Saturday, March 15, 2008

પર્યુષણમાં કતલખાનાં ૯ દિવસ બંધ : સુપ્રીમ

ગુજરાત હાઈકોર્ટના હુકમને રદબાતલ ઠરાવતી સર્વોરચ અદાલત
જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વના દિવસો દરમિયાન કતલખાનાં બંધ રાખવા અંગેના અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને સુરત મ્યુનિ. કોર્પોરેશનના નિણર્યને ગેરકાયદે ઠરાવતાં અને ધાર્મિક કારણોસર પર્યુષણ દરમિયાન કતલખાનાં બંધ રાખી શકાય નહીં એ મતલબના હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે આજે રદબાતલ ઠરાવી પર્યુષણના પર્વ દરમિયાન કતલખાનાં બંધ રાખવાના સત્તાવાળાઓના નિણર્યને બહાલ રાખતો અતિમહત્ત્વનો ચુકાદો જારી કર્યોહતો.
હાઇકોર્ટના આ હુકમને પડકારતી હિંસા વિરોધક સંઘ સહિતના જૈન સંઘો તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પો. અને સુરત મ્યુનિ. કોર્પો.ની તમામ અપીલો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એચ. કે. સીમા અને જસ્ટિસ માર્તેડંય કાત્જુની ખંડપીઠે બહાલ રાખી હતી. કતલખાનાં બંધ રાખવા અંગેના સત્તાવાળાઓના નિણર્યને સુપ્રીમ કોટર્ે બિલકુલ કાયદેસર અને બંધારણીય ઠરાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે પર્યુષણ પર્વના દિવસો દરમિયાન હવે કતલખાનાં બંધ રહેશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે દેશભરના જૈન સંપ્રદાય સહિતના સમગ્ર હિન્દુ સંપ્રદાયમાં ખુશીની લહેર છવાઈ છે.સૌથી મહત્ત્વની અને નોંધનીય બાબત એ છે કે, સુપ્રીમ કોર્ટે તેના આ ચુકાદામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ અવલોકન અને નિરીક્ષણો કર્યાં છે.
૨૩ વર્ષથી કતલખાનાંના નીચલી કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ચાલતા વિવાદની સિલસિલાબદ્ધ હકીકતો એવી છે કે, અગાઉ જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધીજયંતી, ગાંધી નિર્વાણદિન, મહાવીરજયંતી અને રામનવમીના દિવસો દરમિયાન કતલખાનાં બંધ રાખવા અંગેના અ.મ્યુ.કો.ના ઠરાવને જાનમહંમદ ઉસ્માન તથા અન્યોએ હાઇકોર્ટમાં પડકાર્યોહતો. જે રિટ અરજી હાઇકોર્ટે મંજૂર કરતાં અ.મ્યુ.કો. દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરાઈ હતી.
સને ૧૯૮૬માં આ અ.મ્યુ.કો.ની અપીલ મંજૂર રાખતાં ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, ઉપરોકત મહત્ત્વના દિવસો દરમિયાન કતલખાનાં બંધ રાખી શકાય. સુપ્રીમ કોર્ટે તેના સમર્થનમાં હુકમમાં કેટલીક છણાવટ પણ કરી હતી. એ પછી સને ૧૯૯૩માં રાજય સરકારે પર્યુષણ દરમિયાન કતલખાનાં બંધ રાખવા અંગે અ.મ્યુ.કો.ને એક પરિપત્ર જારી કર્યોહતો.
જેના અનુસંધાનમાં અ.મ્યુ.કો. અને સુરત મ્યુ. કોર્પો. દ્વારા પર્યુષણમાં કતલખાનાં બંધ રાખવા અંગેના ઠરાવો જારી કરાયા હતા. જેને પડકારતી ઓલ ગુજરાત મટન મર્ચન્ટ એસોસિયેશન અને જમીતુલ કુરેશ (મોટી જમાત) તરફથી એક રિટ અરજી હાઇકોર્ટમાં કરાઇ હતી. જે ન્યાયમૂર્તિ એસ. ડી. દવેએ સુપ્રીમ કોર્ટના ૧૯૮૬ના ઉપરોકત ચુકાદાને ઘ્યાનમાં રાખી ફગાવી દીધી હતી.
ત્યાર બાદ બોમ્બે પ્રોવિન્શિયલ એકટ અંતર્ગત કલમ-૪૬૬ (ડી) હેઠળ કતલખાનાં બંધ રાખવા અંગેની કોર્પોરેશનની સત્તાને પડકારતી મીરઝાપુર મોટી કુરેશી જમાત, ઓલ અમદાવાદ છોટી જમાત મટન મર્ચન્ટ એસોસિયેશન, સુરત મટન ડીલર એસોસિયેશન, લોક અધિકાર સંઘ, કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ વગેરે તરફથી જુદીજુદી રિટઅરજીઓ ૧૯૯૩થી ૨૦૦૦ના વર્ષ દરમિયાન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
જેમાં હિંસા વિરોધક સંઘ સહિતના સંઘો પક્ષકાર તરીકે જોડાયા હતા, જેની સુનાવણીના અંતે તા.૨૨-૬-૦૫ના રોજ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જી. એસ. સિંઘવી અને ન્યાયમૂર્તિ અનંત એસ. દવેની ખંડપીઠે અરજદાર એસોસિયેશન સહિતના અરજદારોની રિટ અરજી મંજૂર કરી એવો ચુકાદો આપ્યો હતો કે, ધાર્મિક કારણોસર પર્યુષણના દિવસો દરમિયાન કતલખાનાં બંધ રાખી શકાય નહીં. આ હુકમને હિંસા વિરોધક સંઘ, સેટેલાઇટ મૂર્તિપૂજક જૈન સંઘ, લક્ષ્મીવર્ધક જૈન સંઘ, અમદાવાદ મ્યુ. કોર્પો. અને સુરત મ્યુ. કોર્પો. દ્વારા જુદીજુદી અપીલો મારફતે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
જેમાં હિંસા વિરોધક સંઘ સહિતના સંઘો તરફથી સિનિયર કાઉન્સિલ સોલી સોરાબજી, એડ્વોકેટ પી.એચ. પારેખ, અરુણભાઇ ડી. ઓઝા વગેરેએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બીપીએમસી એકટની કલમ-૩૨૮ અને ૩૨૯માં કતલખાનાં બંધ રાખવા અંગેની જોગવાઈનો સમાવેશ થાય છે. આ કાયદાની કલમ-૪૬૬ હેઠળ મ્યુનિસિપલ કમિશનરને કતલખાનાં બંધ રાખવાનો સ્ટેન્ડિગ ઓર્ડર કરવાની પૂરી સત્તા છે.
વળી આખા વર્ષ દરમિયાન ખૂબ ઓછા દિવસો કતલખાનાં બંધ રાખવાની વ્યવસ્થા છે તેથી તેના કારણે મીટ મર્ચન્ટ એસોસિયેશનને ધંધા-રોજગારમાં નુકસાન થવાની દલીલ પણ અસ્થાને છે. તેથી સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો હુકમ રદબાતલ ઠરાવવો જોઈએ. જૈન સંઘો તરફથી સુપ્રીમ કોર્ટના અગાઉના કેટલાક મહત્ત્વના ચુકાદાઓ પણ પોતાની દલીલોના સમર્થનમાં ટાંકવામાં આવ્યા હતા. અ.મ્યુ.કો. તરફથી સિનિયર એડ્વોકેટ ટી. આર. અઘ્યારુજી અને એડ્વોકેટ એસ. એન. શેલતે દલીલો રજૂ કરી હતી.

માંસાહારીઓ ૯ દિવસ માંસ નહીં આરોગે તો વાંધો નહીં આવે

કતલખાનાં બંધ રાખવા અંગેના સત્તાવાળાઓના નિણર્યમાં આ કોર્ટને કોઈ બંધારણીય જોગવાઈઓનો ભંગ થયો હોવાનું જણાતું નથી. વળી કતલખાનાં બંધ રાખવાનો નિણર્ય ખૂબ ઓછા દિવસ પૂરતો મર્યાદિત છે અને જો આજની તારીખે માત્ર નવ દિવસ માટે માંસાહારી લોકો માંસ નહીં આરોગે તો વાંધો નહીં આવે.
એક સમુદાયના લોકોએ બીજા સમુદાયના લોકો પર આ પ્રકારે વધુ પડતા સંવેદનશીલ ન બનવું જોઈએ. મોગલરાજ અકબર કે જે મોર્ડન ઇન્ડિયાના આર્કિટેકટ હતા અને તેમની પત્ની હિન્દુ હતી. તેઓ હિન્દુ ધર્મનું સન્માન જાળવતા હતા, તો આપણે પણ બીજા ધર્મ અને તેની ધાર્મિક લાગણીઓનું સન્માન જાળવવું જોઈએ એ મતલબનાં ખૂબ જ માર્મિક અવલોકનો સુપ્રીમ કોર્ટે આજે તેના ચુકાદામાં કર્યા હતાં.

No comments: