Monday, March 24, 2008

વગોવાતું ગોવા ખરેખર એવું નથી

બોલિવૂડની ફિલ્મોથી લઈને સ્કારલેટકાંડ પછી મીડિયામાં દેખાડવામાં આવે છે એમાં ગોવાનું સમગ્ર ચિત્ર આવી જતું નથી, ગોવાની બીજી બાજુ પણ છે જયાં તમે સાદાઈ અને સંસ્કૃતિના દર્શન કરી શકો.
’૯૦ના દાયકાના પ્રારંભિક સમયની વાત છે. એર ઇન્ડિયા દ્વારા એક કેલેન્ડર પ્રસિદ્ધ થયેલું,જેમાં દરેક રાજયના લોકો પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજજ બતાવાયા હતા.
ગોવાના પાના પર એક ખ્રિસ્તી નવદંપતી દર્શાવાયું હતું. આ કેલેન્ડરનો ગોવામાં જ ખૂબ વિરોધ થયેલો. ગોવામાં ૬૦ ટકા હિંદુઓ વસે છે, છતાં આપણા મનમાં પોર્ટુગલોવાળા ગોવાની છાપ ભૂંસાતી નથી. રસપ્રદ વાત એ છે કે તેમનો વિરોધ માન્ય રાખીને કેલેન્ડરમાંથી ગોવાનું પેલું ચિત્ર હટાવવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાના મહારાજાથી જે ભૂલ થાય તે સામાન્ય માનવીથી કેમ ન થાય?
દાયકાઓથી ગોવા પોતાની વિકòત છબિનો ભોગ બનતું આવ્યું છે. આજે ગોવાના લોકો માટે એવી છાપ બંધાઈ રહી છે કે તેઓ દરિયાકાંઠે દારૂ ઢીંચીને આળસુની જેમ પડી રહેનારા અને નબળા ચારિત્ર્યના હોય છે. બોલિવૂડની ‘બોબી’થી લઈને લેટેસ્ટ ‘દિલ ચાહતા હૈ’માં ગોવામાં સ્ત્રીઓ સેકસ બાબતે બિંદાસ્ત હોય છે અને તેને પટાવવી સહેલી છે,એવું દર્શાવાતું રહ્યું છે અને ત્યાંના લોકોને દારૂડિયા ચીતરવામાં આવતા રહ્યા છે. આને કારણે પણ તેની ખોટી છાપ ઊભી થઈ છે.
ગોવાની બિંદાસ્ત જિંદગીવાળી છાપ આજે કમનસીબે ખરડાઈ છે અને સ્કારલેટની હત્યાના મામલા બાદ, ફિસ, ફેની અને ફૂટબૉલ માટે જાણીતું ગોવા આજે મીડિયામાં વગોવાઈ વગોવાઈને સેકસ, સીન (પાપ) અને સેન્ડ (ધૂળ) માટે નામચીન બન્યું છે. આજના ઉછાંછળા પત્રકારત્વ માટે તો સ્કારલેટનો મામલો સ્વર્ગમાંથી મળેલા વરદાન જેવો છે. એક રૂપાળી તરુણી, જેણે ડ્રગ્સ લીધું હોય, ડૂબી ગઈ હોય, તેના પર બળાત્કાર થયો હશે એવી સંભાવના વ્યકત થતી હોય અને ગોવાના બીચ પર હત્યા થઈ હોય, મીડિયા માટે તેથી વધારે મસાલાની શું જરૂર પડે?
એમાંય ખાસ કરીને આખા શરીરે ધાવ પડેલા હોય, શરીર સાથે ગંદા ચેડાં થયેલા હોય એવી અર્ધનગ્ન હાલતની સ્કારલેટની તસવીરો મીડિયા પાસે ઉપલબ્ધ હોય પછી બીજું શું જૉઈએ? સ્કારલેટની હત્યા જે સ્થળે થઈ છે તે વિસ્તાર ડ્રગ્સના વેપાર માટે કુખ્યાત હતો, સ્કારલેટે સેકસ લાઇફથી સુપરિચિત હતી, સ્કારલેટની માતા, જેના નામે ભૂતકાળમાં ગુનાઓ બોલે છે તે હવે ડાહીડમરી રીતે જાહેરમાં ગોવાના ટોચના રાજકારણીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી રહી છે, ગોવાના નેતાઓ અને સ્થાનિક પોલીસોના નામે ગુનાઓ સામેની લડતનો નક્કર રેકોર્ડ ઉપલબ્ધ છે, બોલો આટલું બધું એક સાથે હોય પછી મીડિયા સૌની આંખો ખેંચનાર સનસનાટીભરી ક્રાઇમ સ્ટોરી બનાવે છે એવો આરોપ લગાવી શકાય?
અલબત્ત, સ્કારલેટની સ્ટોરી સીધી સાદી જાસૂસી કથા જેવી નથી કે જેસિકા લાલ કેસ જેવી ‘ફાઇટ ફોર જસ્ટિસ’ના માળખામાં ફિટ બેસે એવી પણ નથી. બે સાવ નોખી સંસ્કòતિ વરચે ઝોલાં ખાતું ગોવા, લંપટતા અને ભકિત, નવા વિશ્વનું બિંદાસ્તપણુ અને જૂના વિશ્વની રૂઢિ આ બધા વરચે ઊભા થતાં પ્રશ્નો સ્કારલેટકાંડ કરતાં પણ વધારે તો ચિંતા ઉપજાવે તેવી સમસ્યાઓ લઈને ઊભું છે.ગોવા દરિયાકાંઠાના પ્રેમીઓનું છે, હિપ્પીઝનું છે, સુખવાદીઓનું, પીડોફિલિયાની પાર્ટીઓ માણનારાઓનું છે, પણ આપણે એ ન ભૂલવું જૉઈએ કે આટલામાં ગોવાનું સમગ્ર ચિત્ર આવી જતું નથી.
ગોવાના ગામડાઓમાં સંસ્કારી સમાજ વસે છે, ગામડાંઓમાં મંદિરો અને ચર્ચોમાં લોકો આસ્થાપૂર્વક જાય છે. એક એવું ગોવા પણ છે જયાં લોકો શાંતિથી અને સાદાઈથી પોતાની જિંદગી વિતાવે છે. તે ઉદાર અને અનેક ધર્મ-સંપ્રદાયોને સાંકળતી સંસ્કòતિનો વારસો ધરાવે છે.
ગોવાના દરિયાકાંઠે વસેલી શહેરીપટ્ટી જ હંમેશાં સમાચારોમાં ચમકે છે, પરંતુ આ પટ્ટીથી થોડે જ દૂર આવેલા ગામડાં કે ત્યાંના ગોવાના બહુમતી લોકોની નોંધ સુઘ્ધાં લેવાતી નથી, કારણ કે ત્યાં એવા કોઈ ઉત્તેજિત ¼શ્યો જૉવા મળતાં નથી.ઇતિહાસકારો અને એન્થ્રોપોલોજીસ્ટ ખરા ગોવાને પ્રગટ કરવા ઘણું મથે છે, પરંતુ રાષ્ટ્રીય મીડિયા સાવ સહેલાઈથી ટૂરિસ્ટ બ્રોચરમાંથી આ લોકોને કાઢી નાખે છે.
કમનસીબે, ગોવાની આવી અધકચરી ઓળખને લીધે ત્યાંના લોકોની છાપ ખરાબ પડે છે. તેના કારણે પછી બે સંસ્કòતિઓ વરચેનો સંઘર્ષ સર્જાય છે. એમાંય સ્કારલેટ જેવા કિસ્સામાં આવો વિવાદ વકરે છે. ઘણા બધા ગોવાવાસીઓને માટે વિદેશી પ્રવાસીઓ વણનોતર્યા મહેમાન કે બિનજરૂરી ઘૂસણખોર જેવા લાગે છે. ગોવાવાસીઓ બીચ પરની નગ્નતાથી ભારે અકળાય છે.
કદાચ એ કારણોસર જ બહુ ઓછા ગોવાના સ્થાનિક લોકો આજે સ્કારલેટની માતા સાથે ઊભા છે. ગોવાના સ્થાનિક લોકો મહિલાઓને આ રીતે અર્ધનગ્ન અવસ્થામાં બિંદાસ્ત ફરતી જૉવે છે ત્યારે તેઓ તેને માટે સારો ભાવ ધરાવતા નથી. તે માને છે કે આવા લોકો અહીં આવીને અમારી સંસ્કòતિનું નિકંદન કાઢી રહ્યા છે. આપણે અપેક્ષા રાખીએ કે ગોવામાં સ્કારલેટની હત્યા બાબતે મોટા પાયે ગોવાના લોકો વિરોધ પ્રદર્શન કરે અને ઉગ્ર દેખાવો કરે, પરંતુ એવું બન્યું નથી એની પાછળનું કારણ આ જ છે.
અલબત્ત, ગોવામાં આવનારા પ્રવાસીઓને કારણે તેમની ઓળખ ખરડાય છે એવું પણ નથી. ગોવાના યુવાનોને રોજગારી મળી રહે અને તેની આર્થિક સમૃદ્ધિ માટે ત્યાં વિદેશી પ્રવાસીઓ આવે તે જરૂરી પણ છે. ગોવાએ ખરેખર તો ત્યાં બિલ્ડરો દ્વારા ચલાવાતી ગતિવિધિઓ પર વધુ ચાંપતી નજર રાખવાની જરૂર છે. રાજકારણીઓએ સ્કારલેટ મુદ્દે હોહા કરવાને બદલે ગોવાના પર્યાવરણ અંગે ચિંતા સેવવાની વધુ જરૂર છે. ગોવાના ભાવિને જૉતાં પર્યાવરણને બચાવવું અત્યંત જરૂરી છે.

No comments: