાડે છે. ગૃહમાંના તેમના કોઈ પણ ‘કૃત્ય’ (અભિવ્યક્તિ કે મતદાન)ને અદાલતોમાં પડકારી શકાતું નથી, પણ ગૃહની કાર્યવાહી જ ખોરવી નાંખવામાં આવે અને કોઈ સભ્ય ગૃહમાં પોતાનો આ વિશેષાધિકાર (અભિવ્યક્તિની સ્વતંત્રતા) જ ભોગવી ન શકે ત્યારે શું કરવું ? ખલેલ પહોંચાડનારાઓ પણ એવી જ દલીલ કરે કે, તેઓ પણ ગૃહમાં પોતાની વાણી-અભિવ્યક્તિની વિશેષ સ્વતંત્રતાનો ઉપયોગ કરતા હતા ! તો પછી કોનો વિશેષાધિકાર ચઢિયાતો ગણાય, ખલેલ પહોંચાડનારાઓનો કે ખલેલને કારણે જેઓ ગૃહમાં પોતાના વિચારો જ વ્યક્ત ન કરી શક્યા એમનો ?
સંસદ અને સંસદસભ્યોના વિશેષાધિકારો વિશે આપણે ત્યાં અવારનવાર વિવાદો ઊભા થયા કરે છે. ક્યારેક એ મુદ્દે સંસદ (અને સંસદસભ્યો) અને ન્યાયતંત્ર વચ્ચે અથડામણ થાય છે તો ક્યારેક સંસદ અને અખબારો વચ્ચે મતભેદો ઊભા થાય છે. આ વિવાદોના મૂળમાં આપણી સંસદે સંસદ અને વિધાનસભ્યોના વિશેષાધિકારોને સંહિતાબદ્ધ (કોડિફાઈડ) કરેલા નથી. સર્વોચ્ચ અદાલતે અને બંધારણ શાસ્ત્રીઓએ અવારનવાર એ વિશે સંસદનું ધ્યાન દીધું છે કે, સંસદ અને સંસદસભ્યોના વિશેષાધિકારોને કાયદાબદ્ધ (કોડિફાઈ) કરવામાં આવે, પણ બધા રાજકીય પક્ષો અને તેમના નેતાઓ કોડિફાઈ કરવાની કોઈ ‘જરૃર’ જોતા નથી. બંધારણમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ભારતીય સંસદ આ વિશેષાધિકારોને ‘કોડિફાઈ’ ન કરે ત્યાં સુધી ઇંગ્લેન્ડની આમ સભા (હાઉસ ઑફ કોમન્સ)ના સભ્યો જે વિશેષાધિકારો ભોગવે છે, તે ભોગવશે.
No comments:
Post a Comment