કેટલી બધી બાબતો આપણે ચકાસ્યા વિના સ્વીકારી લઇએ છીએ? ગણેશ દૂધ પીએ છે થી માંડીને સંગિઠત ક્ષેત્રે છૂટક બજાર (મોલ અથવા સુપર સ્ટોર) શરૂ થતાં અસંગિઠત ક્ષેત્રની છૂટક બજાર (મોદી કે ગાંધીની દુકાન) બંધ થઇ જશે વગરે વગરે..સાતેક વર્ષ પહેલાં સુરતના અઠવા લાઇન્સ પર ડોમિનોઝ પિઝાની દુકાન થઇ ત્યારે કેટલાક ઉત્સાહીજનોએ હવે મૈસુર કાફે બંધ થઇ જશે તેમ કહ્યું હતું. ડોમિનોઝ પિઝા બંધ થયું, યુ.એસ. પિઝા ખૂલ્યું અને મૈસુર કાફે હજી ચાલે છે. છેલ્લાં પાંચેક વર્ષથી ગુજરાતમાં સંગિઠત ક્ષેત્રની દુકાનો-ચેઇન સ્ટોર, સુપર સ્ટોર,મોલ કે ડિપાર્ટમેન્ટ સ્ટોર સ્વરૂપે વધવા લાગી છે.
છાપામાં ભરપૂર જાહેરખબરો, તસવીરો, અભિપ્રાયો આવે છે. માત્ર છાપાં વાંચીને નવરાશના સમયમાં અભિપ્રાય ઘડનારો ભણેલ વર્ગ સ્પષ્ટપણે માનવા લાગ્યો છે કે ગુજરાતમાં મોલ કલ્ચર આવવા લાગ્યું છે અને ગાંધીયાણા-કરિયાણા-મોદીયાણા વગેરેની દુકાનો બંધ થઇ જશે. નાની દુકાનવાળાને પડતી ભીંસના સમાચાર આવવા લાગ્યા છે, પરંતુ મોલ થવાથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં દુકાનો બંધ થઇ ગયાના સમાચાર કે આંકડા સાંપડતા નથી.
મોલના આક્રમણનો પ્રવાહ જૉઇએ. અમેરિકામાં એંસી ટકા છૂટક વ્યાપાર સંગિઠત ક્ષેત્ર (મોલ, સુપર સ્ટોર, ડિપાર્ટમેન્ટલ સ્ટોર દ્વારા થાય છે. તાઇવાનમાં આ પ્રમાણે પંચોતેર ટકા છે. મલેશિયામાં અઠ્ઠાવન ટકા, થાઇલેન્ડમાં સત્તાવન ટકા, ઇન્ડોનેશિયામાં ચાલીસ ટકા, ચીનમાં બત્રીસ ટકા અને ભારતમાં ફકત ચાર ટકા વ્યાપાર સંગિઠત ક્ષેત્ર દ્વારા થાય છે. અન્સ્ર્ટ એન્ડ યંગ નામની એક બજાર સંશોધન કંપનીના અંદાજ મુજબ સન ૨૦૧૦માં જયારે સંગિઠત છૂટક બજાર ૧.૨ લાખ કરોડ ઉપર પહોંચશે ત્યારે તે ભારતના ફકત છ ટકા ગ્રાહકોને સેવા આપી શકશે. બાકીના ચોરાણુ ટકા ગ્રાહકો નાની દુકાનોમાંથી માલ ખરીદતા હશે. ભારત જેવા મોટા અને સંકુલ દેશમાં સંગિઠત-મોટી દુકાનો સામે અસંગિઠત નાની દુકાનો આટલા મોટા પ્રમાણમાં, સામાજિક માળખું અને વર્ગરચના નહીં બદલાય ત્યાં સુધી તો ટકી રહેશે. સમાજના પિરામિડમાં નીચેનો એંસી ટકા વર્ગ નાની દુકાનો પસંદ કરે છે. જયારે બાકીના વીસ ટકામાંથી ચાલીસ ટકા કવચિત મોલમાંથી ખરીદી કરશે. હાલમાં સમગ્ર દેશમાંથી ચાર કરોડ લોકો નિયમિત રીતે મોલમાંથી ખરીદી કરે છે. આ ઉપરના વર્ગની આવક વાર્ષિક ૧,૬૦,૦૦૦ રૂપિયાથી ૪,૦૦,૦૦૦ રૂપિયા સુધીની છે. અતિ ધનિક વર્ગ પાછો ખાસ દુકાનોમાંથી જ (જેમ કે બ્રાન્ડશોપ, ઓર્ગેનિક ફૂડ શોપ, ખાસ ડિઝાઇનર વસ્તુઓની દુકાન) ખરીદી કરે છે. પેલો ચાર કરોડનો વર્ગ સન ૨૦૧૦ સુધીમાં સાડા છ કરોડ સુધી પહોંચશે તેવો બજાર ગુરુઓનો અંદાજ છે.
ભારતમાં પિરામિડમાં નીચેના ૩૦ કરોડ શહેરી લોકો તો એવા છે જેમને કરિયાણા દુકાન જ નજીક પડે છે, ફાવે છે અને ઉધાર માલ આપે છે. સાંજે કામેથી ધેર પાછા ફરતાં પડોશની દુકાનમાંથી માલ લઇને ધેર જવું સગવડભર્યું હોય છે. અહીં ગ્રાહક અને દુકાનદારનો એક સામાજિક સંબંધ બંધાયેલો હોય છે. ભારતીય ગ્રાહકની એક વિશેષ ખાસિયત ભાવતાલ કરવાની છે. મોલમાં શાક ખરીદીને ઉપરથી મફતમાં આદું, કોથમીર, મરચાં માગી શકાતા નથી. દૂધમાં ઉમેરણ મેળવી શકાતું નથી. ‘જરા નમતું જૉખ’ કહીને ગોળનું એક વધુ ઢેફું માગી શકાતું નથી. આ બધી બાબતો ગ્રાહકોના સંતોષમાં આવે, જે મોલમાં પ્રાપ્ત કરી શકાતો નથી. વળી મોલમાં પાંચ રૂપિયાનું તેલ, બે રૂપિયાની હિંગ અને બે રૂપિયાનું મરચું મળતાં નથી. નાના, નજીક પડોશના અને અનૌપચારિક હોવાના જે કેટલાક ફાયદા કરિયાણાની દુકાનને અને લારીને મળે છે તે મહાકાય સ્ટોરને મળતા નથી.
મોલનો પડકાર ભો થતાં અત્યાર સુધી થડે બેસીને આરામથી ધંધો કરતા, બપોરે ધેર જમવા જઇ ઘ ખેંચી કાઢતા, આયોજન ન કરતા, દુકાન વ્યવસ્થિત ન ગોઠવતા નાના વેપારીઓ જાગી ગયા છે. મોલનું આક્રમણ તેમને માટે અસ્તિત્વનો પડકાર હોય તે રીતે પોતાની મર્યાદાઓમાં રહીને પણ ધંધાના વિકાસ માટે સજજ થવા લાગ્યા છે. આ સજજતામાં પ્રથમ આવે છે ધેર સામાન પહોંચાડવાની પ્રથા. સામાન્ય રીતે ત્રણ કિલોમીટરના અંતરમાં વસતા ગ્રાહકની જરૂર ફોન પર નોંધી લઇ અનુકૂળ સમયે ધેર પહોંચાડવામાં આવે છે. ગ્રાહકને માલ લાવવાના પૈસા અને સમયની બચત થાય છે તથા ‘અમારે તો હોમ ડિલિવરી છે, દુકાનના આંટા નથી’ કહીને ગ્રાહક પોતાનો અહમ્ પણ સંતોષી શકે છે.
બીજી સેવા તે મૂલ્યવર્ધિત સેવાઓ છે. કામ કરતાં દંપતીને મોબાઇલ તથા વીજળી બિલો ભરવાં, વીમાનું પ્રિમિયમ ભરવું કે ટિકિટ બુકિંગ માટે લાઇનમાં ભા રહેવું સમયના અભાવે મુશ્કેલ બની જાય છે. ગ્રાહક પાસેથી વધારાનો કોઇ પણ ચાર્જ લીધા સિવાય છૂટક વેપારીઓ આ સેવા પૂરી પાડતા થયા છે. આ સેવા બદલ છૂટક વેપારીને કંપની તરફથી કમિશન મળે છે અને ગ્રાહકનો વિશ્વાસ મળે છે. જે તે વિસ્તાર અને લોકોની વિશિષ્ટ જરૂરિયાતો હોય છે. સ્લમ વિસ્તારના લોકોને નાની ખરીદી (પાંચ રૂપિયાનું મરચું, બે રૂપિયાનું તેલ)કરવી હોય છે. જૈન વિસ્તારમાં જૈન ખાખરા વગેરેનો વિશેષ ઉપાડ હોય છે. મરાઠી વસ્તીવાળા વિસ્તારમાં આમચૂર, ચોખા તથા જાતજાતની ચટણીના સામાનનો ઉપાડ ખાસ થાય છે. સ્થાનિક ગ્રાહકોની જરૂરને સમજીને નાનો વેપારી માલ ભરે છે. ગ્રાહકની જરૂર અંગે ગ્રાહકને પૂછે છે અને દુકાનમાં માલ ન હોય તો મગાવીને સાંજે ઘરે પહોંચતો કરે છે.
કેટલીક ખાસ ચીજૉ બિગ બજાર, સુભિક્ષા કે મોલમાં મળવાની નથી. જેની ખપત ઓછી હોય તે વસ્તુ રાખવી મોટા સ્ટોરને ન પોસાય. માતાજીની ચૂંદડી, ચંદનનો હાર, લીંબુનું સ્પ્રે, કમળકાકડી, ઇન્દ્રજવ, હાથછડના ચોખા, રસાયણ વિનાનો ગોળ વગેરે હજારો વસ્તુઓ એવી છે જે લેવા માટે ગ્રાહક લાંબો થવા અને ખાસ દુકાને જવા તૈયાર હોય છે. ગુજરી બજારમાં મળતો સામાન ખરીદવા જનારો વિશિષ્ટ વર્ગ મોલથી સંતોષ પામવાનો નથી. હવે તો નાના સ્ટોર્સની ચેઇન શરૂ થઇ છે. મારી દુકાને તમારે જૉઇતો માલ નથી, અર્ધા કલાકમાં મગાવી આપું છું. કેટલીક જગ્યાએ ‘સુપર વેલ્યૂ’ કે એવા કોમન નામનાં પાટિયાં પણ આવા સ્ટોર્સ લગાવે છે. આમ અનેક ઉપાયો કરીને પોતાના અસ્તિત્વની લડાઇ લડવા અને મોલની હરીફાઇ કરવા નાના દુકાનદારો સજજ થઇ રહ્યા છે. આવી સજજતામાં કયાંક હિંસા કે રાજકારણ પણ ભળે છે. ઉત્તરપ્રદેશમાં માયાવતીએ આવા મોટા સ્ટોર્સ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. મઘ્યપ્રદેશમાં રિલાયન્સ ફ્રેશ પર ઉમાભારતીના પક્ષના કાર્યકરોએ તોડફોડ કરી હતી. મુંબઇમાં નાના વેપારીઓએ મોલ સામે આંદોલન છેડયું છે. ગુજરાતમાં રાજકારણે નહીં પણ અર્થકારણ અને ગ્રાહકની કોઠાસૂઝે કામ કર્યું છે. ગુજરાતમાં અડધા ઉપરાંતના શહેરી ગ્રાહકો એક વાર મોલનો અનુભવ લેવા જાય છે પછી પોતાના ઘર નજીકની દુકાન તરફ વળે છે. આથી ઉત્સાહમાં મોલ ખોલી નાખ્યા પછી ઘણા સાહસિકો પાછા પડી રહ્યા છે. શેરબજારમાં જેમ મોટું કરેકશન આવ્યું તેમ મોલમાં પણ આવશે. અદાણીના સ્ટોર્સ બંધ થઇ ગયા. કેટલાક મોલ્સ વેચાઇને નવા માલિક પાસે ગયા- જેમ કે ઇન્ડિયા બુલ્સ માર્ટ. મોલને મોલની રીતે ચલાવનાર માનવશકિતની ખેંચ મોલમાં દેખાઇ આવે છે. ગુજરાતનાં શહેરોમાં પણ છ સાત ટકાથી વધુ વેપાર મોલને મળે તેમ નથી. લોકો એકાદ વાર પિઝા-બર્ગર ખાવા મેકડોનાલ્ડમાં જાય, પછી રોજને માટે તો ફાફડા, ભજિયાં ને ભૂસું જ ચાલે. સહેજ ચેન્જ માટે ઇડલી ચાલે. મોટા ઉધોગગૃહો ભારતીય ગ્રાહકના વર્તનને સમજે તે જરૂરી છે.
લેખક: વિદ્યુત જોષી
No comments:
Post a Comment