પ્રત્યેક રાજકારણી મહત્ત્વાકાંક્ષી હોય છે. અડવાણીની મહત્ત્વાકાંક્ષા દેશના વડાપ્રધાન બનવાની છે. આવનારી લોકસભાની ચૂંટણી અડવાણીની રાજકીય કારકિર્દીનો કદાચ અંતિમ અઘ્યાય હશે. વડાપ્રધાન બનવા અડવાણી માટેની એ છેલ્લી તક હશે. ખુદ અડવાણી આ વાતને સારી રીતે સમજે છે. સત્તાના એ અંતિમ લક્ષ્યને હાંસલ કરવા અડવાણી છેલ્લા એક વર્ષથી એડીચોટીનું જૉર લગાવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે અડવાણીએ ગત પખવાડિયે પ્રસ્તુત કરેલી પોતાની આત્મકથામાં કથા કમ અને કેફિયત જયાદા છે. રાજકારણી માટે હંમેશાં સત્ય અને પ્રિય બોલવું સરળ નથી હોતું. કટ્ટરવાદી હોવાની છાપ ધરાવતા અડવાણીનું આંતરિક વ્યકિતત્વ મૃદુ છે. મિતભાષી અડવાણીની આદત મરતાને મર કહેવાની નથી. અડવાણી શુષ્ક રાજકારણી નથી. હિન્દી ફિલ્મોથી માંડીને ક્રિકેટની મેચ જૉવાના શોખીન અડવાણીએ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી છે, હિન્દી ફિલ્મના રિવ્યૂ લખ્યા છે. સામયિકોનું સંપાદન કર્યું છે. અડવાણી સંવેદનશીલ રાજકારણી છે. પ્રભાવશાળી વકતા છે. પોતાની વાત તર્ક, તથ્ય અને તટસ્થભાવ સાથે રજૂ કરવાની વિશિષ્ટ વાક્પટુતા ધરાવતા અડવાણીએ આત્મકથામાં એ શૈલીનો ભરપૂર ઉપયોગ કર્યો છે.
અડવાણીએ ‘માય કન્ટ્રી, માય લાઈફ’ નામની ૯૦૦ પાનાંની દમદાર અને દળદાર આત્મકથામાં શકય હોય ત્યાં સત્ય કહેવાની કોશિશ કરી છે પરંતુ કયાંક અર્ધસત્ય અને પલાયનવાદનાં દર્શન થાય છે. અડવાણીએ આ પુસ્તક ગણતરીપૂર્વક ચૂંટણી પહેલાં અને બજેટ પછી એક રાજકીય ચર્ચા છેડવા પ્રસ્તુત કર્યું છે. પુસ્તકની નકલ વાજપેયી, સોનિયા અને બાળ ઠાકરેને ધેર જઈ સ્વહસ્તે આપીને અડવાણીએ રાજકીય જનસંપર્ક યાત્રાનો આરંભ કર્યો છે. સમગ્ર પુસ્તકનો સાર એ છે કે અડવાણી ખરેખર આપ ધારો છો એવા રાજકીય કટ્ટરવાદી, હિન્દુવાદી, મુસ્લિમ વિરુદ્ધ અને સંઘના પીઠ્ઠુ નથી. અડવાણી મુત્સદી નેતા છે અને વડાપ્રધાન થવા માટે હાલમાં ઉપલબ્ધ નેતાઓમાં એક શ્રેષ્ઠ ઉમેદવાર છે.
બાબરી મસ્જિદ ઘ્વંસનું અત્યંત ઝીણવટપૂર્વક વર્ણન કરતાં અડવાણી કહે છે કે, ‘લખનૌથી પાંચમી ડિસેમ્બરની મધરાતે જાહેરસભા પતાવીને હું અયોઘ્યા પહોંરયો અને છઠ્ઠીએ સવારે તૈયાર થઈને સરયૂ નદીના કાંઠે પ્રતીકાત્મક કારસેવામાં ભાગ લેવા ગયો હતો. ત્યાંથી કલાકેક બાદ રામકથા કુંજમાં મને લઈ જવાયો. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સહિત રામ મંદિર નિર્માણ ઝુંબેશના તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા! જાહેરસભા શરૂ થવાની તૈયારી હતી ત્યાં એક કાર્યકર્તાએ આવીને કહ્યું કે, કેટલાક યુવાનો વિવાદાસ્પદ ઢાંચા પર ચઢીને તોડફોડ કરી રહ્યા છે. (અડવાણી બને ત્યાં સુધી મસ્જિદ શબ્દ પ્રયોજવાનું ટાળે છે.) અડવાણીએ સ્વયં આ દૃશ્ય જૉયું અને હતાશ થયા. વ્યથિત અડવાણી અને અન્ય નેતાઓએ સિનિયરો અને કાર્યકરોને કહ્યું કે, ત્યાં જઈને તોડફોડ અટકાવો પરંતુ આ અપીલ બહેરા કાને અથડાઈ. સંઘના વરિષ્ઠ એચ.વી.શેષાદ્રીએ અનેક ભાષાઓ જાણતા હોવાથી તમામ ભાષાઓમાં માઈક પર અવારનવાર વિનંતી કરી. છેલ્લે રાજમાતા વસુંધરા રાજે સિંધિયાએ માતા તરીકે સૌ સંતાનોને નીચે તરી જવા વિનંતી કરી. કોઈ પ્રતિસાદ ન સાંપડયો. અડવાણીએ ફાયર બ્રાન્ડ ઉમા ભારતીને મોકલ્યાં. તેઓ પણ નિષ્ફળ નીવડયાં. ત્યાર બાદ પ્રમોદ મહાજનને મોકલ્યા તેઓ પણ થોડી વારમાં હાથ ઘસતા પાછા આવ્યા. હું સ્વયં ત્યાં જવા તૈયાર થયો તો મારી મહિલા સિકયુરિટી ઓફિસરે મને અટકાવતા કહ્યું કે, અડવાણીજી આપની સુરક્ષાની જવાબદારી અમારી છે. આપ ઘટનાસ્થળે નહીં જઈ શકો. આ દલીલ ચાલતી હતી ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના વડા અશોક સિંઘલ જાતે ઘટનાસ્થળે પહોંરયા છતાં, આક્રમક ટોળું કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું. મને કહેવામાં આવ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહ લખનૌમાં જ છે. મેં કલ્યાણસિંહનો સંપર્ક કરવા ફોન શોધવાની કોશિશ કરી પરંતુ સંપર્ક ન થયો. ત્યાં જ પહેલો ગુંબજ ધરાશાયી થવાનો અવાજ સંભળાયો. થોડી વારમાં બાકીના બંને ગુબજૉ જમીનદોસ્ત થયા અને ટોળાએ ચિચિયારીઓ કરી મીઠાઈ વહેંચવાની શરૂઆત કરી, અને મને મીઠાઈ અપાઈ. મેં સ્વીકારવાનો ઈન્કાર કરતાં કહ્યું કે આજના દિવસે હું મીઠાઈ નહીં ખાઈ શકું. દરમિયાનમાં કલ્યાણસિંહ સાથે વાત શકય બની. મેં કલ્યાણને કહ્યું કે સુપ્રીમ કોર્ટને સુરક્ષાની આપેલી ખાતરીનું તમારી સરકાર પાલન કરી શકી નથી, માટે તમારે તાત્કાલિક રાજીનામું આપવું જૉઈએ. કલ્યાણે ‘હા’ પાડી, મેં તાત્કાલિક જાહેરાત કરી કે, લોકસભામાં વિપક્ષી નેતા તરીકે હું રાજીનામું આપીશ. લખનૌ પહોંચીને મેં લોકસભા અઘ્યક્ષને મારું રાજીનામું મોકલી દીધું હતું, પરંતુ અયોઘ્યાથી લખનૌ જતાં ૧૩૫ કિ.મી.ના રસ્તામાં ઠેર-ઠેર ઉજવણીનો માહોલ હતો. અયોઘ્યાથી અડધા કલાકના અંતરે એક સ્થળે પોલીસે અમારી ગાડી રોકી. મને અને મહાજનને જૉઈને એક પોલીસ અધિકારી અમારી પાસે આવીને બોલ્યો, ‘અડવાણીજી કુછ બચા તો નહીં ને? બિલકુલ સાફ કર દિયાના?’ અડવાણીએ પુસ્તકમાં નોંઘ્યું છે કે, બાબરી ઘ્વંસ પછી ઠેર-ઠેર ઉન્માદ અને વિજયોત્સવનો માહોલ હતો.
અડવાણીના આ પુસ્તકમાં મનમોહનને સૌથી નબળા અને નિષ્ફળ વડાપ્રધાન લેખાવવામાં આવ્યા છે. પરંતુ સાથોસાથ તેઓને સૌથી સફળ નાણામંત્રી પણ કહેવાયા છે. ૧૯૯૧ બાદ નરસિંહરાવના નેતૃત્વમાં ઉદારીકરણનો માહોલ શરૂ થયો ત્યારે વૈશ્વિકીકરણની નીતિની આકરી ઝાટકણી કાઢતાં ચંદ્રશેખરે લોકસભામાં મનમોહનને વિશ્વબેન્કના દલાલ કહ્યા હતા. અડવાણીએ વિપક્ષી નેતા તરીકે તાત્કાલિક આ મુદ્દે મનમોહનનો બચાવ કર્યો હતો. અડવાણી લખે છે કે, મારી પાર્ટીમાં આ બચાવ અંગે ગણગણાટ થયો હતો, પરંતુ મેં કહ્યું હતું કે, વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ મનમોહનને દલાલ ન કહી શકાય. પુસ્તકમાં સોનિયા ગાંધી અંગે સૌજન્યપૂર્વક વલણ દાખવતા અડવાણી કહે છે કે તેમના વિદેશી કુળ કે મૂળ સામે મારે વાંધો નથી. સોનિયાએ ૧૯૬૮માં લગ્ન કરીને ભારત આવ્યાં બાદ પંદર વર્ષ સુધી ભારતીય નાગરિકત્વ માટે અરજી ન કરી. કોઈ પણ વિદેશીને ભારતમાં રહેવા માટે મહત્તમ પાંચ વર્ષની પરવાનગી મળે છે. સોનિયાએ ૧૯૭૩ અને ૧૯૭૮માં અરજી કરી પાંચ-પાંચ વર્ષનું એકસટેન્શન મેળવ્યું. ૧૯૮૩માં રાજીવ વડાપ્રધાન બનશે એ નિશ્ચિત થયું ત્યાર બાદ જ નાગરિકત્વ મેળવ્યું. ૧૯૮૦માં ભારતીય નાગરિક ન હોવા છતાં સોનિયાએ ચૂંટણીમાં મતદાન શી રીતે કર્યું એવો સવાલ ઉઠાવતા અડવાણીએ બોફોર્સ કાંડ, કવાટ્રોચી સાથે સોનિયાના સંબંધોની વિગતે ચર્ચા કરતાં અંતે કહ્યું છે કે, સોનિયા આ દેશમાં વડાપ્રધાન ન થઈ શકે, કારણ કે તેઓ ભારતમાં જન્મ્યાં નથી. અમેરિકા અને ઈટાલીમાં પણ આજ કાયદો છે. હેનરી કિસિન્જર, મેડેલિન અલબ્રાઈટ જેવા અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ પાવરફુલ હોવા છતાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહોતા લડી શકયા. આ દેશમાં એની બિસેન્ટ અને સિસ્ટર નિવેદિતાને વિદેશી મૂળના હોવા છતાં લોકોએ સ્વીકાયાર્ં છે. સોનિયા પણ સ્વીકૃત છે. (પરંતુ વડાપ્રધાનપદે નહીં) એમ કહી અડવાણી ઉમેરે છે કે સોનિયાનાં સાસુ ઈન્દિરાજી અને પતિ રાજીવ ગાંધીની અકાળે વિદાયથી મને દુ:ખ અને સહાનુભૂતિ જરૂર છે. તેમની સામે હીણપતભર્યા આક્ષેપો કે મલીન પ્રચારયુદ્ધનો હું વિરોધી છું.
અડવાણીએ પુસ્તકના માઘ્યમ દ્વારા પોતાના વિશે અપપ્રચારને રદિયો આપી વાસ્તવિકતાનું વર્ણન કરવાની કોશિશ જરૂર કરી છે, પરંતુ કેટલાક વિવાદાસ્પદ મુદ્દે તેમણે મૌન રહેવાનું મુનાસિબ માન્યું છે. પોખરણમાં પરમાણુ પરીક્ષણ થવાનું છે એ વાત વાજપેયીના પ્રિન્સિપાલ સેક્રેટરી અને નેશનલ સિકયુરિટી એડવાઈઝર બ્રિજેશ મિશ્રાએ જયોર્જ ફર્નાન્ડિઝને સંરક્ષણ મંંત્રી તરીકે કરી હતી. પરંતુ અડવાણીને ઈરાદાપૂર્વક અજાણ રખાયા હતા અને છેલ્લી ઘડીએ કેબિનેટમાં સૌની હાજરીમાં આ વાત કરાતા અડવાણી રોષે ભરાયા હતા. અડવાણી આ મુદ્દે પુસ્તકમાં મૌન છે પરંતુ બ્રિજેશ મિશ્રા અંગે પોતાની નારાજગીની બાબત સ્પષ્ટ કરતાં કહે છે કે, એક વ્યકિત વડાપ્રધાન કાર્યાલયમાં બે હોદ્દા ભોગવે એ બાબત સામે જ મારો વિરોધ હતો, વ્યકિતગત નહીં. અડવાણીએ કંદહારકાંડ અંગે વડાપ્રધાન વાજપેયી અને વિદેશમંત્રી જશવંતસિંહ સાથેના વૈચારિક મતભેદોનો સ્વીકાર કર્યો છે. અડવાણી કહે છે કે, ત્રાસવાદીઓને લઈને જશવંતસિંહ કંદહાર ગયા એ બાબતથી હું અજાણ હતો. છતાં વધુ ચર્ચા ટાળતા અડવાણી કહે છે કે, પ્રધાનમંડળમાં હોવાના નાતે સામૂહિક જવાબદારીમાંથી હું છટકી શકું નહીં.
જશવંતસિંહે પોતાના પુસ્તકમાં લખેલાં તથ્યો અને અડવાણીની વાતોમાં વિરોધાભાસ ડીને આંખે વળગે છે. પરંતુ લાલજી એ બાબતે ચર્ચા માટે તૈયાર નથી. વાજપેયી સાથેના પચાસ વર્ષના રાજકીય સંબંધોમાં ભરતી અને ઓટ ચાલતી રહી છે. છતાં વાજપેયીને પોતે હંમેશાં સિનિયર માનતા હતા, અડવાણી ઉમેરે છે કે, ‘હર પરિવાર મેં મુખ્િાયા હોના ચાહિયે. વાજપેયી હમારે ‘મુખિયા’ હૈં.’ વાજપેયી સાથે રામ મંદિર નિર્માણના મુદ્દે વિવાદ થયો હોવાનો એકરાર કરતા અડવાણી કહે છે કે, વિશ્વ હિન્દુ પરિષદ સાથે ભાજપ આ ઝુંબેશમાં જૉડાયું એ વાજપેયીને ગમ્યું નહોતું, પરંતુ સામૂહિક નિવેદન સામે તેમણે નમતું જૉખ્યું હતું. તદાનુસાર ગુજરાતમાં રમખાણો પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે એમ વાજપેયી ઈરછતા હતા, પરંતુ રાષ્ટ્રીય કારોબારીમાં મોદી તરફી માહોલ જૉતાં વાજપેયીએ દુરાગ્રહ નહોતો સેવ્યો. ગુજરાતનાં રમખાણો દરમિયાન પોતે મુસ્લિમોને બચાવતા હોવાનું ગૌરવ લેતા અડવાણી કહે છે કે, રાજયસભાના ઉપાઘ્યક્ષ નઝમા હૈપતુલ્લાનો રમખાણો દરમિયાન ફોન આવ્યો. તેમના પતિ અકબરે મને અમદાવાદના મુસ્લિમ બોહરા વેપારીઓને બચાવવા વિનંતી કરતા મેં તરત મોદીને તાકીદ કરી હતી. સોમનાથ ચેટર્જીએ ફોન કરીને કહ્યું કે, ભાવનગરના સામ્યવાદી કોમરેડ્સ કહે છે કે ત્યાં એક મદરેસાને સળગાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. અડવાણીએ દરમિયાનગીરી કરી અને જાનહાનિ અટકી ગઈ. અડવાણીએ પરોક્ષ રીતે પોતાની ધર્મ નિરપેક્ષતા પુરવાર કરતાં કહ્યું છે કે મોહમ્મદ અલી જિન્હા અંગેનાં નિવેદનનો મને રંજ નથી. સંઘ પરિવારની નારાજગી અંગે ઝાઝી ટીકાટીપ્પણીમાં અડવાણી પડયા નથી. છતાં પુસ્તકમાં કેટલાક પ્રસંગો સંઘની દાદાગીરી છતી કરે છે. જશવંતસિંહને વાજપેયી પ્રથમ કેબિનેટમાં નાણાંમંત્રી બનાવવા ઈરછતા હતા. છતાં સંઘ પરિવારે અને સુદર્શનજીએ ઈન્કાર કરતાં વાજપેયીને છેલ્લી ઘડીએ જશવંતને પડતાં મૂકયા એ વિવાદ અંગે અડવાણી મૌન છે. પરંતુ વાજપેયીને વડાપ્રધાનને બદલે રાષ્ટ્રપતિ બનવા સંઘ પરિવારે (રજજુ ભૈયાએ) સમજાવ્યા હોવાનું સ્વીકારે છે. ૧૯૯૫માં અડવાણીએ મુંબઈની કારોબારીમાં વાજપેયીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કર્યા ત્યારે સંઘ પરિવારમાં નારાજગી થઈ હોવાનું કબૂલે છે. ૧૯૯૧માં વાજપેયીના સ્થાને અડવાણીને વિપક્ષી નેતા સંઘના ઈશારે બનાવાયા હતા. અને ૨૦૦૫માં જિન્હાકાંડ પછી અડવાણીને ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની સૂચના અપાઈ હોવાનો એકરાર અડવાણીએ કર્યો છે. પરંતુ સૂચના કોણે આપી એ મુદ્દે અડવાણી પુન: ચુપ્પી સાધે છે. સત્યનો વિકલ્પ મૌન નથી. છતાં મૌનની પણ આગવી ભાષા જરૂર છે. સત્ય, અર્ધસત્ય અને પલાયનવાદ છતાં ૫૯૫ રૂપિયાનું આ પુસ્તક (પોસાય તો) વાંચવાલાયક અને રસપ્રદ જરૂર છે.
પોઇન્ટ ઓફ વ્યૂ :
હું ખરેખર સંગઠનનો માણસ હતો, પરંતુ રથયાત્રાને કારણે નાહક મારી ઇમેજ કટ્ટરવાદી તરીકેની થઇ ગઇ. - લાલકૃષ્ણ અડવાણી
હું ખરેખર સંગઠનનો માણસ હતો, પરંતુ રથયાત્રાને કારણે નાહક મારી ઇમેજ કટ્ટરવાદી તરીકેની થઇ ગઇ. - લાલકૃષ્ણ અડવાણી
લેખક : અજય ઉમટ
No comments:
Post a Comment