ગુજરાત ગૌરવ લઈ શકે તેવી શૈક્ષણિક ઘટનાઓ પણ ઘટી છે
પાટણની દુર્ઘટના પછી ગુજરાતનું સમગ્ર શિક્ષણ ખાડે ગયું છે એમ માનવાની જરૃર નથી. પાટણ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની શરમજનક દુર્ઘટના બન્યા છતાં ગુજરાતમાં કેટલાંક ઉત્તમ કાર્ય કરતાં ડાયટ છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ડાયટ એવું છે કે, ત્યાં સાયન્સ પાર્ક પ્રાંગણમાં પ્રવેશતાં જ જોવા મળે. સાયકોલેબ ગુજરાતમાં આ ડાયટમાં પ્રથમ થઈ છે.
આ ડાયટ શિક્ષણની ગુણવત્તા સુધારણાના અને શિક્ષક-વિદ્યાર્થીઓમાં નૈતિક તથા મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં અગ્રેસર છે. ભવનના પ્રગતિશીલ-પ્રયોગવીર- સાચાબોલા પ્રાચાર્ય અને તેમની યુવાન પ્રશિક્ષકોની ટીમે શિક્ષણવિષયક અનેક પ્રવૃત્તિઓ કરીને રાજ્યના શ્રેષ્ઠ તાલીમભવનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ડાયટે ‘વિચારોના વૃંદાવનમાં’ વ્યાખ્યાનમાળા યોજીને અને ‘કેસૂડાં’- મુખપત્ર પ્રગટ કરીને આગવી છાપ ઊભી કરી છે. ગ્રાન્ટેડ પી.ટી.સી. કોલેજોમાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય-નડિયાદ, સર્વોદય આશ્રમ-બાબાપુર અને વિશ્વમંગલમ્-અનેરાની બહેનોની પી.ટીસી. કોલેજમાં દીકરીઓનું જે શિક્ષણ થાય છે તે ગુજરાતનાં અન્ય અધ્યાપન મંદિરોએ જોવું જોઈએ. સ્વનિર્ભર પી.ટી.સી. કોલેજોમાં મોડાસાની કોલેજ કેમ્પસમાં આવેલી મિશ્ર પી.ટી.સી. કોલેજ, લખતરની ઓઝા પી.ટી.સી. કોલેજ અને કડી સર્વવિદ્યાલય કેમ્પસની પી.ટી.સી. કોલેજો નમૂનેદાર છે. ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત વલ્લભ વિદ્યાલય-બોચાસણનું અધ્યાપન મંદિર તો આદર્શ છે.
વળી ગુજરાતના શિક્ષણમાં બધું જ બગડી ગયું છે એવી બૂમો પાડનારાઓએ સાબરકાંઠા જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી શાંતિનિકેતન ઉત્તર બુનિયાદી સંસ્થા જોવી જોઈએ. શિક્ષક દંપતીએ વૃંદાવન સંસ્થામાં રહીને શિક્ષકોનો એક પણ પૈસો લીધા વિના આ સંસ્થા વિકસાવી છે. સંસ્થાના સંચાલન માટેની બીજી કેડર પણ ઊભી કરી છે એ બધી શિક્ષણ સંસ્થાઓએ પ્રેરણા લેવી જેવી ઘટના છે. બાલાસિનોરમાં કરુણા નિકેતન-મિશન હાઈસ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ પર્યાવરણ પૂરું પાડે છે. આ સંસ્થા દ્વારા બાલાસિનોર વિસ્તારની ૩૬ માધ્યમિક શાળાઓના શિક્ષક-આચાર્યો અને વાલીઓનું ‘પાથેય શાળા વિકાસ સંકુલ’ શિક્ષણની ગુણવત્તા સુધારણાના અનેક કાર્યક્રમો યોજે છે. હમણાં જ એક શૈક્ષણિક સેમિનારમાં આ કોલમના લેખક જઈ આવ્યા. પાંચસો જેટલા સક્રિય શિક્ષકો-વાલીઓએ આખો દિવસ ગોષ્ઠિ કરી. મહેસાણા-સાબરકાંઠા- બનાસકાંઠા જિલ્લાની સરહદે સતલાસણા તાલુકાના અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કોઠાસણા વિદ્યામંદિર શિક્ષણની જ્યોત પવિત્ર રીતે જલતી રાખી રહ્યું છે. આ જ ગામના ઠાકોર સાહેબે આ સંસ્થાને ધો. ૫થી ૧૦ની તીર્થભૂમિ જેવી બનાવી છે. આ સંસ્થાનું કેમ્પસ જ સૌને સ્પર્શી જાય તેવું છે. આ સંસ્થા અત્યાર સુધીમાં તાલુકાકક્ષાએ ૪૮૫, જિલ્લાકક્ષાએ ૧૯૮, રાજ્યકક્ષાએ ૧૨૧ અને રાષ્ટ્રીયકક્ષાએ ૩ ટાઈટલ્સ રમતગમતક્ષેત્રે મેળવી ચૂકી છે. ઇકો ક્લબને પર્યાવરણનો રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો છે. આ સંસ્થામાં વેધશાળા છે જેનો ઉપયોગ આ વિસ્તારના લોકો પણ કરે છે. ૧૯૦ વિદ્યાર્થીઓનું શિસ્ત-શિક્ષણ અને સંસ્કારનું ઘડતર કરતું છાત્રાલય છે. અંબાજી દર્શને જતાં યાત્રીઓએ આ સંસ્થાના દર્શન કરી ધન્યતા અનુભવવા જેવી છે.
શહેરો કરતાંયે ગ્રામકક્ષાએ ગુજરાતમાં કેટલીયે કોલેજો ઉત્તમ કાર્ય કરે છે. સર્વ વિદ્યાલય કડી કેમ્પસની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, વડોદરા જિલ્લાની સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને મહેસાણા જિલ્લાના સતલાસણાની આર્ટ્સ કોલેજો જુઓ તો ખ્યાલ આવે કે યુવાન આચાર્યો-અધ્યાપકોની ટીમ કોલેજકક્ષાએ કેટલા પરિશ્રમથી કાર્ય કરે છે. મોટા ભાગના અધ્યાપકો લર્નરની ભૂમિકામાં ઉત્તમ કાર્ય કરે છે. સતલાસણામાં તો લેંગ્વેજ લેબોરેટરી પણ છે. અહીંની સમૃદ્ધ લાઈબ્રેરી અને જીવંત ગ્રંથપાલ એ પણ એક નજરાણું છે.
ગુજરાતમાં પાટણકાંડ થયો તે દિવસોમાં ગુજરાત ગૌરવ લઈ શકે તેવી શૈક્ષણિક ઘટનાઓ પણ ઘટી છે. ભારત સરકારે દેશની ત્રણ શાળાઓને ‘રાષ્ટ્રીય વિરાસત શાળા’ તરીકે જાહેર કરી છે. જેમાં ગુજરાતની નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી ગ્રામ દક્ષિણાર્મૂિત આંબલા છે. અહીંથી સૌરાષ્ટ્રની લોકશાળાઓની દર વર્ષે પચાસ વર્ષથી રેલી યોજાય છે. આ વર્ષે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા-ખડસલી- ડેડકડી અને વાંગધ્રા લોકશાળાઓમાં પાંચ દિવસની ધો. ૯ના ૨૫ લોકશાળાઓના ૨૧૦૩ વિદ્યાર્થીઓ અને ૫૨ શિક્ષકોની અંગ્રેજી વિષયની સફળ રેલી યોજાઈ. નઈતાલીમની આ શાળાઓના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલતા-લખતા થઈ ગયા. આ જેવીતેવી ઘટના નથી.
દક્ષિણ ગુજરાતની આશ્રમશાળા પગલાં સમિતિના ઉપક્રમે વ્યારામાં આશ્રમશાળાઓ-ઉત્તર બુનિયાદીઓના વાલીઓ-શિક્ષકો- આચાર્યો- સંચાલકો- ગૃહપતિ- ગૃહમાતાઓનું ત્રીજું મહાસંમેલન યોજાઈ ગયું. સાતેક હજાર વ્યક્તિઓએ આ સંમેલનમાં ભાગ લીધો. નર્મદાથી તાપી અને ડાંગ જિલ્લા સુધીનું પ્રતિનિધિત્વ હતું. આ જ દિવસોમાં સાયલાના રાજ સોભાગ સત્સંગ મંડળના ઉપક્રમે ચાલતા ‘પ્રેમની પરબ’ પ્રોજેક્ટના ઉપક્રમે ‘બાળચેતના પર્વ-૨૦૦૮’નો બે દિવસનો સફળ મેળાવડો થયો. આ બધી શિક્ષણની ઘટનાઓ શિક્ષણની શોભા છે. આપણા મીડિયાનું એ તરફ ક્યારે ધ્યાન જશે ?!
No comments:
Post a Comment