Saturday, March 29, 2008

રાજયના મહાનગરોમાં હવે મીટરથી પાણી : બીલ આવશે

પાણી પણ હવે પાણીના મૂલે નહીં મળે , અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં પાણીનાં મીટર નખાશે
રાજયની તમામ મહાનગરપાલિકામાં પાણી મીટરથી આપવા માટેની યોજના રાજય સરકારની વિચારણામાં છે. આ અંગે પાણી પુરવઠા વિભાગે સર્વે કરી યોજના સરકારમાં મોકલી આપી છે. પુરવઠા વિભાગે આ પૂર્વે રાજયનાં કેટલાંક ગામડાઓમાં પ્રાયોગિક ધોરણે મીટર નાખતાં તેનાં પરિણામો સારાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતા મહાનગરપાલિકાએ કોલકાતામાં એક લાખ ઘરમાં પાણીનાં મીટર લગાવવાનો નિણર્ય કર્યોછે. અગાઉ તેમણે પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરી હવે સમગ્ર શહેરમાં તબક્કાવાર તેનો અમલ કરવાનો નિણર્ય કર્યોછે. કોલકાતામાં ૧ હજાર લિટર પાણી મફત આપવાની યોજના છે. ત્યાર બાદ દર હજાર લિટરે રૂ. ૧૦થી ૧૨ નક્કી કરાયા છે.

પાણી પુરવઠા વિભાગે રાજયમાં પાણી વિતરણ વ્યવસ્થા પાછળ થતો ખર્ચ પૂરેપૂરો વસૂલ કરી શકાય તે માટે મીટર લગાવવાં જરૂરી છે અને આ માટે પાણી પુરવઠા વિભાગે પ્રાયોગિક ધોરણે રાજયનાં કેટલાંક ગામડાંમાં મીટર લગાવ્યાં છે, જેનાં પરિણામ સારાં આવ્યાં હોવાથી મહાનગરોમાં આ યોજનાના અમલ માટેની દરખાસ્ત મોકલી છે.

વિશ્વના ઘણા દેશોમાં પાણીનાં મીટર લગાવવામાં આવ્યાં છે. ભારતમાં બેંગ્લોર તથા જમશેદપુરમાં ડેમથી પાણી છેક સુધી પહોંચીને વપરાય તે માટે સરળ ટેક્નિક ઊભી કરી છે. રાજયનાં લગભગ ૧૦ હજાર ગામોમાં પીવાનાં પાણીની વિતરણવ્યવસ્થા માટે રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ કરાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પીવાનું પાણી મીટરથી આપવા સરકારે ગંભીર વિચારણા હાથ ધરી છે.

પ્રોજેકટ રિપોર્ટમાં મીટર કઈ રીતે લગાવવું તેની માહિતી પણ આપી છે. પંપિંગ સ્ટેશનથી જતી પાઇપલાઇન પર વોટર મીટર લગાવાશે અને ત્યાર બાદ ઘરે-ઘરે પાણીનાં જોડાણ આગળ મીટર લગાવવાની યોજના છે.

આ અંગે ભૂતકાળમાં અમદાવાદના તાત્કાલીન મ્યુનિ. કમિશનર આર.કે. ત્રિપાઠીએ કોમર્શિયલ એકમોમાં મીટરથી પાણી આપવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની બદલી થઈ જતાં પ્રો-રેટા આધારિત પાણી આપવાની યોજના હાલ અમલી છે.સરકાર દ્વારા જે વિચારણા ચાલે છે એમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ તમામ એકમોમાં મીટરથી જ પાણી આપવાની યોજના છે. જેનાથી પાણીનો બગાડ અટકશે અને લોકો પાસેથી તેનું વળતર પણ વસૂલાશે.

મીટરથી પાણી આપવાની યોજનામાં પ્રોપર્ટી ટેકસનાં બિલમાંથી પાણીની રકમ અલગ કરી મીટરનું બિલ આપવામાં આવશે અને તેમાં નિયત કરેલ પાણીના કવોટાની ઉરચક રકમ લેવાશે અને ત્યાર બાદ મીટરના રીડિંગ મુજબ બિલ આપવામાં આવશે.

વોટર મીટરથી મ્યુનિ.ની આવક વધશે. સાથોસાથ પાણીની વિતરણવ્યવસ્થા પણ મજબૂત બનશે એવો દાવો સરકારનો છે. આ ઉપરાંત હાલ રાજયની સાત મહાનગરપાલિકામાં સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવે છે. સરકાર હવે ટૂંક સમયમાં નર્મદાનાં પાણીના દર પણ નક્કી કરવાની હોઈ મહાનગરપાલિકા ઉપર બોજો પડવાનો છે અને આ બોજો દૂર કરવા મ્યુનિ. પાસે ટેકસની રકમમાં વધારો કરવાને બદલે જે જેટલું પાણી વાપરે તેટલું બિલ ભરે એ દિશામાં આગળ વધવા વિચારણા ચાલી રહી છે.
વોટર મીટર કેવાં હશે?

સામાન્ય રીતે મીટરમાં ક્ષાર કે કચરો જવાથી મીટર બંધ થઈ જાય છે એવી દલીલ હાલના મ્યુનિ. અધિકારીઓ કરી રહ્યા છે. નવા મીટરમાં કચરો પ્રવેશતાં અટકી જશે અને સ્ટેનરની બોડી કે કાસ્ટ આયર્નનાં મીટર હોવાથી તે બગડશે નહીં. ઉપરાંત ન્યૂનતમ ૧૦ ઘનમીટર પાણી વહન કરવાની ક્ષમતા તેમાં હશે.

મીટરની અંદરની બોડી પ્લાસ્ટિકની હશે. પાણી પુરવઠા વિભાગે વોટર મીટરનો લાંબા સમયથી ઉપયોગ કર્યા બાદ કેટલાક ધારધોરણ નક્કી કરી વોટર મીટર નક્કી કર્યાં છે અને એકવાર મીટર લાગ્યા બાદ બે વર્ષ સુધી તેના નિભાવની જવાબદારી ઇજારદાર પાસે રહેશે. એટલું જ નહીં આ સમય દરમિયાન મીટર બગડી જાય તો વિનામૂલ્યે બદલવાની જોગવાઈ પ્રોજેકટમાં કરાઈ છે.

No comments: