Wednesday, March 26, 2008

વોર્ડરોબ માલફંકશન ચુનરી સંભાલ ગોરી...

ફરી પાછું એ જ થયું. રેમ્પ પર એક મોડલ કેટવોક કરતી હતી અને એનું વસ્ત્ર સરકી પડયું. મીડિયાને મસાલો મળ્યો અને દુનિયાને જૉણું થયું. આ વેળા વાત હતી દિલ્હીની. થોડા દિવસો અગાઉ પૂરા થયેલા વિલ્સ ઇન્ડિયા ફેશન વીકમાં રાજેશ પ્રતાપ સિંહ નામના ડિઝાઈનરનો શો હતો. મિન્સ, એણે ડિઝાઈન કરેલાં વસ્ત્રો પહેરીને વિવિધ મોડલ્સ રેમ્પ પર કેટવોક કરે. એવી જ એક ડિઝાઈન પહેરીને કેટવોક કરતી ડેબી નામની જર્મન (અમુક ઠેકાણે આ મોડલને બલ્ગેરિયન અને બેિલ્જયન પણ ગણાવાઈ છે!) મોડલના ઉપરાર્ધનો એક હિસ્સો સરકી ગયો. સેંકડો લોકો અને કેમેરા તથા વિડિયોની લાઈટ્સ જયાં એક એક સેકન્ડનો હિસાબ રાખતી હોય, ત્યાં આ દૃશ્યો ગણતરીની પળોમાં આખી દુનિયામાં પહોંચી ગયા.
આમ તો ફેશન શોઝ અને તેને અપાતા મીડિયા કવરેજ બાબતે ઘણા વિચારશીલો એવી ફરિયાદ કરતા હોય છે કે જે ફેશન શોઝ સાથે દેશની નવ્વાણું ટકા પ્રજાને નહાવા નિચોવવાનો કોઈ જ સંબંધ નથી એને આટલું બધું ફૂટેજ શા માટે આપવામાં આવે છે? બીજૉ એક સવાલ એ પણ પુછાતો હોય છે કે ફેશન શૉઝમાં જે પ્રકારની ચિત્ર-વિચિત્ર ડિઝાઈનોનાં કપડાં પહેરીને મોડલ્સ આવતાં જતાં હોય, એ વાસ્તવમાં કયાં અને કોણ પહેરતું હશે?
પરંતુ હકડેઠાઠ મીડિયાની હાજરીમાં અચાનક વસ્ત્ર સરકી પડે એવી આ ઘટના - જેના માટે ‘વૉર્ડરોબ માલફંકશન’ (કપડાંના કબાટમાં થતી ઘાલમેલ) જેવું નામ અપાયું છે- એ પહેલી તો નથી જ. રસિકજનોને યાદ હશે જ કે ભારતમાં પણ આના એકથી વધુ બનાવો બની જ ગયા છે. ૨૦૦૬માં આવા જ એક ફેશન વીકમાં કેરોલ ગ્રેસિયસ નામની મોડલનું ઉપરાર્ધ પણ અચાનક જ સરકી ગયું હતું અને થોડો સમય ‘હો..હા’ થઈ હતી. એ અગાઉ છૂટક એડ ફિલ્મો અને મ્યૂઝિક વિડિયોઝમાં દેખાયેલી કેરોલ ગ્રેસિયસને ભાગ્યે જ કોઈ ઓળખતું, પરંતુ આજની તારીખે પણ એનો ફોટો બતાવો તો જાણભેદુ લોકોની આંખો ચમકી ઉઠે! નિગાર ખાન યાદ છે? મૂળ ઈરાનની અને નોર્વેમાં ઉછરેલી આ મોડેલ આપણે ત્યાં ‘ચડતી જવાની’ જેવા મ્યૂઝિક વિડિયોમાં દેખાયેલી. એની અદાઓએ ભારતમાં ઇન્સ્ટંટ પબ્લિસિટી અપાવી પણ અભિનેતા સાહિલ ખાન સાથેનાં લગ્ન, પાસપોર્ટ કોન્ટ્રોવર્સી અને વિદેશી મેગેઝિનોમાં અર્ધનગ્ન તસવીરોએ એનું નામ ખાસ્સું વગોવ્યું. આ કન્યાનાં વસ્ત્રો સાથે નોર્વેના એક ફેશન શોમાં આવી જ કોઈ કળા કેમેરાની આંખોએ કેદ કરી હતી. જો કે ત્યારે બાદ નિગાર ખાનનું સ્ટેટમેન્ટ એવું આવ્યું કે ફેશનની દુનિયામાં તો આવું ચાલ્યા કરે! સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના નામે પણ અદ્દલ આવું જ સ્ટેટમેન્ટ વહેતું થયું હતું કે ભ’ઈ આ તો ફેશન ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે, એમાં લોકોએ કંઈ આટલો હોબાળો ન મચાવવો જૉઈએ! મોડલ ગૌહર ખાનના સ્કર્ટમાં પણ પાછળથી ચેન તૂટી જતાં થયેલા ભવાડા છાપે ચડયા હતા.
પણ આવું શાને માટે થાય છે? મુખ્ય બે શકયતાઓ હોઈ શકે. કાં તો આવા બનાવોને માત્ર અકસ્માત ગણીને જવા દઈએ, અથવા તો કોઈ સસ્તી પબ્લિસિટી મેળવવા માટે પણ આવી ક્રિયા ઘડી કાઢે. ત્રીજી એક શકયતા એ પણ હોઈ શકે કે કોઈ વિધ્નસંતોષી જીવ પોતાની દાઝ કાઢવા માટે કપડાંમાં જાણી જૉઈને સળી કરી જાય. આપણે ત્યાં પણ લગ્ન વગેરે સામાજિક પ્રસંગોએ સાડીઓ જેવાં કપડાંમાં બ્લેડ-કાતર વડે કાપાં મૂકી દેવાની ઘટનાઓ બને જ છે. (એ રીતે એને પણ ‘વોર્ડરોબ માલફંકશન’ જ ગણી શકાય!)
ઉપર કહ્યું તેમ ફેશન શો આખા દેશનું મીડિયા કવર કરતું હોય, ત્યારે આ પ્રકારની ઘટના વધારે પડતી હાઈલાઈટ થાય અને તેની સાથે જૉડાયેલાં પાત્રો (મોડલ, ફેશન ડિઝાઈનર વગેરે) હાઈલાઈટ થાય. આ મોડલ્સને પોતે જે કપડાં પહેરવાની છે તેનું ફિટિંગ બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે શો અગાઉ પૂરતો સમય અપાતો નહીં હોય એ બનવા જૉગ છે. કોઈ વાંકદેખા એવું પણ કહી શકે કે આ મોડલ્સ કપડાં પણ એવાં જ પહેરે છે કે કયારે-કયાંથી ‘દગો’ દઈ દેશે એ કહેવું મુશ્કેલ છે! જૉ કે પોતે તૈયાર કરાવેલાં કપડાંની કવૉલિટી કેવી છે એ વિશે ડિઝાઈનર અને એના ફેશન હાઉસની પણ જવાબદારી બને જ છે.
વિદેશોમાં પણ આની નવાઈ નથી
ફેબ્રુઆરી ૨૦૦૪માં સુપર બોલ નામની ઇવેન્ટ વખતે માઈકલ જેકશનની બહેન જેનેટ જેકશન અને પોપ સ્ટાર જસ્ટિન ટિમ્બરલેક પરફોર્મ કરી રહ્યાં હતાં. અધવરચે જસ્ટિને જેનેટના ટોપ સાથે અટકચાળું કર્યું અને જેનેટના ઉપરાર્ધનાં અમુક વળાંક દ્રશ્યમાન થઈ ગયાં. એ જ અરસામાં ૨૦૦૪ની મિસ યુનિવર્સ બનેલી જેનિફર હોકિંસ પણ વૉર્ડરોબ માલફંકશનિંગનો ભોગ બની હતી. સિડનીના એક ફેશન શોમાં રેમ્પ વોક કરતી વેળા એનું સ્કર્ટ સરકીને ભોં ભેગું થઈ ગયું હતું. આ તો હજી માત્ર જૂજ ઉદાહરણો છે, એમાં પેરિસ હિલ્ટન, સ્કારલેટ જહોનસન, બ્રિટની સ્પિયર્સ, સદ્ગત અન્ના નિકોલ સ્મિથ, લિન્ડસે લોહાન, નાઓમી કેમ્પબેલ, જેસિકા આલ્બા, બિયોન્સે નોલ્સ, જેસિકા સિમ્પસન, મારિઆ કેરી ઇત્યાદિ ઇત્યાદિ નામો ઉમેરી શકાય. હવે એમાંથી કેટલાંનાં પ્રકરણોમાં અકસ્માત હોય કે ઇરાદાપૂર્વકનું સ્ટંટ એ કળવું જરા મુશ્કેલ છે. એક તો ફેશન ઇન્ડસ્ટ્રી પોતાના ‘સ્કિન શો’ એટલે કે અંગપ્રદર્શન થાય અને અશ્લીલની કેટેગરીમાં મૂકી શકાય એવાં વસ્ત્રોને કારણે વગોવાતું હોય છે, એમાં ય આવા બનાવો બને એટલે બળતામાં પેટ્રોલ રેડાય. મજાની વાત એ છે કે હળાહળ ગ્લેમરથી ભરેલા આ ફિલ્ડમાં વોર્ડરોબ માલફંકશનના જેટલા કિસ્સા નોંધાયા છે એ બધા જ ફિમેલ મોડલ્સના જ છે!
બાય ધ વે, વાસ્તવિક પૃષ્ઠભૂમિ પર ફિલ્મો બનાવતા મધુર ભંડારકર ફેશન ઇન્ડસ્ટ્રીની પડદા પાછળની વાતો કહેતી ફિલ્મ ‘ફેશન’ બનાવી રહ્યા છે. એમાં તેમણે કેરોલ ગ્રેસિયસવાળું પ્રકરણ પણ મૂકયું છે. હમણાં જાન્યુઆરીમાં જ આ દૃશ્યનું શૂટિંગ અભિનેત્રી કંગના રણૌત પર ફિલ્માવવામાં આવ્યું. સૌના આશ્ચર્ય વરચે કંગનાએ આ દૃશ્ય કોઈ બોડી ડબલના ઉપયોગ વિના જાતે ભજવ્યું.
લેખક: જયેશ અધ્યારુ

No comments: