Monday, March 24, 2008

તસલિમાનું જવું એટલે

ના, આ કોઈ એક વ્યકિતની હકાલપટ્ટીનો મામલો નથી : મુકત અને ખુલ્લા સમાજ લેખે આપણા પ્રજાસત્તાક સ્વરાજની ઓળખ અને પરખનો મામલો આ તો છે.
શુક્રવારે બપોરે, તસલિમા નસરીન દાકતરી દેખરેખ તળે આરામ ફરમાવી રહ્યાં હોવાનું સ્વિડનની લિબરલ પાર્ટીનાં સૂત્રો દ્વારા ઇન્ટરનેટ પરથી જાણવા મળ્યું ત્યારે સારું પણ લાગ્યું અને લાગી પણ આવ્યું: આજકાલ કરતાં દોઢ દાયકો થવા આવ્યો, તસલિમા ભારતીય ઉપખંડમાં માનવીય મૂલ્યો માટે ઊભી શકતી એક પ્રતિભા તરીકે પ્રીતિ-અને-આસ્થા-ભાજન બની રહ્યાં છે.
એવા પણ દિવસો હતા અને એવી પણ રાતો હતી, બાબરીઘ્વંસ પછીના ગાળામાં, જયારે સીમાપાર પાકિસ્તાન અને બાંગલાદેશમાં ધેરા પ્રત્યાઘાતો પડયા હતા તેમજ પ્રતિહિંસાનો માહોલ બન્યો હતો. ત્યારે તરુણ બાંગલાદેશી લેખિકા તસલિમા ‘લજજા’, લઈને ઉપસ્થિત થયાં હતાં. એનું વસ્તુ, પ્રતિહિંસાના એ માહોલમાં બાંગલાદેશની લઘુમતી એટલે કે હિંદુઓની બાલાશ જાણતું હતું.
સરહદની આપણી બાજુએ, સ્વાભાવિક જ એમના આ અભિગમથી તસલિમા આપણું પોતાનું માણસ- આપોન જન-બની ગયાં હતાં. જૉકે, તસલિમાની ચાલના પોતે હિંદુ નહીં હોવાની અગર મુસ્લિમ હોવાની મુખ્યત્વે નહોતી અને નથી. શું ધર્મસંસ્થા કે શું રાજયસંસ્થા, સમાજ આખો સામંતી મૂલ્યોથી ખદબદતો, કેવળ અને કેવળ પુરુષસત્તાક માનસિકતાથી ઉભરાતો હોવાની પ્રતીતિ પુરસ્સર વ્યકિતમાત્રને સારુ સ્વતંત્રતા અને સમાનતાની, કહો કે ન્યાય અને અભયની, સરવાળે માનવીય ગરિમાની ભૂમિકાએથી તસલિમા પરિચાલિત થતાં રહ્યાં છે.
દેખીતી રીતે જ, એમણે સ્વીકારેલો રાહ સીધાં ચડાણનો અગર તો સામેપૂર તરવાનો છે. દરેક કોમમાં, દરેક સમાજમાં આવી ભૂમિકાએ ઊભવું મુશ્કેલ હોવાનું જ: હિંદુ લઘુમતીની બાલાશ જાણવા બદલ ‘લજજા’ ઉપર કાશીમથુરા ઓવારી જનારાઓ, જેમ કે, સરહદની આપણી બાજુએ લઘુમતીની બાલાશ જાણનારાઓને કેટલી સહેલાઈથી ‘દંભી સાંપ્રદાયિક’ અને દેશશત્રુ સુઘ્ધાંમાં ખતવી નાખતા હોય છે!ગમે તેમ પણ, બાંગલાભાષ્ાીને નાતે કોલકાતામાં પોતાપણું અનુભવતાં અને એક બિનસાંપ્રદાયિક મુલકમાં રહેવાને કારણે આશ્વસ્ત રહેતાં તસલિમાને જે રીતે આ દેશ છોડવા વેળ આવી એ નાગરિક સમાજ તરીકે આપણ સૌને માટે ચિંતા અને નિસબતની બાબત છે. ભારત છોડયા પછી, લંડનના હીથરો એરપોર્ટથી ભારતસ્થિત એક પરિચિત સાથે ગયા બુધવારની ઢળતી બપોરે એમના ઉદ્ગારો હતા કે જેલમાંથી છૂટયાં જેવો હાશકારો અનુભવું છું.
કોલકાતાથી હાંકી કઢાયા પછી નવી દિલ્હીના અજ્ઞાતવાસમાં કેન્દ્ર સરકાર હસ્તક જે રીતે રહેવાનું બન્યું એને એમણે જેલવાસ જૉડે સરખાવ્યું એ પછી આપણે બીજું કશું ઉમેરવાનું રહેતું નથી. આ દિવસોમાં તસલિમાના એ મતલબના ઉદ્ગારો પણ બહાર આવ્યા છે કે મને હાંકી કાઢવા માટે આચરાયેલ રાજય-આતંકવાદ વિશે હું બોલ્યા વિના રહેવાની નથી. હું વિશ્વમતને એ પણ નિવેદિત કરવા ચાહું છું કે થોડાક દંગાખોરોએ કેવી રીતે કેન્દ્ર સરકારને મારી વિરુદ્ધ વરતવાની ફરજ પાડી.
તસલિમા પ્રકરણમાં પિશ્ચમ બંગાળની ડાબેરી સરકાર અને કેન્દ્રની સંપ્રગ સરકાર, બેઉના રાજકીય ચરિત્રની જે છબિ ઊઠે છે એ પછી નાગરિક સમાજે રાજની ખબર કેમ રાખતા-અને-લેતા-રહેવાપણું છે તે કહેવાનું રહેવું ન જૉઈએ.બંને સરકારોએ જે અભિગમ અપનાવ્યો એની પાછળ, તસલિમાનાં લખાણોમાં મુસ્લિમ ધર્મમતની ટીકાઓને કારણે મુસ્લિમ સમાજની નારાજગીનો હિસ્સો હશે એમ સમજાય છે.
સમાજને છેડે, પછી આપણે ઇસ્લામ મતાવલંબી હોઈએ કે હિંદુ અગર ખિ્રસ્ત મતાવલંબી, સમજવાની વાત એ છે કે આપણે ખુલ્લા સમાજમાં રહીએ છીએ અને મુકત ટીકાટિપ્પણને અહીં અવકાશ હોવાનો છે. પિશ્ચમ બંગાળ કાઁગ્રેસના પ્રમુખ પ્રિયરંજન દાસમુનશી કેન્દ્રમાં સૂચના અને પ્રસાર મંત્રાલય પણ સંભાળે છે.
એમણે રાજયના લઘુમતી આગેવાનોને ગયે મહિને એવી હૈયાધારણ પણ આપી હતી કે હું તમારી વાત કેન્દ્ર સરકારને પહોંચાડીશ. હશે ભાઈ, પણ તમે પોતે સરકારનો હિસ્સો છો એ નાતે તમને સ્વાતંત્ર્યની કદર અને તે માટેના તમારા દાયિત્વની ખબર છે કે નહીં, એ તો કહો. તમારે આ લઘુમતી આગેવાનોને નાગરિક સમાજમાં અપેક્ષિત સહિષ્ણુતા અને ખુલ્લાપણા બાબતે બે શબ્દો કહેવાપણું હતું અને છે.
થોડા મહિના ઉપર હૈદરાબાદના એક જાહેર કાર્યક્રમમાં તસલિમા ઉપર હુમલાની ચેષ્ટા થઈ ત્યારે એ વિશે અહીં વિગતે લખવાનું બન્યું હતું. તે પછી નંદીગ્રામ મુદ્દે બહાર આવેલાં મુસ્લિમ સંગઠનોએ તેની સાથે તસલિમાવિરોધની સેળભેળ વાટે પ્રગટ કરેલી માનસિકતા સાથે, નાગરિક સમાજ તરીકેની આપણી ઊણપ તીવ્રપણે અનુભવાઈ હતી. અંતે આજના દિવસો જૉવાના આવ્યા છે.
જેમણે સરકારને દેશમાંથી તસલિમાને બહાર કાઢવા ભણી ધકેલી તેમણે અને આપણા રાજકીય અગ્રવર્ગનાં જવાબદાર પરિબળોએ જરી ઠરીને વિચારવાની, વારે વારે વિચારવાની અને ઘૂંટવાની જરૂર છે કે આપણા આ પ્રજાસત્તાક સ્વરાજમાં આપણે કેવો નાગરિક સમાજ ઇરછીએ છીએ.
યુરોપીય પાસપોર્ટ ધરાવતાં તસલિમાની વિસા-મુદત અૉગસ્ટમાં પૂરી થવાની છે. ત્યારે એ પાછાં અહીં આવશે અને રહી શકાય એમ છે કે નહીં તે નક્કી કરશે. બિનસાંપ્રદાયિક મૂલ્યો અને પ્રક્રિયા થકી દેશમાં સૌ ન્યાય મેળવે અને અભય અનુભવે, એવું ઝંખતા સૌ- પછી તેઓ લાભાર્થી હોય કે હિમાયતી-ઓગસ્ટ લગીમાં તસલિમાલાયક આબોહવા બનાવી શકે તો એથી રૂડું શું.

No comments: