Wednesday, March 26, 2008

જગતના છાપરા પર આફતના ઓળા

જગતના છાપરે ઘમસાણ મરયું છે. ૪૯૦૦ મીટરની ઉંચાઇએ વસેલો આ દેશ બૌદ્ધ ધર્મનો ચુસ્ત અનુયાયી છે. વિશ્વ જયારે સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાની વાતો કરી રહ્યું છે ત્યારે તિબેટ સ્વતંત્રતા માટે નહીં, સ્વાયત્તતા માટે ભીખ માગી રહ્યું છે. જગતમાં પોતાની જાતને સુપરપાવર સાબિત કરવા ઉતાવળું થયેલું ચીન ઓલિમ્પિકની ભવ્ય ઉજવણી માટેની તડામાર તૈયારી કરી રહ્યું છે ત્યારે જ તિબટના લોકોએ લાગ જૉઇને નાક દબાવ્યું છે. અન્ય કોઇ આડા દિવસોમાં તિબેટે આવો વિરોધ કર્યોહોત તો ચીન લ્હાસામાં કાળો કેર વર્તાવી દીધો હોત. આ તો ઓલિમ્પિકના રંગમાં ભંગ ન પડે તે માટે ચીન જરા હળવા હાથે કામ લઇ રહ્યું છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વાઇસ પ્રેસિડન્ટ થોમસ બાચે તો મમરો મૂકી જ દીધો છે કે ચીનના દમનના વિરોધમાં કેટલાક રમતવીરો બહિષ્કાર કરવાની વિચારણા કરી રહ્યા છે.
આપણે ભારતીયોને તિબેટ પ્રત્યે હિસ્ટોરિકલ અને નૈતિક દયાભાવના છે. આપણું દુશ્મન ચીને એક શાંત નાનકડા દેશને પચાવી પાડે એનો આપણે વિરોધ કરીએ છીએ અને એટલે જ, ભારતે દલાઇ લામાને હિમાચલ પ્રદેશમાં ધર્મશાલા ખાતે આશરો આપ્યો છે. આપણે જેને એક અલગ દેશ તરીકે માનીએ છીએ તે તિબેટનું સ્ટેટસ શું છે? તેનો ઇતિહાસ શું છે અને, ચીનના તાબામાં તે કેમ આવ્યું અને, ભારતે કેમ કશું કર્યું નહીં તેની રસપ્રદ કહાની છે.
તિબેટની સંસ્કòતિ વિશ્વની સૌથી પુરાતન સંસ્કòતિઓમાંની એક છે. ‘ધ સ્ટોરી ઓફ તિબેટ: કન્વર્સેશન વિથ દલાઇ લામા’માં લેખક થોમસ લેઇર્ડે લખ્યું છે કે ‘ભારતીય પુરાતત્ત્વશાસ્ત્રી વી.એન.મિશ્રાના મત પ્રમાણે લગભગ વીસ હજાર વર્ષ પહેલાં માનવીઓ તિબેટમાં વસ્યા હતા. પાંચ લાખ વર્ષ પહેલાં ભારતમાં વસવાટ ચાલુ થયો તે સમયે લોકો તિબેટ સુધી પહોંચી ગયા હોવાનું પણ માની શકાય.’ વિશ્વ ઇતિહાસમાં તિબેટનો ઉલ્લેખ સૌપ્રથમ વખત ચીની ઐતિહાસિક પુસ્તકોમાં થયેલો જૉવા મળે છે. ૭મી સદીમાં તિબેટના રાજા નામરી લોન્તસેને પોતાનો દૂત ચીનના શહેનશાહના દરબારમાં મોકલ્યો તેની નોંધ મળે છે. તિબેટનો પુરાતન ઇતિહાસ તેની દંતકથાઓમાં સમવાયેલો છે અને, તેમાં ભારત સાથેની ગર્ભનાળ જૉડાયેલી દેખાઇ આવે છે. તેની એક તરફ ચીન બીજી તરફ ભારત છે, પરંતુ ૧૬,૦૦૦ ફૂટ કરતાં પણ વધુ ચાઇએ વસેલું હોવાના કારણે અને હિમાલયના કુદરતી કિલ્લાથી રક્ષાયેલું હોવાના કારણે તિબેટ આ બંને દેશથી દૂર રહ્યું છે. તિબેટના ઇતિહાસમાં શાસકોની યાદી અત્યંત લાંબી છે. તિબેટિયન રાજા રાલ્પચાનના સમયમાં તિબેટનો વિસ્તાર દક્ષિણમાં છેક બંગાળ સુધી અને ઉત્તરમાં છેક મોંગોલિયા સુધી વિસ્તર્યોહતો. આમ પણ તિબેટિયનો સિનો-બર્મિઝ શાખાના છે અને તેમની ભાષા પણ આ કુળની જ છે. તેમનો નાકનકશો પણ મોંગોલિયન પ્રકારનો, ચીની-નેપાળીઓને મળતો આવે છે. ૬૩૪માં તિબેટનું સામ્રાજય એટલું પાવરફુલ બની ગયું હતું કે તિબેટિયન સમ્રાટ સોંગત્સાન ગેમ્પોએ એક દૂતને ચીન મોકલીને ચીનની કુંવરીનો હાથ માગ્યો હતો, અને ના પાડતાં તેણે ચીન સાથે લડાઇ શરૂ કરી અને, ૬૩૫ની સાલમાં ચીનના સમ્રાટ તેને કુંવરી આપવા તૈયાર થઇ ગયા. તિબેટની બાજુના દેશ ઝાંગ ઝૂંગના રાજાને પરણાવવા માટે ગેમ્પોએ પોતાની બહેનને મોકલી હતી પણ રાજાએ તેનો ઇનકાર કર્યોઅને ગેમ્પોએ તે રાજય ઉપર આક્રમણ કરીને તેને જીતી લીધું. ઝાંગ ઝૂંગ અત્યારે પિશ્ચમ તિબેટ તરીકે ઓળખાય છે. સદીઓ સુધી તિબેટનું સામ્રાજય એક મજબૂત રાજય રહ્યું હતું. જેણે ચીનને વારંવાર પરાસ્ત કર્યું હતું. ૮૧૫થી ૮૩૮ સુધી તિબેટ ઉપર રાજ કરનાર સમ્રાટ રાલ્પમાન તિબેટના ઇતિહાસમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તિબેટના ત્રણ ધર્મરાજાઓમાં તેનું સ્થાન છે. તિબેટને આ રાજાઓએ બૌદ્ધ બનાવ્યું હતું. બૌદ્ધ ધર્મના ગ્રંથોનો તિબેટી ભાષામાં અનુવાદ તેણે કરાવ્યો હતો અને ‘મહાવ્યુત્પતિ’ નામનો સંસ્કòત-તિબેટી શબ્દકોશ બનાવડાવ્યો હતો. તેના પછીના રાજા લાંગદમાં તિબેટમાં અરાજક સ્થિતિ ફેલાવા માંડી અને તેના મૃત્યુ પછી કોને ઉત્તરાધિકારી બનાવવો તે મામલે થયેલા સંઘર્ષમાં તિબેટના ભાગલા પડયા.
૧૨૪૬ની સાલ તિબેટના ઇતિહાસમાં અમર છે. આ એ વર્ષ છે જયારે મોંગોલોએ તિબેટ પરનાં આક્રમણો તેજ કયાô અને તિબેટમાં વસતા બંગાળી શાકય પંથના વડા શાકય પંડિતને મોંગોલ સૂબા પોતાના દરબારમાં બોલાવ્યા. ચંગીઝખાન ત્યારે ચીન જીતી ચૂકયો હતો અને હિમાલય તરફના સોંગ ચીનનો કબજૉ લેવા માટે તિબેટ તરફથી આક્રમણ કરવાનું વિચારી રહ્યો હતો શાકય પંડિત મોંગોલ સૂબાના દરબારમાં આવ્યા અને તિબેટે પણ શરણાગતિ સ્વીકારી લીધી. ચંગીઝખાનના ચીની સામ્રાજયમાં તિબેટ ભળી ગયું. અહીંથી શરૂ થાય છે ચીનના આજના વલણનું કારણ. ચીની ઇતિહાસકારો કહે છે કે ત્યારે તિબેટ ચીનમાં ભળી ગયું હતું. તિબેટિયન ઇતિહાસકારો કહે છે કે ચીન અને તિબેટ એ ચંગીઝખાનના સામ્રાજયના બે અલગ અલગ ભાગ હતા, તિબેટ ચીનમાં નહીં, મોંગોલ સામ્રાજયમાં ભળ્યું હતું. કુલ્લાઇખાને મોંગોલને ચીની છોકરીઓ સાથે પરણવા પર પ્રતિબંધ મૂકયો હતો. ચીન અને તિબેટના વહીવટી અને કાનૂની માળખાને તેણે યથાવત્ રાખ્યાં હતાં. તિબેટે કયારેય ચીની શિક્ષણ માળખું સ્વીકાર્યું નહોતું અને ચીનની નિયો કન્ફયુસિયસ જાતિને પણ સ્વીકારી નહોતી. અલ્તાનખાને તિબેટિયન બૌદ્ધ પંથના વડા સોનમ ગ્યાત્સોને ૧૫૬૯માં મોંગોલિયા આવવા આમંત્રણ આપ્યું. ગ્યાત્સોએ પોતાના એક શિષ્યને મોકલી આપ્યો. શિષ્યએ પરત આવીને મોંગોલિયામાં બૌદ્ધ ધર્મ ફેલાવવાની તક અંગે ગ્યાત્સોને માહિતી આપી. ૧૫૭૩માં ફરીથી અલ્તાનખાને કેટલાક બૌદ્ધ સાધુઓને જેલમાં પૂર્યા અને ૧૫૭૮માં ફરીથી ગ્યાત્સોને આમંત્રણ આપ્યું અને ગ્યાત્સો મોંગોલિયા ગયા. આ ગ્યાત્સો એટલે તે વખતના દલાઇ લામા. સોનમ ગ્યાત્સોએ કહ્યું કે હું કુલ્લાઇખાનનું ધર્મ પરિવર્તન કરાવનાર શાકય સાધુ ડ્રોગોન કુગપાનો અવતાર છું અને અલ્તાનખાન કુલ્લાઇખાનનો અવતાર છે, અમે બંને બૌદ્ધ ધર્મના વિસ્તરણ માટે આ ધરતી પર આવ્યા છીએ. આ પછી બૌદ્ધ ધર્મનો પ્રભાવ મોંગોલ સામ્રાજય પર એટલો વઘ્યો કે ચોથો દલાઇ લામા યોન્તેન ગ્યાત્સો અલ્તાનખાનના પૌત્ર હતા. અલ્તાનખાન સોનમ ગ્યાત્સોને દલાઇ લામા કહેતા હતા, પછીથી આ શબ્દો ટાઇટલ બની ગયા. તે પછી દલાઇ લામા તિબેટના ધર્મગુરુ અને રાજકીય વડા પણ બન્યા. છઠ્ઠા દલાઇ લામા વ્યભિચારી નીકળ્યા. તે દારૂ પીતા, સુંદરીઓના શોખીન હતા અને પ્રેમ કવિતાઓ લખવામાં સમય પસાર કરતા હતા. તે વખતે ચીને લ્હાઝખાંગ ખાન નામના મોંગોલ સૂબાને એક નવા દલાઇ લામા સાથે તિબેટ મોકલ્યો. જેણે તિબેટ જીતી લીધું પણ, તિબેટના લોકોએ નવા લામાને ન સ્વીકાર્યા. અત્યારે પણ ચીને કરમાપા લામાને ધરાર દલાઇ લામા બનાવવાના પેંતરા ચાલુ જ રાખ્યા છે. ભારત પર બ્રિટને કબજૉ જમાવ્યા પછી તિબેટ પર પણ તેનો ડોળો મંડાયો હતો. ૧૮૮૬, ૧૮૯૦ અને ૧૮૯૩માં બ્રિટને ચીન સાથે તિબેટ અંગે સંધિઓ કરી પણ તિબેટ સરકારે તે સ્વીકારી નહીં. બ્રિટન શરૂઆતથી જ તિબેટને ચીનનો એક ભાગ ગણતું આવ્યું હતું.
૧૯૦૪માં બ્રિટિશ લેફટેનન્ટ કર્નલ યંગહસબંડના નેતૃત્વ હેઠળ ગયેલી ફોજે તિબેટ જીતી લીધું. ચીને તિબેટ ઉપર આધિપત્યનો દાવો કર્યોઅને શરૂ થયો તિબેટ વિવાદ. દલાઇ લામા મોંગોલિયા ભાગી ગયા. લામાના ભવ્ય કોટલા પેલેસમાં ત્રિ રિમ્પોએ અને યંગહસબંડ વરચે કરાર થયા અને વચગાળાની સરકાર સ્થાપવાની સમજૂતી થઇ. કરાર મુજબ લ્હાસાએ ભારતીય અને બ્રિટિશ વેપારીઓ પાસેથી જકાત લેવી નહીં અને તિબેટે બ્રિટનની મંજૂરી વગર કોઇ વિદેશી સત્તા સાથે વહેવાર કરવો નહીં. ૧૯૧૦માં ચીને ફરી મોટાપાયે આક્રમણ કર્યું અને દલાઇ લામાને તેના મહેલમાં નજરકેદ કર્યા. દલાઇ લામા ફરી વખત દેશ છોડીને ભાગ્યા. આ વખતે તેઓ ભારત આવ્યા.
સિમલા કરાર નામ ભારતના ઇતિહાસ માટે ઘણું મહત્ત્વનું છે. પ્રથમ સિમલા કરાર ૧૯૧૪માં બ્રિટન, તિબેટ અને ચીન વરચે થયો હતો. મેકમોહન લાઇનથી પ્રખ્યાત બ્રિટિશ ચીફ નેગેશિયટેર હેન્રી મેકમોહને તિબેટ અને ભારતને અલગ પાડતી એક રેખા લાલ પેનથી નકશા ઉપર તે સમયે દોરી તે આજ દિવસ સુધી વિવાદમાં રહી છે. ચીન કહે છે કે આ લાઇન દોરતી વખતે મેકમોહને ભારતને ઘણો ચીની પ્રદેશ આપી દીધો છે. ચીન સતત તિબેટ પર પોતાનો દાવો કરતું રહ્યું હતું. ૧૯૪૭થી ૪૯ દરમિયાન તિબેટે બ્રિટન, ભારત, અમેરિકા, હોંગકોંગ વગેરે દેશોમાં પોતાનાં વ્યાપારી મિશન મોકલ્યાં પણ કોઇ દેશે તિબેટને અલગ દેશ તરીકે માન્યતા ન આપી અને ચીન નારાજ થવાના ડરે મિશન સાથે રાજકીય વાટાઘાટો પણ ન કરી. ૧૯૪૯માં માઓ ઝેદોંગ સત્તા ઉપર આવ્યા કે તરત જ તિબેટને ચીનનો અવિભાજય ભાગ જાહેર કર્યું અને ૧૯૫૦માં ચીની સૈન્ય કીડિયારાંની જેમ તિબેટ ઉપર ચડી આવ્યું. ૧૯૫૯માં ચીને લ્હાસાનો સંપૂર્ણ કબજૉ લઇ લીધો અને આજના દલાઇ લામા તેન્ઝીન ગ્યાત્સો ભાગીને ભારત આવતા રહ્યા. ૧૯૪૯માં જયારે ચીને તિબેટનો કબજૉ લીધો ત્યારે ભારત હજી આઝાદ જ થયું હતું અને ચીની ડ્રેગનને તિબેટને ગળી જતો જૉઇ રહેવા સિવાય તેની પાસે કોઇ ઉપાય નહોતો. દલાઇ લામા શબ્દમાં દલાઇનો અર્થ મોંગોલ ભાષા પ્રમાણે સમુદ્ર થાય છે, લામાનો અર્થ થાય છે ગુરુ. ૧૪મા દલાઇ લામા અત્યારે ધર્મશાલામાંથી તિબેટની ગવર્નમેન્ટ ઇન એકઝાઇલ ચલાવે છે. તેઓ તિબેટની સ્વતંત્રતા નહીં, સ્વાયત્તતા માગી રહ્યા છે અને ચીન દુર્યોધનની માફક સોયની અણી જેટલી છૂટ પણ આપવા માગતું નથી. જે રીતે વિશ્વમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે તે જૉતા તિબેટને ભવિષ્યમાં સ્વાયત્તતા મળે એવાં એંધાણ પણ જણાતાં નથી.
લેખક: કાના બાંટવા

No comments: