પ્રા. આર. સી. પોપટ (‘શુકદેવ’) ‘અર્થકારણના પ્રવાહો’
અત્યારે ચોરે અને ચૌટે- રોડ ઉપરના લારી-ગલ્લાથી માંડીને રિઝર્વ બઁકના કર્મચારીઓના ટેબલો સુધી- ભારે ઉત્કંઠા અને ચિંતા સાથે બે બાબતો ચર્ચાઈ રહી છે- એક તો શેરબજારમાં સેન્સેક્સના સતત અધ:પતનની અને બીજી, મોંઘવારીના આંકના સતત ઉર્ધ્વગમનની. એક આંક-ઇન્ડેક્સ- નીચે ગબડી રહ્યો છે તેની ચિંતા છે, તો બીજો આંક છપ્પર ફાડીને સતત ઊંચે જઈ રહ્યો છે તેની ચિંતા છે. આ બંને એકસાથે બનતી રહેલી ઘટનાઓ વચ્ચે કોઈ ર્તાિકક અનુબંધ રહેલો છે કે કેમ તે એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. પહેલો શેરબજારનો પ્રશ્ન આમઆદમીનો નથી, પરંતુ બીજો પ્રશ્ન અવશ્યપણે આમઆદમીનો છે. પહેલો પ્રશ્ન મોટા ગજાના મૂડીવાળાઓનો છે, આમઆદમીને ભાગ્યે જ તેની સાથે કંઈ લેવાદેવા છે, તો બીજો પ્રશ્ન નીચી મૂડીવાળા સામાન્ય માનીવનો છે. મોટા ભાગના મૂડીવાળાઓને તે ભાગ્યે જ સ્પર્શે છે. આપણે અહીં આમઆદમીના- મારા અને તમારા- પ્રશ્નની ચિંતા કરવી છે.
ભારત સરકારે તૈયાર કરેલી ૨૦૦૭-૦૮ના વર્ષની આર્િથક સમીક્ષામાં વીતેલા વર્ષ દરમ્યાન જોવા મળેલા ફુગાવાના વલણ માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિઝર્વ બઁકે પણ તેના વખતોવખતનાં અવલોકનોમાં આ બાબતને ચિંતાજનક ગણાવી છે, પરંતુ હમણાં હમણાં ૨૦૦૭-૦૮ના વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ફુગાવાના દરમાં અગાઉના નવ મહિના કરતાં પણ વધુ ઊંચા દરે વધારો થતો જોવા મળી રહ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૦૭ના દિવસે ૩.૯ ટકાની સપાટીએ રહેલો ફુગાવાનો દર ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮ના દિવસે વધીને ૪.૮ ટકાની સપાટીએ પહોંચી ગયો હતો, પરંતુ તે પછી તો ઝડપથી વધીને માર્ચ, ૨૦૦૮ના પ્રથમ સપ્તાહને અંતે ૫.૦૧ ટકાની, છેલ્લા ૧૫ માસની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. તે જોઈને રિઝર્વ બઁકે ચેતવણી ઉચ્ચારવી પડી હતી કે, ફુગાવાને ૫ ટકાની સપાટીએ નિયંત્રિત રાખવો જરૃરી છે. આપણા અર્થશાસ્ત્રી વડા પ્રધાન અને નાણાપ્રધાને પણ દેશમાં ફુગાવાની સ્થિતિનો સ્વીકાર કરીને તે જ વિશે ચિંતા વ્યક્ત કરવી પડી હતી. સરકાર તેના ઉપર ચાંપતી નજર રાખી રહી છે તેવું રાબેતા મુજબનું લુખ્ખું આશ્વાસન આપવું પડયું હતું, પરતુ કોઈની ચેતવણી કે ચિંતાને ગાંઠે તો તેનું નામ ભારતનો ફુગાવો નહીં. ફુગાવો ત્રાસવાદી છે, તે કોઈને ગાંઠતો નથી. માર્ચ, ૨૦૦૮ના બીજા સપ્તાહના અંતે ફુગાવાનો દર રિઝર્વ બઁકે બાંધી આપેલી લક્ષ્મણરેખાને પાર કરીને ૫.૨ ટકાની સપાટીએ અને માર્ચ, ૦૮ના ત્રીજા સપ્તાહમાં તેનાથી પણ આગળ ૫.૯ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે જ્યારે લક્ષ્મણરેખા ઓળંગાય છે ત્યારે ત્યારે રામાયણ સર્જાય છે, તે ઐતિહાસિક સત્ય ધ્યાનમાં રાખવા જેવું ખરું.
એક બીજી વાત. સરકાર દ્વારા પ્રસિદ્ધ કરતો ભાવાંક જથ્થાબંધ ભાવોના આધારે તૈયાર કરાયેલો હોય છે, પરંતુ સામાન્ય માનવીની આર્િથક યાતનાને અસર કરે છે તે છૂટક ભાવો હોય છે. જથ્થાબંધ કરતાં છૂટક ભાવોમાં થયેલો વધારો તો તેનાથી પણ મોટો છે. છેલ્લા એક જ મહિનામાં જીવન જરૃરિયાતની વસ્તુઓ, અનાજ, કઠોળ, કરિયાણું, સિંગતેલ, બળતણ- આ બધાના જથ્થાબંધ ભાવોમાં ૭થી ૧૦ ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ તેના છૂટક ભાવોમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. આ સંદર્ભમાં જો તાજેતરના ફુગાવાના દરને છૂટક ભાવોના આધારે ગણતરીમાં લઈએ તો તે ૫.૨ ટકાથી પણ વધીને ૬.૫ થી ૭.૦ ટકા સુધી પહોંચી ગયાનો સંભવ છે.
આપણા દેશમાં ફુગાવાની આ સમસ્યા કંઈ હમણાં હમણાં જ ઉદ્ભવેલી ટૂંકાગાળાની સમસ્યા નથી. ફુગાવો તો ભારતીય અર્થતંત્રના અણુ એ અણુમાં છેલ્લાં પચાસ વર્ષથી પ્રસરી ગયેલો બ્લડ કેન્સરનો અસાધ્ય રોગ છે. છેક ૧૯૬૨થી હું મારા અર્થશાસ્ત્રના વર્ગખંડોમાં ફુગાવાની ચર્ચા કરતો આવ્યો છું. છેક ૧૯૫૮થી ૧૯૭૦ સુધી ડો. બી. આર. શિનોય જેઓ તેમના સમયના પ્રથમ હરોળના અર્થશાસ્ત્રી બીજી પંચવર્ષીય યોજનાની રચના સમિતિના સભ્ય અને ગુજરાત યુનિર્વિસટીના અર્થશાસ્ત્ર ભવનના વડા હતા, તેઓએ ફુગાવા અંગે બળાપો કરતાં કરતાં જિંદગી પૂરી કરી નાખી. તેમ છતાં આ સમસ્યાની ગંભીરતામાં કોઈ તફાવત નોંધાયો નથી. વચ્ચેના ૧૯૯૫થી ૨૦૦૪ સુધીના ગાળામાં આર્િથક સુધારાઓની કેમોથેરપી સારવારથી આ રોગ થોડો દબાયેલો દેખાતો હતો, પરંતુ સાવ નાબૂદ તો થયો જ ન હતો. અત્યાર તે હવે ફરીથી વકર્યો છે. કેન્સરનો રોગ ફરીથી વકરે ત્યારે શું થાય તે તો આ રોગના નિષ્ણાત ડોક્ટરને જ પૂછી લેજો. આ ભાવવધારો ભવિષ્યમાં વધુ ગંભીર બને તેવો ભય તોળાઈ રહ્યો છે. ચિદમ્બરમ્ સાહેબના અંદાજપત્રની ફુગાવાત્મક અસરો આવવાની તો હજુ બાકી છે. ખેડૂતોની ઋણમુક્તિના અમલીકરણથી સરકારી તિજોરી પર રૃ. ૬૦,૦૦૦નો જે બોજો વધવાનો છે તે નાણાં સરકાર છેવટે કેવી રીતે ઊભા કરવાની છે તે વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્પષ્ટ રીતે તેનાથી સરકારની રાજકોષીય ખાધ વધવાની છે. બીજી બાજુ, છઠ્ઠા વેતનપંચની ભલામણોના સ્વીકારને પરિણામે કેન્દ્રના અને ત્યાર પછી તેના પગલે પગલે રાજ્ય સરકારોના કર્મચારીઓના વેતનમાં જે જંગી વધારો થવાનો છે તેનો અંદાજે રૃ. ૨૦,૦૦૦ કરોડનો બોજો કેન્દ્ર સરકારની તિજોરી ઉપર પડવાનો છે. આ વેતનવધારો જ્યારે ખરીદશક્તિના વધારા દ્વારા ટકાઉ સ્વરૃપની વપરાશી વસ્તુઓના માંગના વધારામાં પરિણમશે ત્યારે તેની વધારાની ફુગાવાત્મક અસરો ઊભી થશે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનો અમલ ૨૦૦૮માં સરકાર દેશના બધા જ ૬૪૨ જિલ્લાઓમાં વિસ્તારવા માગે છે. તે માટે અંદાજે રૃ. ૫૦,૦૦૦ કરોડ ખર્ચવા પડશે. તે માટે અંદાજપત્રમાં માત્ર રૃ. ૧૬,૦૦૦ કરોડની જ જોગવાઈ કરવામાં આવી છે. બાકીનાં નાણાં ક્યાંથી મેળાશે તેની સ્પષ્ટતા કરાઈ નથી. આનાથી પણ સરકારની રાજકોષીય ખાધમાં વધારો થશે. આવકવેરામાં અપાયેલી રાહતો સંબંધિત લોકોની વાસ્તવિક આવકમાં વધારો કરીને માંગમાં વધારો લાવશે. ઓટોમોબાઈલ ક્ષેત્રને મળેલી કરરાહતો ઉપર તથા દ્વિચક્રી વાહનોની માંગમાં ભારે વધારો લાવશે. તેના પગલે પગલે સંબંધિત વસ્તુઓના ભાવ વધશે. ટૂંકમાં, ૨૦૦૮ના વર્ષના હવે પછીના દિવસોમાં ફુગાવાનો દર હજુ પણ વધુ ઊંચે જવાનો ભય છે. વર્ષના અંતે ફુગાવાનો દર ૬.૫ ટકા સુધી પહોંચી જાય તો આઘાત ભલે લાગે, આશ્ચર્ય લાગવું જોઈએ નહીં.
એક બાજુથી ઔદ્યોગિક ક્ષેત્ર મંદી તરફ ઘસડાઈ રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન આંક (આઈ.આઈ.પી.)ના આધારે જાન્યુઆરી, ૨૦૦૮માં આગલા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં ઉત્પાદન વૃદ્ધિનો દર લગભગ અડધો થઈ ગયો છે. અને તેની બીજી બાજુએ સામાન્ય માનવીના વપરાશની બધી જ વસ્તુઓના ક્ષેત્રમાં ભાવવધારાનો ભરડો ભીષણ બનતો જાય છે. આમ, ફુગાવો અને મંદીની દ્વિમુખી અસર અત્યારે ભારતીય અર્થતંત્ર અનુભવી રહ્યું છે. રિઝર્વ બઁક પણ અત્યારે દ્વિધામાં ફસાઈ ગઈ છે. બઁક દરમાં વધારો કરે તો શેરબજાર ઉપર અને ઔદ્યોગિક મૂડીરોકાણ ઉપર અવળી અસરો પડવાનો ભય રહેલો છે અને બઁક દરમાં ઘટાડો સામાન્ય માનવીની વસ્તુઓના ભાવ ઉપર વિપરીત અસર પહોંચાડી શકે છે. કેન્દ્ર સરકાર પણ આ પરિસ્થિતિની ઊલઝનથી માથું ખંજવાળી રહી છે. એક બાજુથી ઔદ્યોગિક ક્ષેત્ર અને કૃષિક્ષેત્રમાં ઉત્પાદન ઘટતું જાય છે અને બીજી બાજુ બજાર ઉપર માંગનું દબાણ વધતું જાય તેવાં પરિબળો એક પછી એક માથું ઊંચકતા જાય છે.
આવી જ પરિસ્થિતિ હજુ થોડો વધુ સમય ચાલુ રહે તો ૨૦૦૮-૦૯ના વર્ષનો આર્િથક વિકાસનો દર ૮.૫ ટકાને આંબવામાં પણ મુશ્કેલી ઊભી થશે. વધતી જતી મોંઘવારી ગરીબી નાબૂદીના બધા જ લક્ષ્યાંકોને વિફળ બનાવી મૂકશે. હજુ એક અઠવાડિયા પહેલાં જ અંદાજપત્ર પરની ચર્ચામાં બોલતા નાણાપ્રધાને સંસદમાં ગળું ખોંખારીને એવો જશ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો કે, યુ.પી.એ. સરકારે રાજકોષીય ખાધ નોંધપાત્ર રીતે ઘટાડીને ૨૦૦૭-૦૮ વર્ષમાં કુલ રાષ્ટ્રીય આવકના ૩.૬ ટકાની નીચી સપાટીએ લાવી દીધી છે.
અને ૨૦૦૮-૦૯ના વર્ષમાં તેને ૨.૮ ટકાની સપાટીએ લાવી દેવામાં આવશે, પરંતુ અર્થતંત્રમાં અત્યારે જે ફુગાવાત્મક પરિબળો જુદી જુદી દિશામાંથી માથું ઊંચકી રહ્યો છે તે તેમ થવા દે એવું લાગતું નથી.
નાણાપ્રધાનના જ અંદાજપત્રની અસરોથી તો રાજકોષીય ખાધ વધીને ૪.૨થી ૪.૫ ટકા સુધી પહોંચી જવાનો સંભવ દેખાય છે. ફુગાવાની જ્વાળામાં અંદાજપત્રની વિવિધ જોગવાઈઓ ઇંધણ નાખવાનું કામ કરવાની છે.
માત્ર બઁક દરમાં વધઘટ કરવાથી ફુગાવો નિયંત્રણમાં લાવી શકાય નહીં. વાસ્તવિક આવશ્યકતા એ છે કે, વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં અને કૃષિ ઉત્પાદનમાં ક્રાંતિકારી વધારો કરવાની અને બીજી બાજુએ લોકોના હાથમાં રેડવામાં આવતી વધુ ને વધુ આવકોને બજારને બદલે બચતના માર્ગે વાળવાની બચતલક્ષી નીતિ યુદ્ધના ધોરણે તૈયાર કરીને અમલમાં મૂકવી જોઈએ.
No comments:
Post a Comment