Saturday, March 15, 2008

કૃત્રિમ જીવ: વિજ્ઞાનીઓના જીવમાં જીવ આવ્યો?

આદિ શંકરાચાર્યના શ્લોક ‘પુનરપિ જનનમ્,પુનરપિ મરણમ્,પુનરપિ જનનિ જઠરે શયનમ્...’ને હવે કંઈક અલગ જ અંદાજમાં ગાવો પડે,અલબત્ત,‘પુનરપિ લેબ.કી પ્લેટમેં શયનમ્..’ કહેવું પડે એવી ક્રાંતિની છડી ઓલરેડી પોકારાઈ ચૂકી છે.‘સેરોગેટ મધર’નો ખ્યાલ જૂનો થયા પછી તરત જ બીજો ચમત્કાર થયેલો. એને ચમત્કાર એટલે કહેવો પડે,કેમકે આદમીના સર્જન માટે આદમ અને ઈવ એમાં જરૂરી નહોતા.‘ઈવ’ ખુદ જીવની ‘નીંવ’ બની શકે છે,તેવી જાહેરાત વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કરી ચૂકયા હતા.આદમે તો માત્ર દૂર બેસીને આ બધો ખેલ જોઈ લેવાનો. પણ વૈજ્ઞાનિકોના આ ‘જાદુ મંતર’થી મંત્રમુગ્ધ બની જનારાઓ મૂર્છિત થઈને ઢળી પડે એવા દિવસો તો હવે આવવાના છે....!
શું છે એ દિવસોમાં?‘જાદુ મંતર’ની પરાકાષ્ઠા?યસ,પણ એ પહેલાં વિજ્ઞાનને ધર્મના બિલોરી કાચથી જોવું પડે.સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માજીએ સંકલ્પને આધારે સૃષ્ટિનું નિર્માણ કર્યું.આશીર્વાદની મુદ્રામાં એ હાથ ચો કરે,એટલે પાત્ર પ્રગટ થાય...જાદુ...!શિવજીએ ગણપતિને ગજરાજનું મસ્તક ટ્રાન્સપ્લાન્ટ કર્યું,એ પૂર્વેની કથા જાણો છો?શિવપુરાણમાં એક કથા છે.પાર્વતીજીને સ્નાન કરવાની ઈરછા થઈ.પણ બહાર ઘ્યાન રાખવાવાળું કોઈ નહીં.એટલે એમણે પોતાના કાનના મેલમાંથી માનવ આકòતિ બનાવી.એમાં મંત્રની ફૂંક મારી એ સાથે જ ગણેશજી પ્રગટયાં...દાદુ...!અઢી યુગનાં વહાણાં વાઈ ગયાં પછી માનવી આ ‘કળા’ હસ્તગત કરી લેવાની અણીએ છે,એને ચમત્કાર જ કહેવો કે બીજું કંઈ? સ્થળ:કેલિફોર્નિયાનું સાનડિયેગો.ક્રેગ વેન્ટર નામનો એક સંશોધક પોતાની પ્રયોગશાળામાં કંઈક ડા વિચારમાં ગરકાવ હતો.માનવીના શરીરનાં કòત્રિમ અંગ-ઉપાંગો બનાવવાની હોડ તો કયારની લાગી ચૂકી હતી.બજારમાં હાથ-પગ કે ઈવન કાન પણ મળે,એ બધી બાબતો ચકાસણીના તબક્કામાંથી પસાર થઈ ચૂકી હતી. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે આ શરીરને કાર્યાન્વિત રાખતો જીવ આવે છે કયાંથી અને કયાં જાય છે? એ સમજવું વૈજ્ઞાનિકોના ગજા બહારનું હતું.જો આ જીવ પણ અંગ-ઉપાંગોની જેમ જ બનાવી શકાય તો? એકાએક તેને કંઈક સૂઝ્યું અને એ ભો થયો.પ્લેટ લઈને શાક સમારવા બેસે એમ એણે ૩૮૧ જીન્સ અને ૫.૮૦ લાખ જિનેટિક કોડ ધરાવતી બેઝ જોડી દ્વારા પ્લેટમાં જ એક રંગસૂત્ર તૈયાર કર્યું.જગતનું આ સૌપ્રથમ કòત્રિમ રંગસૂત્ર હતું.એક ખાસ પ્રકારના બેકટેરિયાના ક્રોમોઝોમની એ બેઠ્ઠી નકલ હતી.એટલે એમાંથી અસલી કયું અને કયું નકલી,એ પારખવું બેહદ અઘરું હતું.વેન્ટરના મોં પર સ્મિત ફરી વળ્યું.હવે એ જે કંઈ કરવાનો હતો,એ જનિનશાસ્ત્ર જ નહીં,દુનિયાભરનાં તમામ શાસ્ત્રોમાં તવારિખી ઘટના તરીકે અંકિત થઈ જવાની હતી.વેન્ટરે શું કર્યું?બેકટેરિયામાં રહેલા અસલી ક્રોમોઝોમને હળવેકથી કાઢી લઈ તેની જગ્યાએ તેણે બનાવેલા નકલી રંગસૂત્રોને ગોઠવી દીધાં..!બેકટેરિયા તો અતિ સૂક્ષ્મ હોય.એમની જિંદગીને કંટ્રોલ કરવાવાળું જો કોઈ હોય તો તે આ રંગસૂત્રો જ ગણાય.એટલે પરમ્યુટેશન-કોમ્બિનેશનના દાખલા ગણતો હોય એમ વેન્ટર પણ આ કામમાં લાગી ગયો.એણે એક બેકટેરિયાના જીનોમ ટાઈપને બીજી જાતિના બેકટેરિયામાં સંક્રમિત કરી દીધાં. આશ્ચર્ય....! બેકટેરિયાની એક સાવ નવી જ પ્રજાતિ ઉત્પન્ન થઈ..!ચંદ્ર પરનું માનવીનું એક કદમ જેમ માનવજાતિની મોટી છલાંગ હતી,તેમ આ બેકટેરિયા જનિનશાસ્ત્ર માટે ‘ડાયનોસોર’ બની ગયા.કૃત્રિમ રંગસૂત્ર થકી જીવ ઉત્પન્ન થાય,એ સિદ્ધિ કંઈ નાની સૂની ન ગણાય. ઈશ્વરે આંગળી આપી એટલે વેન્ટરે પહોંચો પકડયો.એ ભાઈ હવે કૃત્રિમ ડી.એન.એ. બનાવવાની વેતરણમાં છે.આ ડી.એન.એ.ને કોઈ જીવિત કોષમાં સંક્રમિત કરાશે.કોષ કુદરતી અને તેને નિયંત્રિત કરનારું ડી.એન.એ. કૃત્રિમ...!‘અહં બ્રહ્માસ્મિ...’,‘સર્વં ખિલ્વદં બ્રહ્મ....’
પણ વારે-તહેવારે લાગણી દુભાઈ જવાની રાષ્ટ્રીય પ્રવૃત્તિ એકલાં ભારતમાં જ નથી થતી.કેનેડાનું ઈ.ટી.સી.ગ્રૂપ પણ આપણા બજરંગદળ કે શિવસેના જેવું જ લાગણીશીલ છે.એણે કહી દીધું કે આવું સંશોધન તો માણસજાત માટે ખતરારૂપ ગણાય.ઘણા બધા લોકોને આ સંશોધનથી આઘાત લાગ્યો છે...!વેન્ટરે ખુલાસો કરવા પડયો કે‘ભાઈ,આમાં ડરવા જેવું કંઈ છે જ નહીં.હકીકતે તો આ બહુ કામની ચીજ છે.આ પદ્ધતિ દ્વારા એવા બેકટેરિયા લેબોરેટરીમાં બનાવી શકાશે,જે કાર્બન ડાયોકસાઈડ ખાતા હોય.ગ્લોબલ વોર્મિંગ સામે આ બેકટેરિયા લડશે.વાતાવરણ શુદ્ધ બનશે અને પ્રદૂષણનું ઝેર ઓછું થતાં પૃથ્વી ફરી હરી-ભરી અને શુદ્ધ બનાવી શકાશે. વેન્ટરનો આ દાવો અને ખુલાસો ખરેખર વિચારણીય છે.કાયદો બને તે પહેલાં જ છટકબારીઓ શોધવાનું ચાલુ કરી દેતાં મુઠ્ઠીભર ફૂદકણિયાઓને બાજુએ રાખીને આખી માણસજાતનું હિત વિચારતી પોઝિટિવ બાબતો પહેલાં વિચારવી જોઈએ.એક બેકટેરિયા શું કરી શકે,એ વેન્ટર બતાવી દેવા માગે છે.અને એ વિચારનું મૂળ પણ આપણાં જ શાસ્ત્રોમાં છે.‘યથા પિંડે તથા બ્રહ્માંડે...’, અણુમાં જ વિષ્ણુ....
લેખક - વિરલ વસાવડા

No comments: