Monday, March 31, 2008

અડવાણીની આત્મકથા સત્ય,અર્ધસત્ય અને પલાયનવાદ

પ્રત્યેક રાજકારણી મહત્ત્વાકાંક્ષી હોય છે. અડવાણીની મહત્ત્વાકાંક્ષા દેશના વડાપ્રધાન બનવાની છે. આવનારી લોકસભાની ચૂંટણી અડવાણીની રાજકીય કારકિર્દીનો કદાચ અંતિમ અઘ્યાય હશે. વડાપ્રધાન બનવા અડવાણી માટેની એ છેલ્લી તક હશે. ખુદ અડવાણી આ વાતને સારી રીતે સમજે છે. સત્તાના એ અંતિમ લક્ષ્યને હાંસલ કરવા અડવાણી છેલ્લા એક વર્ષથી એડીચોટીનું જૉર લગાવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે અડવાણીએ ગત પખવાડિયે પ્રસ્તુત કરેલી પોતાની આત્મકથામાં કથા કમ અને કેફિયત જયાદા છે. રાજકારણી માટે હંમેશાં સત્ય અને પ્રિય બોલવું સરળ નથી હોતું. કટ્ટરવાદી હોવાની છાપ ધરાવતા અડવાણીનું આંતરિક વ્યકિતત્વ મૃદુ છે. મિતભાષી અડવાણીની આદત મરતાને મર કહેવાની નથી. અડવાણી શુષ્ક રાજકારણી નથી. હિન્દી ફિલ્મોથી માંડીને ક્રિકેટની મેચ જૉવાના શોખીન અડવાણીએ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી છે, હિન્દી ફિલ્મના રિવ્યૂ લખ્યા છે. સામયિકોનું સંપાદન કર્યું છે. અડવાણી સંવેદનશીલ રાજકારણી છે. પ્રભાવશાળી વકતા છે. પોતાની વાત તર્ક, તથ્ય અને તટસ્થભાવ સાથે રજૂ કરવાની વિશિષ્ટ વાક્પટુતા ધરાવતા અડવાણીએ આત્મકથામાં એ શૈલીનો ભરપૂર ઉપયોગ કર્યો છે.

અડવાણીએ ‘માય કન્ટ્રી, માય લાઈફ’ નામની ૯૦૦ પાનાંની દમદાર અને દળદાર આત્મકથામાં શકય હોય ત્યાં સત્ય કહેવાની કોશિશ કરી છે પરંતુ કયાંક અર્ધસત્ય અને પલાયનવાદનાં દર્શન થાય છે. અડવાણીએ આ પુસ્તક ગણતરીપૂર્વક ચૂંટણી પહેલાં અને બજેટ પછી એક રાજકીય ચર્ચા છેડવા પ્રસ્તુત કર્યું છે. પુસ્તકની નકલ વાજપેયી, સોનિયા અને બાળ ઠાકરેને ધેર જઈ સ્વહસ્તે આપીને અડવાણીએ રાજકીય જનસંપર્ક યાત્રાનો આરંભ કર્યો છે. સમગ્ર પુસ્તકનો સાર એ છે કે અડવાણી ખરેખર આપ ધારો છો એવા રાજકીય કટ્ટરવાદી, હિન્દુવાદી, મુસ્લિમ વિરુદ્ધ અને સંઘના પીઠ્ઠુ નથી. અડવાણી મુત્સદી નેતા છે અને વડાપ્રધાન થવા માટે હાલમાં ઉપલબ્ધ નેતાઓમાં એક શ્રેષ્ઠ ઉમેદવાર છે.

બાબરી મસ્જિદ ઘ્વંસનું અત્યંત ઝીણવટપૂર્વક વર્ણન કરતાં અડવાણી કહે છે કે, ‘લખનૌથી પાંચમી ડિસેમ્બરની મધરાતે જાહેરસભા પતાવીને હું અયોઘ્યા પહોંરયો અને છઠ્ઠીએ સવારે તૈયાર થઈને સરયૂ નદીના કાંઠે પ્રતીકાત્મક કારસેવામાં ભાગ લેવા ગયો હતો. ત્યાંથી કલાકેક બાદ રામકથા કુંજમાં મને લઈ જવાયો. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સહિત રામ મંદિર નિર્માણ ઝુંબેશના તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા! જાહેરસભા શરૂ થવાની તૈયારી હતી ત્યાં એક કાર્યકર્તાએ આવીને કહ્યું કે, કેટલાક યુવાનો વિવાદાસ્પદ ઢાંચા પર ચઢીને તોડફોડ કરી રહ્યા છે. (અડવાણી બને ત્યાં સુધી મસ્જિદ શબ્દ પ્રયોજવાનું ટાળે છે.) અડવાણીએ સ્વયં આ દૃશ્ય જૉયું અને હતાશ થયા. વ્યથિત અડવાણી અને અન્ય નેતાઓએ સિનિયરો અને કાર્યકરોને કહ્યું કે, ત્યાં જઈને તોડફોડ અટકાવો પરંતુ આ અપીલ બહેરા કાને અથડાઈ. સંઘના વરિષ્ઠ એચ.વી.શેષાદ્રીએ અનેક ભાષાઓ જાણતા હોવાથી તમામ ભાષાઓમાં માઈક પર અવારનવાર વિનંતી કરી. છેલ્લે રાજમાતા વસુંધરા રાજે સિંધિયાએ માતા તરીકે સૌ સંતાનોને નીચે તરી જવા વિનંતી કરી. કોઈ પ્રતિસાદ ન સાંપડયો. અડવાણીએ ફાયર બ્રાન્ડ ઉમા ભારતીને મોકલ્યાં. તેઓ પણ નિષ્ફળ નીવડયાં. ત્યાર બાદ પ્રમોદ મહાજનને મોકલ્યા તેઓ પણ થોડી વારમાં હાથ ઘસતા પાછા આવ્યા. હું સ્વયં ત્યાં જવા તૈયાર થયો તો મારી મહિલા સિકયુરિટી ઓફિસરે મને અટકાવતા કહ્યું કે, અડવાણીજી આપની સુરક્ષાની જવાબદારી અમારી છે. આપ ઘટનાસ્થળે નહીં જઈ શકો. આ દલીલ ચાલતી હતી ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના વડા અશોક સિંઘલ જાતે ઘટનાસ્થળે પહોંરયા છતાં, આક્રમક ટોળું કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું. મને કહેવામાં આવ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહ લખનૌમાં જ છે. મેં કલ્યાણસિંહનો સંપર્ક કરવા ફોન શોધવાની કોશિશ કરી પરંતુ સંપર્ક ન થયો. ત્યાં જ પહેલો ગુંબજ ધરાશાયી થવાનો અવાજ સંભળાયો. થોડી વારમાં બાકીના બંને ગુબજૉ જમીનદોસ્ત થયા અને ટોળાએ ચિચિયારીઓ કરી મીઠાઈ વહેંચવાની શરૂઆત કરી, અને મને મીઠાઈ અપાઈ. મેં સ્વીકારવાનો ઈન્કાર કરતાં કહ્યું કે આજના દિવસે હું મીઠાઈ નહીં ખાઈ શકું. દરમિયાનમાં કલ્યાણસિંહ સાથે વાત શકય બની. મેં કલ્યાણને કહ્યું કે સુપ્રીમ કોર્ટને સુરક્ષાની આપેલી ખાતરીનું તમારી સરકાર પાલન કરી શકી નથી, માટે તમારે તાત્કાલિક રાજીનામું આપવું જૉઈએ. કલ્યાણે ‘હા’ પાડી, મેં તાત્કાલિક જાહેરાત કરી કે, લોકસભામાં વિપક્ષી નેતા તરીકે હું રાજીનામું આપીશ. લખનૌ પહોંચીને મેં લોકસભા અઘ્યક્ષને મારું રાજીનામું મોકલી દીધું હતું, પરંતુ અયોઘ્યાથી લખનૌ જતાં ૧૩૫ કિ.મી.ના રસ્તામાં ઠેર-ઠેર ઉજવણીનો માહોલ હતો. અયોઘ્યાથી અડધા કલાકના અંતરે એક સ્થળે પોલીસે અમારી ગાડી રોકી. મને અને મહાજનને જૉઈને એક પોલીસ અધિકારી અમારી પાસે આવીને બોલ્યો, ‘અડવાણીજી કુછ બચા તો નહીં ને? બિલકુલ સાફ કર દિયાના?’ અડવાણીએ પુસ્તકમાં નોંઘ્યું છે કે, બાબરી ઘ્વંસ પછી ઠેર-ઠેર ઉન્માદ અને વિજયોત્સવનો માહોલ હતો.

અડવાણીના આ પુસ્તકમાં મનમોહનને સૌથી નબળા અને નિષ્ફળ વડાપ્રધાન લેખાવવામાં આવ્યા છે. પરંતુ સાથોસાથ તેઓને સૌથી સફળ નાણામંત્રી પણ કહેવાયા છે. ૧૯૯૧ બાદ નરસિંહરાવના નેતૃત્વમાં ઉદારીકરણનો માહોલ શરૂ થયો ત્યારે વૈશ્વિકીકરણની નીતિની આકરી ઝાટકણી કાઢતાં ચંદ્રશેખરે લોકસભામાં મનમોહનને વિશ્વબેન્કના દલાલ કહ્યા હતા. અડવાણીએ વિપક્ષી નેતા તરીકે તાત્કાલિક આ મુદ્દે મનમોહનનો બચાવ કર્યો હતો. અડવાણી લખે છે કે, મારી પાર્ટીમાં આ બચાવ અંગે ગણગણાટ થયો હતો, પરંતુ મેં કહ્યું હતું કે, વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ મનમોહનને દલાલ ન કહી શકાય. પુસ્તકમાં સોનિયા ગાંધી અંગે સૌજન્યપૂર્વક વલણ દાખવતા અડવાણી કહે છે કે તેમના વિદેશી કુળ કે મૂળ સામે મારે વાંધો નથી. સોનિયાએ ૧૯૬૮માં લગ્ન કરીને ભારત આવ્યાં બાદ પંદર વર્ષ સુધી ભારતીય નાગરિકત્વ માટે અરજી ન કરી. કોઈ પણ વિદેશીને ભારતમાં રહેવા માટે મહત્તમ પાંચ વર્ષની પરવાનગી મળે છે. સોનિયાએ ૧૯૭૩ અને ૧૯૭૮માં અરજી કરી પાંચ-પાંચ વર્ષનું એકસટેન્શન મેળવ્યું. ૧૯૮૩માં રાજીવ વડાપ્રધાન બનશે એ નિશ્ચિત થયું ત્યાર બાદ જ નાગરિકત્વ મેળવ્યું. ૧૯૮૦માં ભારતીય નાગરિક ન હોવા છતાં સોનિયાએ ચૂંટણીમાં મતદાન શી રીતે કર્યું એવો સવાલ ઉઠાવતા અડવાણીએ બોફોર્સ કાંડ, કવાટ્રોચી સાથે સોનિયાના સંબંધોની વિગતે ચર્ચા કરતાં અંતે કહ્યું છે કે, સોનિયા આ દેશમાં વડાપ્રધાન ન થઈ શકે, કારણ કે તેઓ ભારતમાં જન્મ્યાં નથી. અમેરિકા અને ઈટાલીમાં પણ આજ કાયદો છે. હેનરી કિસિન્જર, મેડેલિન અલબ્રાઈટ જેવા અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ પાવરફુલ હોવા છતાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહોતા લડી શકયા. આ દેશમાં એની બિસેન્ટ અને સિસ્ટર નિવેદિતાને વિદેશી મૂળના હોવા છતાં લોકોએ સ્વીકાયાર્ં છે. સોનિયા પણ સ્વીકૃત છે. (પરંતુ વડાપ્રધાનપદે નહીં) એમ કહી અડવાણી ઉમેરે છે કે સોનિયાનાં સાસુ ઈન્દિરાજી અને પતિ રાજીવ ગાંધીની અકાળે વિદાયથી મને દુ:ખ અને સહાનુભૂતિ જરૂર છે. તેમની સામે હીણપતભર્યા આક્ષેપો કે મલીન પ્રચારયુદ્ધનો હું વિરોધી છું.

અડવાણીએ પુસ્તકના માઘ્યમ દ્વારા પોતાના વિશે અપપ્રચારને રદિયો આપી વાસ્તવિકતાનું વર્ણન કરવાની કોશિશ જરૂર કરી છે, પરંતુ કેટલાક વિવાદાસ્પદ મુદ્દે તેમણે મૌન રહેવાનું મુનાસિબ માન્યું છે. પોખરણમાં પરમાણુ પરીક્ષણ થવાનું છે એ વાત વાજપેયીના પ્રિન્સિપાલ સેક્રેટરી અને નેશનલ સિકયુરિટી એડવાઈઝર બ્રિજેશ મિશ્રાએ જયોર્જ ફર્નાન્ડિઝને સંરક્ષણ મંંત્રી તરીકે કરી હતી. પરંતુ અડવાણીને ઈરાદાપૂર્વક અજાણ રખાયા હતા અને છેલ્લી ઘડીએ કેબિનેટમાં સૌની હાજરીમાં આ વાત કરાતા અડવાણી રોષે ભરાયા હતા. અડવાણી આ મુદ્દે પુસ્તકમાં મૌન છે પરંતુ બ્રિજેશ મિશ્રા અંગે પોતાની નારાજગીની બાબત સ્પષ્ટ કરતાં કહે છે કે, એક વ્યકિત વડાપ્રધાન કાર્યાલયમાં બે હોદ્દા ભોગવે એ બાબત સામે જ મારો વિરોધ હતો, વ્યકિતગત નહીં. અડવાણીએ કંદહારકાંડ અંગે વડાપ્રધાન વાજપેયી અને વિદેશમંત્રી જશવંતસિંહ સાથેના વૈચારિક મતભેદોનો સ્વીકાર કર્યો છે. અડવાણી કહે છે કે, ત્રાસવાદીઓને લઈને જશવંતસિંહ કંદહાર ગયા એ બાબતથી હું અજાણ હતો. છતાં વધુ ચર્ચા ટાળતા અડવાણી કહે છે કે, પ્રધાનમંડળમાં હોવાના નાતે સામૂહિક જવાબદારીમાંથી હું છટકી શકું નહીં.

જશવંતસિંહે પોતાના પુસ્તકમાં લખેલાં તથ્યો અને અડવાણીની વાતોમાં વિરોધાભાસ ડીને આંખે વળગે છે. પરંતુ લાલજી એ બાબતે ચર્ચા માટે તૈયાર નથી. વાજપેયી સાથેના પચાસ વર્ષના રાજકીય સંબંધોમાં ભરતી અને ઓટ ચાલતી રહી છે. છતાં વાજપેયીને પોતે હંમેશાં સિનિયર માનતા હતા, અડવાણી ઉમેરે છે કે, ‘હર પરિવાર મેં મુખ્િાયા હોના ચાહિયે. વાજપેયી હમારે ‘મુખિયા’ હૈં.’ વાજપેયી સાથે રામ મંદિર નિર્માણના મુદ્દે વિવાદ થયો હોવાનો એકરાર કરતા અડવાણી કહે છે કે, વિશ્વ હિન્દુ પરિષદ સાથે ભાજપ આ ઝુંબેશમાં જૉડાયું એ વાજપેયીને ગમ્યું નહોતું, પરંતુ સામૂહિક નિવેદન સામે તેમણે નમતું જૉખ્યું હતું. તદાનુસાર ગુજરાતમાં રમખાણો પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે એમ વાજપેયી ઈરછતા હતા, પરંતુ રાષ્ટ્રીય કારોબારીમાં મોદી તરફી માહોલ જૉતાં વાજપેયીએ દુરાગ્રહ નહોતો સેવ્યો. ગુજરાતનાં રમખાણો દરમિયાન પોતે મુસ્લિમોને બચાવતા હોવાનું ગૌરવ લેતા અડવાણી કહે છે કે, રાજયસભાના ઉપાઘ્યક્ષ નઝમા હૈપતુલ્લાનો રમખાણો દરમિયાન ફોન આવ્યો. તેમના પતિ અકબરે મને અમદાવાદના મુસ્લિમ બોહરા વેપારીઓને બચાવવા વિનંતી કરતા મેં તરત મોદીને તાકીદ કરી હતી. સોમનાથ ચેટર્જીએ ફોન કરીને કહ્યું કે, ભાવનગરના સામ્યવાદી કોમરેડ્સ કહે છે કે ત્યાં એક મદરેસાને સળગાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. અડવાણીએ દરમિયાનગીરી કરી અને જાનહાનિ અટકી ગઈ. અડવાણીએ પરોક્ષ રીતે પોતાની ધર્મ નિરપેક્ષતા પુરવાર કરતાં કહ્યું છે કે મોહમ્મદ અલી જિન્હા અંગેનાં નિવેદનનો મને રંજ નથી. સંઘ પરિવારની નારાજગી અંગે ઝાઝી ટીકાટીપ્પણીમાં અડવાણી પડયા નથી. છતાં પુસ્તકમાં કેટલાક પ્રસંગો સંઘની દાદાગીરી છતી કરે છે. જશવંતસિંહને વાજપેયી પ્રથમ કેબિનેટમાં નાણાંમંત્રી બનાવવા ઈરછતા હતા. છતાં સંઘ પરિવારે અને સુદર્શનજીએ ઈન્કાર કરતાં વાજપેયીને છેલ્લી ઘડીએ જશવંતને પડતાં મૂકયા એ વિવાદ અંગે અડવાણી મૌન છે. પરંતુ વાજપેયીને વડાપ્રધાનને બદલે રાષ્ટ્રપતિ બનવા સંઘ પરિવારે (રજજુ ભૈયાએ) સમજાવ્યા હોવાનું સ્વીકારે છે. ૧૯૯૫માં અડવાણીએ મુંબઈની કારોબારીમાં વાજપેયીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કર્યા ત્યારે સંઘ પરિવારમાં નારાજગી થઈ હોવાનું કબૂલે છે. ૧૯૯૧માં વાજપેયીના સ્થાને અડવાણીને વિપક્ષી નેતા સંઘના ઈશારે બનાવાયા હતા. અને ૨૦૦૫માં જિન્હાકાંડ પછી અડવાણીને ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની સૂચના અપાઈ હોવાનો એકરાર અડવાણીએ કર્યો છે. પરંતુ સૂચના કોણે આપી એ મુદ્દે અડવાણી પુન: ચુપ્પી સાધે છે. સત્યનો વિકલ્પ મૌન નથી. છતાં મૌનની પણ આગવી ભાષા જરૂર છે. સત્ય, અર્ધસત્ય અને પલાયનવાદ છતાં ૫૯૫ રૂપિયાનું આ પુસ્તક (પોસાય તો) વાંચવાલાયક અને રસપ્રદ જરૂર છે.
પોઇન્ટ ઓફ વ્યૂ :
હું ખરેખર સંગઠનનો માણસ હતો, પરંતુ રથયાત્રાને કારણે નાહક મારી ઇમેજ કટ્ટરવાદી તરીકેની થઇ ગઇ. - લાલકૃષ્ણ અડવાણી
લેખક : અજય ઉમટ

પાંચ વર્ષમાં ગુજરાતનો ત્રણ ગણો વિકાસ થશે : કલામ

એફજીઆઈના એવોર્ડ સમારંભમાં પૂર્વ રાષ્ટ્રપતિનું ઉદ્બોધન
પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામે રવિવારે એફજીઆઈના વાર્ષિક ફંકશનમાં એવોર્ડ એનાયત કરવા માટે યોજાયેલા સમારંભમાં ગુજરાતના વિકાસની રૂપરેખા આપતાં ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે ગુજરાતના હાલના વિકાસના ગ્રાફને નજરમાં રાખીને એવો પણ આશાવાદ વ્યકત કર્યોહતો કે આગામી પાંચ વર્ષમાં જૉ આજ ગતિએ વિકાસ ચાલુ રહેશે તો ગુજરાતમાં ઔધોગિક ઉત્પાદન ત્રણ ગણું વધી જશે.
વડોદરાના ચંચી મહેતા ઓડીટોરિયમ ખાતે યોજાયેલા ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક એવોર્ડ ફોર એકસલન્સ સમારંભમાં ડૉ. અબ્દુલ કલામે ખાસ હાજરી આપી વિકાસની રૂપરેખા દોરી હતી. તેમણે પોતાના બહુ ચર્ચિત ૨૦-૨૦ વિઝનની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આ દર્શન હેઠળ ગ્રામ્ય અને શહેરી વિકાસ વરચેનું અંતર ઘટશે.
દરેક તેજસ્વી વિધાર્થી ઉરચ શિક્ષણની તક પ્રાપ્ત કરી શકશે. ઉપરાંત લોકો ભયમુકત બને અને દેશ આતંકવાદ મુકત બને તેવી અભિલાષા વ્યકત કરતાં તેમણે ગૌરવશાળી અને અનુકરણીય નેતૃત્વને દેશનું સુકાન સોંપવા લોકોને અપીલ કરી હતી. ‘ગુજરાતમાં ૫૧ જેટલા ‘સેઝ’ ની મંજૂરી અપાવાથી કેટલાક સ્તરે ગભરાટ ફેલાઈ રહ્યો છે પરંતું મારી ¼ષ્ટિએ એ અનાવશ્યક છે.’એમ જણાવતા ડો. કલામે ઉમેર્યુ હતું કે સેઝના માઘ્યમથી પણ વેલ્યુ એડેડ જૉબનુ નિર્માણ થઈ શકે અને તેમાં ખડુતોને પણ શામેલ કરી શકાય એવા સેઝ આદર્શ બની શકે.
૧૧મી પંચવર્ષીય યોજનામાં ગુજરાતના વૈચારિક આયોજનથી ગુજરાતમાં માથાદીઠ આવકમાં વધારો થાય તેવી આશા વ્યકત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૂડી રોકાણ કારોને આકર્ષવા માટે ગુજરાતની ક્ષમતાનો વિશેષ ઉપયોગ થઈ શકે. ખાસ કરીને સેઝની સ્થાપનાથી ગુજરાતના વિકાસને નવો વેગ મળશે રોજગારીની તકો વધશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. આ સાથે તેમણે ઔધોગિક ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવાની રાજય સરકારની નિતીને તેમણે સરાહી હતી.
ભ્રષ્ટાચાર દૂર કરવો છે?: પોતાનાથી જ શરૂ કરો : ડો. કલામ
આજે વડોદરા આવેલાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે દેશની મુખ્ય સમસ્યા પૈકીની એક એવા ભ્રષ્ટાચારના ભોરીંગને નાથવાના રામબાણ ઈલાજ તરફ અંગૂલી નિર્દેશ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર દૂર થાય તેવું સહુ કોઈ ઈરછે છે પણ તેને દૂર કરવાની શરૂઆત જયાં સુધી પોતાના ઘર આંગણાંથી કરવામાં નહિ આવે ત્યાં સુધી તેને નિર્મૂળ કરવો શકય નથી.
આજના બાળકને ગળથૂથીમાંથી જ ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણ મળે તે આપણે જૉવાની જરૂર છે. જૉ તેમ થાય તો જ આગામી પેઢી ભ્રષ્ટાચારથી ખરડાતી અટકી શકે અને તેવી રીતે ભ્રષ્ટાચાર મુકત ભારતનું નિર્માણ થઈ શકે.

Saturday, March 29, 2008

ભૂતાનમાં ઊગ્યું લોકશાહીનું અરુંણું પ્રભાત...

લેખક : દિનેશ રાજા ‘આસપાસ’

હિમાલયની ગોદમાં આવેલા આપણા ટચૂકડા પાડોશી દેશ ભૂતાને ૨૪મી માર્ચે ૧૦૦ વર્ષ જૂની રાજાશાહી ત્યાગીને લોકશાહી અપનાવી છે. આ પરિવર્તન અજોડ એટલા માટે છે કે, વિશ્વમાં જે કોઈ દેશમાં રાજાશાહી હતી, તેના લોકોએ તેની બેડીમાંથી મુક્ત થઈ પ્રજાનું પોતાનું શાસન, લોકશાહી સ્થાપવા માટે સામાન્ય રીતે ભારે લડત લડવી પડી છે, અનેક બલિદાન આપવાં પડયાં છે, જ્યારે ભૂતાનમાં તો એક પ્રજાવત્સલ રાજાએ 'જો આપણે પ્રગતિ કરવી હોય તો લોકશાહી અપનાવવી જોઈએ' એમ કહીને, સામે ચાલીને પોતાની પ્રજાને લોકશાહી ભણી દોરી છે અને "રાજા કહે છે, એટલે તેમાં આપણું ભલું જ હશે" એમ માનીને પ્રજાએ હિચકિચાટ સાથે લોકશાહીને માર્ગે પ્રયાણ કર્યુ છે. સામાન્ય પ્રજા તો ઠીક પણ ભૂતાનમાં તેની સંસદ-નેશનલ એસેમ્બલીની ચૂંટણી લડનાર બન્ને રાજકીય પક્ષોના નેતાઓએ પણ કહ્યું કે, વ્યક્તિગત રીતે અમારે પસંદગી કરવાની હોય તો અમે વર્તમાન રાજાના રાજ નીચે જ રહેવાનું પસંદ કરીએ.ભૂતાનની પ્રજાની આવી વિચારસરણી પછાત, સામંતશાહ મનોદશા નહિં પણ દૂરદ્વષ્ટિવાળા એક પ્રજા વત્સલ રાજાએ પોતાની પ્રજાના કલ્યાણ માટે જે કર્યુ તે વિષેના અહોભાવથી પ્રેરાયેલી છે.

૧૯૭૨ સુધી ભૂતાનની ગણના સૌથી પછાત અને ગરીબ દેશોમાં થતી હતી. દેશમાં રસ્તા, શાળા કે હોસ્પિટલ જેવી સુવિધાઓનો પણ અભાવ હતો. પરંતુ એ વર્ષે પોતાના રાજ્યાભિષેક પછી રાજા જિગ્મે સિંધ્યે વાંગ્ચૂકે, દેશને પ્રગતિના પંથે દોરવાનો આરંભ કર્યો. આજે ભૂતાનમાં પાકા રસ્તાઓ છે, શિક્ષણ તેમ જ આરોગ્ય વિષયક સેવા નિઃશૂલ્ક છે અને સર્વને પ્રાપ્ય છે. લગભગ બધા જ ગામોમાં પીવાનું શુદ્ધ પાણી અને વીજળી ઉપલબ્ધ છે. જીવનધોરણમાં સુધારો થવાથી અને આરોગ્ય વિષયક સેવાઓ નિઃશૂલ્કપણે સાર્વત્રિક રીતે પ્રાપ્ત થવાથી ભૂતાનના લોકોની આયુષ્યમર્યાદા, જે અગાઉ માત્ર ૪૦ વર્ષની હતી તે વધીને ૬૬ વર્ષની થઈ છે. ૨૦૦૬માં થયેલા એક વિશ્વવ્યાપી સર્વેક્ષણ અનુસાર, ભૂતાનને વિશ્વનો ૮મા નંબરનો હેપીએસ્ટ, (સુખી અને ખુશી) દેશ ગણવામાં આવ્યો હતો. છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન ભૂતાને ર્વાિષક ૭ ટકાના દરે આર્િથક વિકાસ સાધ્યો છે અને તેની સરેરાશ માથાદીઠ આવક ૧,૪૦૦ ડોલર એટલે કે, ભારતની સરેરાશ માથાદીઠ આવકથી બમણી છે. પોતાની આ પ્રગતિ રાજાને આભારી હોવાનું ભૂતાનની પ્રજા માને છે.

રાજા જિગ્મે સિંધ્યેે વાંગ્યૂકે એક સભામાં પોતાની પ્રજાને સંબોધન કરતાં ભારપૂર્વક કહ્યું કે, "જો આપણે પ્રગતિ સાધવી હોય તો પ્રજાએ લોકશાહી અપનાવીને પોતાનું ભાવિ પોતે જ નક્કી કરવું જોઈએ." તેમણે રોજબરોજનું શાસન ચલાવતા મંત્રીમંડળની રચના કરી. લોકશાહી અપનાવવાના પ્રથમ ચરણરૃપે વચગાળાનું બંધારણ ઘડયું અને તે અન્વયે ૨૦૦૮માં ચૂંટણી યોજવાની જાહેરાત કરી. આ બંધારણ અનુસાર ભૂતાનમાં પણ આપણી સંસદની જેમ બે ગૃહો છે. એક આપણી રાજ્યસભા જેવું ઉપલું ગૃહ નેશનલ કાઉન્સિલ અને લોકસભાને સમકક્ષ નેશનલ એસેમ્બલી છે. રાજ્યસભા જેવા ઉપલા ગૃહ નેશનલ કાઉન્સિલમાં ૨૦ સભ્યોની ચૂંટણી થાય છે, જ્યારે પાંચ સભ્યોને રાજા નિયુક્ત કરે છે. નેશનલ કાઉન્સિલ તેમ જ એસેમ્બલી બન્નેમાં ચૂંટાવા માટેની લઘુતમ વય ૧૮ વર્ષની અને લઘુતમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટની નિયત કરવામાં આવી છે. આમ, ભૂતાન જેવા ટચૂકડા દેશે પ્રજા પ્રતિનિધિ પૂરતું ભણેલો, શિક્ષિત હોવો જોઈએ એવો જ આગ્રહ રાખ્યો છે તે નોંધપાત્ર છે. ભૂતાનમાં પણ લોકશાહીની સ્થાપના પછી રાજા બંધારણીય વડા રહે તેવી જોગવાઈ છે. નેશનલ એસેમ્બલીની સભ્ય સંખ્યા ૪૭ છે. જે માટે ૪૭ મતક્ષેત્રોની આકારણી કરવામાં આવી છે. ૨૦૦૮માં નિયત થયેલી ચૂંટણી સફળતાથી યોજી શકાય અને લોકશાહીની આ પ્રક્રિયાથી અત્યાર સુધી માહેર ન હોવાથી પ્રજા એ માટે તૈયાર થઈ શકે તે માટે ભૂતાનમાં એપ્રિલ ૨૦૦૭માં મોક ઈલેક્શન યોજવામાં આવેલ.૨૦૦૮ની ચૂંટણી માટે ચૂંટણીપંચે બે રાજકીય પક્ષોને માન્યતા આપી. તેમાં ભૂતાન પીસ એન્ડ પ્રોસ્પેરીટી પાર્ટી (ડી.પી.ટી.)ની રચના અગાઉની ભૂતાન પીપલ્સ યુનાઈટેડ પાર્ટી અને ઓલ પીપલ્સ પાર્ટીના જોડાણથી થઈ છે. તેનું નેતૃત્વ ભૂતપૂર્વ વડાપ્રધાન જીગ્મે થીન્લે કરે છે. બીજો પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી છે. ભૂતાનના બંધારણ અનુસાર ચૂંટણી ઝુંબેશનું ખર્ચ રાજ્ય ભોગવે છે. એટલે ચૂંટણી પંચ તેના પર કડક નિગેહબાની રાખે છે. ચૂંટણી પ્રચારના ખર્ચમાં કોઈ અતિરેક કે ગેરરીતિ થવાનો અવકાશ રહેતો નથી અને ચૂંટણી પ્રચાર પણ નિયત ધોરણ અનુસાર તેની મર્યાદામાં રાખવો પડે છે. આપણા દેશમાં આવી પદ્ધતિ અપનાવવા માટે હિમાયત તો થયા કરે છે પણ સરવાળે મીંડુ ! જેનું કારણ સર્વવિદિત છે.

નેશનલ એસેમ્બલી માટે ૨૪મી માર્ચના રોજ યોજાયેલ ચૂંટણી માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ભારતે આપ્યા.૨૪મી માર્ચે યોજાયેલી ચૂંટણીમાં ૮૦ ટકા મતદાન થયું. ભૂતપૂર્વ વડાપ્રધાન જિગ્મે થીન્લેના નેતૃત્વવાળી ભૂતાન પીસ એન્ડ પ્રોસ્પેરીટી પાર્ટીને ૪૭માંથી ૪૪ બેઠકો પર જ્વલંત વિજય મળ્યો. તેને ૧,૬૯,૪૯૦ એટલે કે કુલ મતદાનના ૬૬.૯૯ ટકા મત મળ્યા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને માત્ર ૩ બેઠકો મળી. તેને ૩૩.૦૧ ટકા મત મળ્યા. હવે પ્રજા પ્રતિનિધિ ગૃહની વિધિવત રચના થઈને નવા મંત્રીમંડળની રચના થાય ત્યારે રાજા જીગ્મે સિંધ્યે વાંગ્ચૂકે અગાઉ જાહેર કર્યા અનુસાર પોતે પદ ત્યાગ કરશે અને ઓક્સફોર્ડ યુનિર્વિસટીમાં ઉચ્ચ શિક્ષણ લીધેલા તેમના યુવાન રાજકુમાર તેમના અનુગામી બનીને દેશના બંધારણીય વડાનું પદ સંભાળશે. પ્રથમ પ્રજાકીય સરકાર, તેના રાજવીએ તેના શાસન દરમિયાન ઘડેલી પંચવર્ષીય યોજના આગળ વધારવાને સર્વોચ્ચ અગ્રતા આપશે એવી વિજેતા પક્ષે જાહેરાત કરી છે.

જગતના બધા જ દેશો પોતાની પ્રગતિ અને સમૃદ્ધિને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કે રાષ્ટ્રીય આવકના માપદંડથી માપે છે. પણ ભૂતાને 'ગ્રોસ નેશનલ હેપીનેસ' 'કુલ રાષ્ટ્રીય સુખ'ના માપદંડથી માપવાનો સાવ અનોખો અભિગમ અપનાવ્યો છે. યુનો અને વિશ્વ બેન્ક પણ આ અભિગમથી પ્રભાવિત થઈને તેને બીજા પણ અપનાવે તેમ ઈચ્છે છે. રાજાશાહીમાંથી લોકશાહીમાં પ્રવેશ્યા પછી પણ ભૂતાનના સરેરાશ પ્રજાજનના મનમાં એ પ્રશ્ન છે કે, લોકશાહીમાં આ "ગ્રોસ નેશનલ હેપીનેસ"નો વધારો થશે તો ખરો ને ?

સામ પિત્રોડાને ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ

કેનેડા ઇન્ડિયન ફાઉન્ડેશન (સીઈએફ)એ જાહેરાત કરી છે કે, તેઓ ઇન્ડિયન નોલેજ કમિશનના અધ્યક્ષ શ્રી સામ પિત્રોડાને પહેલા વાર્ષિક ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડથી સન્માનિત કરશે. પિત્રોડાને ટેલિકોમક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ લાવવા બદલ આ સન્માન આપવામાં આવશે. આ એવોર્ડમાં ૫૦,૦૦૦ ડોલર અને એક ટ્રોફી એનાયત કરવામાં આવશે. સામ પિત્રોડાને આ એવોર્ડ પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ૧૮મી એપ્રિલે ટોરન્ટો ખાતે યોજાનાર એક સમારંભમાં એનાયત કરવામાં આવશે.

આ ભવ્ય સમારંભમાં કેનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્પર અને ઓનટારિયોનાડેવિડ મેકગીન્ટી પણ હાજર રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ૪૦૦ અગ્રણીઓ પણ ભાગ લેશે.

સીઆઈએફના સહ સંસ્થાપક અને ટોરન્ટોના ઇન્ડો કેનેડિયન ઉદ્યોગપતિ વાસુદેવ ચંચલાનીએ આ એવોર્ડ સ્પોન્સર કર્યો છે અને તે માટે ૧ મિલિયન ડોલરનું ભંડોળ ભેગું કર્યું છે. ગ્લોબલ લિડરશિપ વિઝન અને પર્સનલ એક્સીલન્સને ધ્યાને રાખી દર વર્ષે આ એવોર્ડ કોઈ ભારતીયને એનાયત કરવામાં આવે છે.

રાજયના મહાનગરોમાં હવે મીટરથી પાણી : બીલ આવશે

પાણી પણ હવે પાણીના મૂલે નહીં મળે , અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં પાણીનાં મીટર નખાશે
રાજયની તમામ મહાનગરપાલિકામાં પાણી મીટરથી આપવા માટેની યોજના રાજય સરકારની વિચારણામાં છે. આ અંગે પાણી પુરવઠા વિભાગે સર્વે કરી યોજના સરકારમાં મોકલી આપી છે. પુરવઠા વિભાગે આ પૂર્વે રાજયનાં કેટલાંક ગામડાઓમાં પ્રાયોગિક ધોરણે મીટર નાખતાં તેનાં પરિણામો સારાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતા મહાનગરપાલિકાએ કોલકાતામાં એક લાખ ઘરમાં પાણીનાં મીટર લગાવવાનો નિણર્ય કર્યોછે. અગાઉ તેમણે પ્રાયોગિક ધોરણે તેનો અમલ કરી હવે સમગ્ર શહેરમાં તબક્કાવાર તેનો અમલ કરવાનો નિણર્ય કર્યોછે. કોલકાતામાં ૧ હજાર લિટર પાણી મફત આપવાની યોજના છે. ત્યાર બાદ દર હજાર લિટરે રૂ. ૧૦થી ૧૨ નક્કી કરાયા છે.

પાણી પુરવઠા વિભાગે રાજયમાં પાણી વિતરણ વ્યવસ્થા પાછળ થતો ખર્ચ પૂરેપૂરો વસૂલ કરી શકાય તે માટે મીટર લગાવવાં જરૂરી છે અને આ માટે પાણી પુરવઠા વિભાગે પ્રાયોગિક ધોરણે રાજયનાં કેટલાંક ગામડાંમાં મીટર લગાવ્યાં છે, જેનાં પરિણામ સારાં આવ્યાં હોવાથી મહાનગરોમાં આ યોજનાના અમલ માટેની દરખાસ્ત મોકલી છે.

વિશ્વના ઘણા દેશોમાં પાણીનાં મીટર લગાવવામાં આવ્યાં છે. ભારતમાં બેંગ્લોર તથા જમશેદપુરમાં ડેમથી પાણી છેક સુધી પહોંચીને વપરાય તે માટે સરળ ટેક્નિક ઊભી કરી છે. રાજયનાં લગભગ ૧૦ હજાર ગામોમાં પીવાનાં પાણીની વિતરણવ્યવસ્થા માટે રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ કરાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પીવાનું પાણી મીટરથી આપવા સરકારે ગંભીર વિચારણા હાથ ધરી છે.

પ્રોજેકટ રિપોર્ટમાં મીટર કઈ રીતે લગાવવું તેની માહિતી પણ આપી છે. પંપિંગ સ્ટેશનથી જતી પાઇપલાઇન પર વોટર મીટર લગાવાશે અને ત્યાર બાદ ઘરે-ઘરે પાણીનાં જોડાણ આગળ મીટર લગાવવાની યોજના છે.

આ અંગે ભૂતકાળમાં અમદાવાદના તાત્કાલીન મ્યુનિ. કમિશનર આર.કે. ત્રિપાઠીએ કોમર્શિયલ એકમોમાં મીટરથી પાણી આપવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની બદલી થઈ જતાં પ્રો-રેટા આધારિત પાણી આપવાની યોજના હાલ અમલી છે.સરકાર દ્વારા જે વિચારણા ચાલે છે એમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ તમામ એકમોમાં મીટરથી જ પાણી આપવાની યોજના છે. જેનાથી પાણીનો બગાડ અટકશે અને લોકો પાસેથી તેનું વળતર પણ વસૂલાશે.

મીટરથી પાણી આપવાની યોજનામાં પ્રોપર્ટી ટેકસનાં બિલમાંથી પાણીની રકમ અલગ કરી મીટરનું બિલ આપવામાં આવશે અને તેમાં નિયત કરેલ પાણીના કવોટાની ઉરચક રકમ લેવાશે અને ત્યાર બાદ મીટરના રીડિંગ મુજબ બિલ આપવામાં આવશે.

વોટર મીટરથી મ્યુનિ.ની આવક વધશે. સાથોસાથ પાણીની વિતરણવ્યવસ્થા પણ મજબૂત બનશે એવો દાવો સરકારનો છે. આ ઉપરાંત હાલ રાજયની સાત મહાનગરપાલિકામાં સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવે છે. સરકાર હવે ટૂંક સમયમાં નર્મદાનાં પાણીના દર પણ નક્કી કરવાની હોઈ મહાનગરપાલિકા ઉપર બોજો પડવાનો છે અને આ બોજો દૂર કરવા મ્યુનિ. પાસે ટેકસની રકમમાં વધારો કરવાને બદલે જે જેટલું પાણી વાપરે તેટલું બિલ ભરે એ દિશામાં આગળ વધવા વિચારણા ચાલી રહી છે.
વોટર મીટર કેવાં હશે?

સામાન્ય રીતે મીટરમાં ક્ષાર કે કચરો જવાથી મીટર બંધ થઈ જાય છે એવી દલીલ હાલના મ્યુનિ. અધિકારીઓ કરી રહ્યા છે. નવા મીટરમાં કચરો પ્રવેશતાં અટકી જશે અને સ્ટેનરની બોડી કે કાસ્ટ આયર્નનાં મીટર હોવાથી તે બગડશે નહીં. ઉપરાંત ન્યૂનતમ ૧૦ ઘનમીટર પાણી વહન કરવાની ક્ષમતા તેમાં હશે.

મીટરની અંદરની બોડી પ્લાસ્ટિકની હશે. પાણી પુરવઠા વિભાગે વોટર મીટરનો લાંબા સમયથી ઉપયોગ કર્યા બાદ કેટલાક ધારધોરણ નક્કી કરી વોટર મીટર નક્કી કર્યાં છે અને એકવાર મીટર લાગ્યા બાદ બે વર્ષ સુધી તેના નિભાવની જવાબદારી ઇજારદાર પાસે રહેશે. એટલું જ નહીં આ સમય દરમિયાન મીટર બગડી જાય તો વિનામૂલ્યે બદલવાની જોગવાઈ પ્રોજેકટમાં કરાઈ છે.

નોકરીઓ માટે સુવર્ણ દોર

ભારતીય અર્થવ્યવસ્થાની ચમત્કારિક કથા આજે અસંખ્ય લોકોનાં સપનાંઓ સાકાર કરવામાં સફળ થઈ રહી છે. હજારોની સંખ્યામાં લોકો પોતાના ઉધોગ અને નોકરીઓમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે
સૌથી પહેલા કેટલાક આંકડાઓ પર નજર નાખીએ: ભારતનો સરેરાશ જીડીપી વિકાસ દર છેલ્લાં આઠ વર્ષમાં આઠ ટકા અને બે વર્ષથી નવ ટકા છે, જે ચીનથી થોડો જ ઓછો છે. ભારતની ૪૧ ટકા વસતીની ઉંમર ૧૫થી ઓછી છે, ૫૪ ટકાની વય ૨૫ વર્ષથી ઓછી છે અને ૭૧ ટકાની વય ૪૦ વર્ષથી ઓછી છે. આનાથી ઊલટું અમેરિકાની ૬૪ ટકા વસતીની વય ૩૫ વર્ષથી ઉપર છે. બ્રિટનમાં આ આંકડો ૬૬ ટકા અને જાપાનમાં ૭૦ ટકા છે.

અલબત્ત, એ પણ નોંધવું જરૂરી છે કે ભારતમાં ૩૫ વર્ષથી ઓછી વય ધરાવનારા કુલ લોકોમાં લગભગ અરધા લોકો શિક્ષિત કે તાલીમ પામેલા નથી. તેમના માટે સંગિઠત ક્ષેત્રમાં રોજગારીની તક નહિવત્ છે. એટલે કે ભારત માટે આજનો પડકાર માત્ર યુવાન નહિ, માત્ર ડિગ્રી નહિ, બલકે સૌ માટે શિક્ષણ અને આવશ્યક તાલીમ છે, જેનાથી, દસમા ધોરણ પાસ થયેલાને એવી તાલીમ મળવી જૉઈએ, જેનાથી તેમને ભવિષ્યમાં નોકરી મળે.

આપણે ત્યાં દસમું અને બારમું પાસ થયેલા યુવાનોને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળતી થાય તો આપણો દેશ સમગ્ર વિશ્વને શિક્ષિત અને કૌશલ્યવાન માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવામાં અગ્રણી બની જાય. વિશ્વના વિકસિત દેશો પોતાની આર્થિક પ્રગતિ જાળવી રાખવા માટે પણ ભારતીય શ્રમશકિત પર અવલંબિત બનશે.

તો ચાલો જોઈએ કે કયા કયા ક્ષેત્રમાં અસીમ સંભાવનાઓ રહેલી છે:

રિટેલ: આ ક્ષેત્રની મુખ્ય કંપની પેન્ટાલૂનને જ બે લાખ સેલ્સમેન્સ અને આશરે ૫૦,૦૦૦ મેનેજર સ્તરના લોકો જૉઈએ છે. સ્થિતિ એ છે કે તેમને આ સંખ્યાના દસ ટકાથી પણ ઓછા કૌશલ્યવાન યુવાનો મળી રહ્યા છે. નવી કંપનીઓ જેવી કે- વૉલમાર્ટ, માકર્સ એન્ડ સ્પેન્સર, રિલાયન્સ ફ્રેશ, સુવિધા, મોર વગેરેની તો વાત જ નથી કરતા. સંગિઠત રિટેલ ક્ષેત્રમાં અનુભવ નહિ ધરાવતા લોકોની સંખ્યા લગભગ એક કરોડ છે. અને આ એવા કર્મચારી છે, જે દુકાનોમાં મેનેજર, સેલ્સમેન, પ્રમોશન-ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરેનું કામ કરે છે.

માર્કેટિંગ કમ્યૂનિકેશન: એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીએ છેલ્લાં ત્રણ વાર્ષિકમાં વાર્ષિક ૨૬થી ૩૨ ટકા પ્રગતિ હાંસલ કરી છે. પબ્લિક રિલેશન્સના ક્ષેત્રમાં ૪૦ ટકાથી વધુ વિકાસ હાંસલ કર્યોછે. આ આંકડા દેશની સરેરાશ જીડીપીના વિકાસ દર કરતાં ચાર ગણા સુધી વધારે છે. વિખ્યાત મેનેજમેન્ટ કંપની અર્નેસ્ટ એન્ડ યંગના એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં આ ત્રણ વર્ષમાં પીઆર અને ઇવેન્ટ્સ ક્ષેત્રમાં લગભગ ૨૫,૦૦૦ તાલીમી લોકોની જરૂર હતી અને તેમને એક હજાર લોકો પણ મળ્યા નહોતા. આ કારણે આ ઉધોગોમાં અર્ધકુશળ લોકોથી કામ ચલાવવું પડે છે.
દેશની જુદી જુદી મીડિયા અને જનસંચાર ઇન્સ્ટિટયૂટસમાં મીડિયા અંગે સામાન્ય પ્રકારનું શિક્ષણ અને તાલીમ અપાય છે, પરંતુ સંચાર ઉધોગના અન્ય વિભાગ જેવા કે એકાઉન્ટ પ્લાનિંગ, એડવર્ટાઇઝિંગ, માર્કેટ કમ્યૂનિકેશન, માર્કેટ રિસર્ચ, બિઝનેસ ડેવલપમેન્ટ, ક્રાઇસીસ મેનેજમેન્ટ, ઇવેન્ટ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ, બ્રાંડ કમ્યૂનિકેશન વગેરે અંગે વિશેષ્ામાં કશું શીખવવામાં આવતું નથી. જયારે માર્કેટમાં એ જાણકારીનું જ મહત્ત્વ હોય છે. વળી, મોટા ભાગની સંસ્થાઓમાં ઉધોગમાં ઇન્ટર્નશિપ કરાવવાનો કે પ્રોજેકટના પોર્ટફોલિયો બનાવવાનો એટલો મહાવરો કરાવવામાં આવતો નથી, જેટલો કરાવવાની જરૂર હોય છે.

મીડિયા: ફિલ્મ ઉધોગમાં ૧૮થી ૨૨ ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે અને આવક વધારવાની નવી નવી રીતો અપનાવાઈ રહી છે. મોટી મોટી વિદેશી કંપનીઓ અને કોર્પોરેટ ગૃહો આવતાં કહી શકાય કે એક સમગ્ર મનોરંજન ઉધોગનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં ફિલ્મ, સંગીત, મનોરંજન કાર્યક્રમ, રેડિયો, ટેલિવિઝન કાર્યક્રમ વગેરેનો સમાવેશ થાય છે.
આ ક્ષેત્ર વાર્ષિક ૨૦ ટકાના દરે વિકસી રહ્યું છે. જે દેશની જીડીપીના વિકાસ દર કરતાં બમણાથી વધુ દર છે. આ ક્ષેત્રમાં ફિલ્મ જૉનારા અને તેમાં કામ કરનારાઓની કોઈ ખોટ નથી. દેશભરમાં અનેક કંપનીઓ જેવી કે, એડ લેબ્સ, ફેમ, પીવીઆર અને ઇનોકસ ૬૦૦૦થી વધુ સિનેમા સ્ક્રીન ઊભી કરવા જઈ રહી છે. ફિક્કીના એક અંદાજ અનુસાર આ સમગ્ર ઉધોગનું કદ વાર્ષિક લગભગ ૮૦,૦૦૦ કરોડથી વધુ મોટું છે. એટલું જ નહિ આવનાર ત્રણ-ચાર વર્ષમાં તેનું કદ ૧,૫૦,૦૦૦ કરોડથી મોટું થવાની સંભાવના છે.
આ સંજૉગોમાં આ ઉધોગમાં કુશળ અને લાયકાત ધરાવતા લોકોની જરૂર મોટી સંખ્યામાં ઊભી થશે અને આ ક્ષેત્રમાં આવનાર લોકો નવી ટેકનોલોજી અને જરૂરિયાતથી વાકેફ હોય એ જરૂરી હશે. એટલે આજે ડિજિટલ ફિલ્મ પ્રોડકશન, સ્ક્રિપ્ટ અને પટકથા લેખન, ડિજિટલ ફોટોગ્રાફી, ડિઝાઇન, સંગીતનિર્માણ વગેરેમાં મોટી સંખ્યામાં તાલીમબદ્ધ યુવાનોની જરૂર ઊભી થવાની છે.

ઇન્ફર્મેશન ટેકનોલોજી: આઇટી ક્ષેત્રમાં આવેલી સુસ્તી છતાં તેનો વિકાસ થંભી ગયો નથી. છેલ્લા દાયકાની જરૂરિયાતનું હવે વધુ મહત્ત્વ રહ્યું નથી. કારણ કે ત્યારે કમ્પ્યૂટર પર સામાન્ય કામ કરનારાની પશ્ચિમી દેશોમાં ભારે માગ હતી. હવેનો સમય એવો છે કે એવા લોકોની જરૂરિયાત ઊભી થઈ છે, જેઓ આઇટીના સિદ્ધાંતોનો ઉપયોગ શિક્ષણ, કૃષિ, ચિકિત્સા અને વહીવટીતંત્ર જેવાં ક્ષેત્રોમાં કરી શકે.
ભારતીય અર્થવ્યવસ્થાની ચમત્કારિક કહાણી આજે અસંખ્ય લોકોનાં સપનાંઓ સાચાં પાડવામાં સફળ થઈ રહી છે. હજારો-લાખો લોકો પોતપોતાના ઉધોગો અને નોકરીઓમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે. આ સંજૉગોમાં આજે જરૂરી એ બન્યું છે કે આ સફળતાને દેશની વસતીના એ હિસ્સા સુધી લઈ જઈ શકાય, જે તેના લાભથી વંચિત છે.
એ માટે અર્થવ્યવસ્થાને વ્યાપક બનાવવા કરતાં વધુ જરૂરી છે બેઝિક અને પ્રાથમિક શિક્ષણ બધા સુધી પહોંચાડવામાં આવે અને ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય અને રોજગાર ગેરન્ટી જેવા કાર્યક્રમોના લાભ છેક છેવાડેની વ્યકિત સુધી પહોંચાડવામાં આવે. ઘણું બધું થઈ રહ્યું છે, પરંતુ ઘણું બધું હજી બાકી રહી જાય છે. આ સ્થિતિમાં અસંતુષ્ટ કે વિચલિત થવાથી કશું મળવાનું નથી. બધા સ્તરે યોગ્ય યોગદાનની જરૂર છે.
(લેખક : પ્રો. ઉજજવલ કે. ચૌધરી સિંબિયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, પુણેમાં ડીન છે.)

Friday, March 28, 2008

ફુગાવાનો ફણીધર ફરી ફુત્કારે છે

પ્રા. આર. સી. પોપટ (‘શુકદેવ’) ‘અર્થકારણના પ્રવાહો’

અત્યારે ચોરે અને ચૌટે- રોડ ઉપરના લારી-ગલ્લાથી માંડીને રિઝર્વ બઁકના કર્મચારીઓના ટેબલો સુધી- ભારે ઉત્કંઠા અને ચિંતા સાથે બે બાબતો ચર્ચાઈ રહી છે- એક તો શેરબજારમાં સેન્સેક્સના સતત અધ:પતનની અને બીજી, મોંઘવારીના આંકના સતત ઉર્ધ્વગમનની. એક આંક-ઇન્ડેક્સ- નીચે ગબડી રહ્યો છે તેની ચિંતા છે, તો બીજો આંક છપ્પર ફાડીને સતત ઊંચે જઈ રહ્યો છે તેની ચિંતા છે. આ બંને એકસાથે બનતી રહેલી ઘટનાઓ વચ્ચે કોઈ ર્તાિકક અનુબંધ રહેલો છે કે કેમ તે એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. પહેલો શેરબજારનો પ્રશ્ન આમઆદમીનો નથી, પરંતુ બીજો પ્રશ્ન અવશ્યપણે આમઆદમીનો છે. પહેલો પ્રશ્ન મોટા ગજાના મૂડીવાળાઓનો છે, આમઆદમીને ભાગ્યે જ તેની સાથે કંઈ લેવાદેવા છે, તો બીજો પ્રશ્ન નીચી મૂડીવાળા સામાન્ય માનીવનો છે. મોટા ભાગના મૂડીવાળાઓને તે ભાગ્યે જ સ્પર્શે છે. આપણે અહીં આમઆદમીના- મારા અને તમારા- પ્રશ્નની ચિંતા કરવી છે.
ભારત સરકારે તૈયાર કરેલી ૨૦૦૭-૦૮ના વર્ષની આર્િથક સમીક્ષામાં વીતેલા વર્ષ દરમ્યાન જોવા મળેલા ફુગાવાના વલણ માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિઝર્વ બઁકે પણ તેના વખતોવખતનાં અવલોકનોમાં આ બાબતને ચિંતાજનક ગણાવી છે, પરંતુ હમણાં હમણાં ૨૦૦૭-૦૮ના વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ફુગાવાના દરમાં અગાઉના નવ મહિના કરતાં પણ વધુ ઊંચા દરે વધારો થતો જોવા મળી રહ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૦૭ના દિવસે ૩.૯ ટકાની સપાટીએ રહેલો ફુગાવાનો દર ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮ના દિવસે વધીને ૪.૮ ટકાની સપાટીએ પહોંચી ગયો હતો, પરંતુ તે પછી તો ઝડપથી વધીને માર્ચ, ૨૦૦૮ના પ્રથમ સપ્તાહને અંતે ૫.૦૧ ટકાની, છેલ્લા ૧૫ માસની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. તે જોઈને રિઝર્વ બઁકે ચેતવણી ઉચ્ચારવી પડી હતી કે, ફુગાવાને ૫ ટકાની સપાટીએ નિયંત્રિત રાખવો જરૃરી છે. આપણા અર્થશાસ્ત્રી વડા પ્રધાન અને નાણાપ્રધાને પણ દેશમાં ફુગાવાની સ્થિતિનો સ્વીકાર કરીને તે જ વિશે ચિંતા વ્યક્ત કરવી પડી હતી. સરકાર તેના ઉપર ચાંપતી નજર રાખી રહી છે તેવું રાબેતા મુજબનું લુખ્ખું આશ્વાસન આપવું પડયું હતું, પરતુ કોઈની ચેતવણી કે ચિંતાને ગાંઠે તો તેનું નામ ભારતનો ફુગાવો નહીં. ફુગાવો ત્રાસવાદી છે, તે કોઈને ગાંઠતો નથી. માર્ચ, ૨૦૦૮ના બીજા સપ્તાહના અંતે ફુગાવાનો દર રિઝર્વ બઁકે બાંધી આપેલી લક્ષ્મણરેખાને પાર કરીને ૫.૨ ટકાની સપાટીએ અને માર્ચ, ૦૮ના ત્રીજા સપ્તાહમાં તેનાથી પણ આગળ ૫.૯ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે જ્યારે લક્ષ્મણરેખા ઓળંગાય છે ત્યારે ત્યારે રામાયણ સર્જાય છે, તે ઐતિહાસિક સત્ય ધ્યાનમાં રાખવા જેવું ખરું.
એક બીજી વાત. સરકાર દ્વારા પ્રસિદ્ધ કરતો ભાવાંક જથ્થાબંધ ભાવોના આધારે તૈયાર કરાયેલો હોય છે, પરંતુ સામાન્ય માનવીની આર્િથક યાતનાને અસર કરે છે તે છૂટક ભાવો હોય છે. જથ્થાબંધ કરતાં છૂટક ભાવોમાં થયેલો વધારો તો તેનાથી પણ મોટો છે. છેલ્લા એક જ મહિનામાં જીવન જરૃરિયાતની વસ્તુઓ, અનાજ, કઠોળ, કરિયાણું, સિંગતેલ, બળતણ- આ બધાના જથ્થાબંધ ભાવોમાં ૭થી ૧૦ ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ તેના છૂટક ભાવોમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. આ સંદર્ભમાં જો તાજેતરના ફુગાવાના દરને છૂટક ભાવોના આધારે ગણતરીમાં લઈએ તો તે ૫.૨ ટકાથી પણ વધીને ૬.૫ થી ૭.૦ ટકા સુધી પહોંચી ગયાનો સંભવ છે.
આપણા દેશમાં ફુગાવાની આ સમસ્યા કંઈ હમણાં હમણાં જ ઉદ્ભવેલી ટૂંકાગાળાની સમસ્યા નથી. ફુગાવો તો ભારતીય અર્થતંત્રના અણુ એ અણુમાં છેલ્લાં પચાસ વર્ષથી પ્રસરી ગયેલો બ્લડ કેન્સરનો અસાધ્ય રોગ છે. છેક ૧૯૬૨થી હું મારા અર્થશાસ્ત્રના વર્ગખંડોમાં ફુગાવાની ચર્ચા કરતો આવ્યો છું. છેક ૧૯૫૮થી ૧૯૭૦ સુધી ડો. બી. આર. શિનોય જેઓ તેમના સમયના પ્રથમ હરોળના અર્થશાસ્ત્રી બીજી પંચવર્ષીય યોજનાની રચના સમિતિના સભ્ય અને ગુજરાત યુનિર્વિસટીના અર્થશાસ્ત્ર ભવનના વડા હતા, તેઓએ ફુગાવા અંગે બળાપો કરતાં કરતાં જિંદગી પૂરી કરી નાખી. તેમ છતાં આ સમસ્યાની ગંભીરતામાં કોઈ તફાવત નોંધાયો નથી. વચ્ચેના ૧૯૯૫થી ૨૦૦૪ સુધીના ગાળામાં આર્િથક સુધારાઓની કેમોથેરપી સારવારથી આ રોગ થોડો દબાયેલો દેખાતો હતો, પરંતુ સાવ નાબૂદ તો થયો જ ન હતો. અત્યાર તે હવે ફરીથી વકર્યો છે. કેન્સરનો રોગ ફરીથી વકરે ત્યારે શું થાય તે તો આ રોગના નિષ્ણાત ડોક્ટરને જ પૂછી લેજો. આ ભાવવધારો ભવિષ્યમાં વધુ ગંભીર બને તેવો ભય તોળાઈ રહ્યો છે. ચિદમ્બરમ્ સાહેબના અંદાજપત્રની ફુગાવાત્મક અસરો આવવાની તો હજુ બાકી છે. ખેડૂતોની ઋણમુક્તિના અમલીકરણથી સરકારી તિજોરી પર રૃ. ૬૦,૦૦૦નો જે બોજો વધવાનો છે તે નાણાં સરકાર છેવટે કેવી રીતે ઊભા કરવાની છે તે વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્પષ્ટ રીતે તેનાથી સરકારની રાજકોષીય ખાધ વધવાની છે. બીજી બાજુ, છઠ્ઠા વેતનપંચની ભલામણોના સ્વીકારને પરિણામે કેન્દ્રના અને ત્યાર પછી તેના પગલે પગલે રાજ્ય સરકારોના કર્મચારીઓના વેતનમાં જે જંગી વધારો થવાનો છે તેનો અંદાજે રૃ. ૨૦,૦૦૦ કરોડનો બોજો કેન્દ્ર સરકારની તિજોરી ઉપર પડવાનો છે. આ વેતનવધારો જ્યારે ખરીદશક્તિના વધારા દ્વારા ટકાઉ સ્વરૃપની વપરાશી વસ્તુઓના માંગના વધારામાં પરિણમશે ત્યારે તેની વધારાની ફુગાવાત્મક અસરો ઊભી થશે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનો અમલ ૨૦૦૮માં સરકાર દેશના બધા જ ૬૪૨ જિલ્લાઓમાં વિસ્તારવા માગે છે. તે માટે અંદાજે રૃ. ૫૦,૦૦૦ કરોડ ખર્ચવા પડશે. તે માટે અંદાજપત્રમાં માત્ર રૃ. ૧૬,૦૦૦ કરોડની જ જોગવાઈ કરવામાં આવી છે. બાકીનાં નાણાં ક્યાંથી મેળાશે તેની સ્પષ્ટતા કરાઈ નથી. આનાથી પણ સરકારની રાજકોષીય ખાધમાં વધારો થશે. આવકવેરામાં અપાયેલી રાહતો સંબંધિત લોકોની વાસ્તવિક આવકમાં વધારો કરીને માંગમાં વધારો લાવશે. ઓટોમોબાઈલ ક્ષેત્રને મળેલી કરરાહતો ઉપર તથા દ્વિચક્રી વાહનોની માંગમાં ભારે વધારો લાવશે. તેના પગલે પગલે સંબંધિત વસ્તુઓના ભાવ વધશે. ટૂંકમાં, ૨૦૦૮ના વર્ષના હવે પછીના દિવસોમાં ફુગાવાનો દર હજુ પણ વધુ ઊંચે જવાનો ભય છે. વર્ષના અંતે ફુગાવાનો દર ૬.૫ ટકા સુધી પહોંચી જાય તો આઘાત ભલે લાગે, આશ્ચર્ય લાગવું જોઈએ નહીં.
એક બાજુથી ઔદ્યોગિક ક્ષેત્ર મંદી તરફ ઘસડાઈ રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન આંક (આઈ.આઈ.પી.)ના આધારે જાન્યુઆરી, ૨૦૦૮માં આગલા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં ઉત્પાદન વૃદ્ધિનો દર લગભગ અડધો થઈ ગયો છે. અને તેની બીજી બાજુએ સામાન્ય માનવીના વપરાશની બધી જ વસ્તુઓના ક્ષેત્રમાં ભાવવધારાનો ભરડો ભીષણ બનતો જાય છે. આમ, ફુગાવો અને મંદીની દ્વિમુખી અસર અત્યારે ભારતીય અર્થતંત્ર અનુભવી રહ્યું છે. રિઝર્વ બઁક પણ અત્યારે દ્વિધામાં ફસાઈ ગઈ છે. બઁક દરમાં વધારો કરે તો શેરબજાર ઉપર અને ઔદ્યોગિક મૂડીરોકાણ ઉપર અવળી અસરો પડવાનો ભય રહેલો છે અને બઁક દરમાં ઘટાડો સામાન્ય માનવીની વસ્તુઓના ભાવ ઉપર વિપરીત અસર પહોંચાડી શકે છે. કેન્દ્ર સરકાર પણ આ પરિસ્થિતિની ઊલઝનથી માથું ખંજવાળી રહી છે. એક બાજુથી ઔદ્યોગિક ક્ષેત્ર અને કૃષિક્ષેત્રમાં ઉત્પાદન ઘટતું જાય છે અને બીજી બાજુ બજાર ઉપર માંગનું દબાણ વધતું જાય તેવાં પરિબળો એક પછી એક માથું ઊંચકતા જાય છે.
આવી જ પરિસ્થિતિ હજુ થોડો વધુ સમય ચાલુ રહે તો ૨૦૦૮-૦૯ના વર્ષનો આર્િથક વિકાસનો દર ૮.૫ ટકાને આંબવામાં પણ મુશ્કેલી ઊભી થશે. વધતી જતી મોંઘવારી ગરીબી નાબૂદીના બધા જ લક્ષ્યાંકોને વિફળ બનાવી મૂકશે. હજુ એક અઠવાડિયા પહેલાં જ અંદાજપત્ર પરની ચર્ચામાં બોલતા નાણાપ્રધાને સંસદમાં ગળું ખોંખારીને એવો જશ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો કે, યુ.પી.એ. સરકારે રાજકોષીય ખાધ નોંધપાત્ર રીતે ઘટાડીને ૨૦૦૭-૦૮ વર્ષમાં કુલ રાષ્ટ્રીય આવકના ૩.૬ ટકાની નીચી સપાટીએ લાવી દીધી છે.
અને ૨૦૦૮-૦૯ના વર્ષમાં તેને ૨.૮ ટકાની સપાટીએ લાવી દેવામાં આવશે, પરંતુ અર્થતંત્રમાં અત્યારે જે ફુગાવાત્મક પરિબળો જુદી જુદી દિશામાંથી માથું ઊંચકી રહ્યો છે તે તેમ થવા દે એવું લાગતું નથી.
નાણાપ્રધાનના જ અંદાજપત્રની અસરોથી તો રાજકોષીય ખાધ વધીને ૪.૨થી ૪.૫ ટકા સુધી પહોંચી જવાનો સંભવ દેખાય છે. ફુગાવાની જ્વાળામાં અંદાજપત્રની વિવિધ જોગવાઈઓ ઇંધણ નાખવાનું કામ કરવાની છે.
માત્ર બઁક દરમાં વધઘટ કરવાથી ફુગાવો નિયંત્રણમાં લાવી શકાય નહીં. વાસ્તવિક આવશ્યકતા એ છે કે, વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં અને કૃષિ ઉત્પાદનમાં ક્રાંતિકારી વધારો કરવાની અને બીજી બાજુએ લોકોના હાથમાં રેડવામાં આવતી વધુ ને વધુ આવકોને બજારને બદલે બચતના માર્ગે વાળવાની બચતલક્ષી નીતિ યુદ્ધના ધોરણે તૈયાર કરીને અમલમાં મૂકવી જોઈએ.

મીરા દાતાર : શ્રદ્ધાની પ્રજવલિત મશાલ

ગુજરાતના સૂફીસંતોની પરંપરામાં સૈયદઅલીનું સ્થાન નોંધપાત્ર છે. સલ્તનતકાળના એ સૂફીસંત તેમની પ્રજાલક્ષી શહાદતને કારણે આજે મીરા દાતાર તરીકે પ્રસદ્ધિ છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે તેમની મઝાર-દરગાહ છે.

સૈયદઅલીના પિતાનું નામ ડોસુમિયાં હતું. ડોસુમિયાંને બે પુત્રો હતા. મોટો પુત્ર અલુ મહંમદ અને નાનો પુત્ર સૈયદઅલી. સૈયદઅલીનો જન્મ હિજરી સંવત ૮૭૬ (ઇ.સ. ૧૪૭૪) રમજાન માસના ૨૯મા ચાંદે, જુમેરાત (ગુરુવારે) થયો હતો. સૈયદઅલીનું ખાનદાન હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાથે જૉડાએલું હતું. સૈયદઅલીના પરદાદા હજરતઅલી, મહંમદસાહેબ (સ.અ.વ.)ના જમાઈ હતા. મહંમદ સાહેબ (સ.અ.વ.) પણ સૈયદઅલીના માતા પક્ષે નાના થતા હતા.

બાલ્યાવસ્થાથી જ સૈયદઅલી ખુદાની ઇબાદતમાં રત હતા. નેકી અને પરહેજગારી (સંયમ) તેમના જીવનમાં વણાએલાં હતાં. કુરાને શરીફનું નિયમિત તેઓ પઠન કરતા, હજરત ઇમામ હુસેન તેમના આદર્શ હતા. તેઓ હંમેશાં ખુદાને દુવા કર્યા કરતાં.

"હે ખુદા, મને હજરત ઇમામ હુસેનની રાહ પર ચલાવજે, મને તેમના જેવી શહાદત બક્ષજે."

ગુજરાતના મઘ્યકાલીન યુગમાં અનેક સૂફીસંતોએ ગુજરાતમાં આગમન કર્યું હતું. એમાંના એક સૈયદઅલીના દાદા ઇલુદીન પણ હતા. હિજરી સવંત ૮૩૦ (ઇ.સ. ૧૪૨૬)માં હજરત ઇલુદીન ગુજરાત આવ્યા હતા. અહમદશાહ બાદશાહ (ઇ.સ. ૧૪૧૧થી ૧૪૪૨)ના દરબારમાં આવી, ગુજરાતમાં નિવાસ કરવાની પરવાનગી માગી હતી.

અહમદશાહ બાદશાહે તેમને આવકાર્યા અને પોતાના લશ્કરમાં સ્થાન આવ્યું. એક વાર અહમદશાહ બાદશાહે ઇલુદીનને કહ્યું, "તમે ઘોડેસવારો લઈ લીલાપુર ગામ જાવ. પાટણ નગરમાં ભીલ અને ડાકુઓએ પ્રજા પર કેર વર્તાવ્યો છે. તેનાથી પ્રજાનું રક્ષણ કરો."

હિજરી સંવત ૮૮૦ (ઇ.સ.૧૪૭૫) ઇલુદીને રાજા મેવાસ સાથે યુદ્ધ કરી ભીલો અને ડાકુઓથી પ્રજાનું રક્ષણ કર્યુô. બાદશાહ મહંમદ બેગડાના શાસનકાળ (ઇ.સ. ૧૪૫૯થી ૧૫૧૧)ના સમય દરમિયાન માંડુંના રાજાએ પણ એવો જ અમાનુષી અત્યાચાર પ્રજા પર કર્યો. તેનાથી પ્રજાને બચાવવા મહંમદ બેગડાએ લશ્કર સાથે કૂચ કરી પણ માંડુંના રાજાની લશ્કરી તાકાત સામે મહંમદ બેગડાનું લશ્કર ટકી શકયું નહીં. ઘણા પ્રયાસો છતાં સફળતા ન મળી. એક દિવસ ખુદાની ઇબાદતમાં લીન હજરત ઇલુદીનને જૉઈ મહંમદ બેગડાએ તેમને વિનંતી કરી, "માંડુંના રાજાના અત્યાચારથી પ્રજાને બચાવવાનો માર્ગ બતાવો"

હજરત ઇલુદીને એક પળ આકાશ તરફ મીટ માંડી અને કહ્યું, "આ કામ ખુદાએ સૈયદઅલીને સોપ્યું છે."

અને મહંમદ બેગડાએ સૈયદઅલીને રણભૂમિથી પર તેડાવ્યા. સૈયદઅલીની નેતાગીરી નીચે માંડુંના રાજા સાથે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધમાં માંડુંનો રાજા હાર્યો. પણ માંડુંના રાજાએ સૈયદઅલીને દગાથી એક ગુફામાં લઈ જઈ હણ્યો. અને આમ સૈયદઅલી શહીદ થયા. એ દિવસ હતો મહોરમ માસનો ૨૯મો ચાંદ હિજરી ૮૯૮ (ઇ.સ. ૧૪૯૨) શુક્રવારનો દિવસ હજરત સૈયદઅલીને ઉનાવા ગામમાં દફનાવવામાં આવ્યા. આજે એ જ જગ્યાએ તેમની દરગાહ છે.સૈયદઅલીને મીરા દાતારનું ઉપનામ આપવામાં આવ્યું છે. મીરા એટલે બહાદુર અને દાતાર એટલે દાનવીર. સૈયદઅલીની શહાદત લોકો યાદ કરે છે. તેમની દરગાહ પર શ્રદ્ધાળુઓનો મેળો લાગે છે. પ્રતિ વર્ષ મહુર્રમની ૨૮મી તારીખે ઉર્સ ભરાય છે.

Thursday, March 27, 2008

તમારે બ્લોગર બનવું છે?

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ’ શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી ‘બ્લોગ’ શબ્દે જગાવી છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર? બ્લોગ શબ્દ જન્મ્યો છે વેબલોગમાંથી, જેનો સાદો અર્થ છે વેબ પર લખાતી ડાયરી. તમે કોઈ પણ વિષય વિશેના તમારા વિચારો, ફોટોગ્રાફ, વિડિયો વગેરે કંઈ પણ આખી દુનિયાને બતાવવા ઇરછતા હો તો અત્યારે સૌથી સહેલો ઉપાય છે તમારો પોતાનો બ્લોગ લખવાનો. વેબસાઇટ બનાવવા અંગેની કોઈ પણ ટેકિનકલ જાણકારી વિના, કોઈ પણ વ્યકિત સહેલાઈથી પોતાનો બ્લોગ શરૂ કરીને, બ્લોગર બની શકે છે. આમ તો સંખ્યાબંધ સાઇટ્સ મફત બ્લોગિંગની સેવા આપે છે, પણ http://www.blogger.com/ બ્લોગર્સમાં હોટ ફેવરિટ છે. તમે ઇમેલ એકાઉન્ટ ખોલાવો એટલી જ સહેલાઈથી આ સાઇટ્સ પર જઈને પોતાનો બ્લોગ શરૂ કરી શકો છો. પછી જેમ કોઈને ઇમેલ લખીને મોકલો, એ જ રીતે તમારા વિચાર તમારા બ્લોગ પર પોસ્ટ કરી શકો. તમારા મિત્રો-સ્વજનોને તમારા બ્લોગનું એડ્રેસ આપી દો એટલે એ તમારા બ્લોગની મુલાકાત લેતા થઈ જાય. તમારા લખાણ વિશે તમારા વાચકને કંઇ કહેવું હોય તે એ ત્યાં ને ત્યાં, તરત પોતાની કમેન્ટ ઉમેરી શકે. એ તમે વાંચો, એનો જવાબ આપો... અને આમ શરૂ થઈ જાય દુનિયાભરના ખૂણેખાંચરે વસતા લોકોને સાંકળતો એક સરસ, લાઇવ સંબંધ.
દ્દફૂણૂત્ર્ઁંર્શ્વીદ્દi.ણૂંૃ સાઇટ દુનિયા આખીનાં બ્લોગ્સ પર નજર રાખે છે અને ટોપ પોસ્ટ્સ તારવીને, તમારી સમક્ષ મૂકે છે. આ ટેકનોરાતી કહે છે કે હાલમાં તે એક અબજ ૧૩ કરોડ જેટલાં બ્લોગ પર નજર રાખે છે ને રોજ પોણા બે લાખ જેટલાં નવાં બ્લોગ ઇન્ટરનેટ પર ઉમેરાય છે! એક વાચક તરીકે, બ્લોગ એક અત્યંત વિશાળ પુસ્તકાલયની ગરજ સારે છે ને તમારા રસના વિષયના ખરા નિષ્ણાતોના બ્લોગ શોધી શકો તો પછી ખરો જલસો છે. સામાન્ય, સ્થાનિક નાગરિકે લખેલા બ્લોગ પણ ધારદાર હોય છે, જે સુનામી જેવી આફત વખતે પુરવાર થયું. બ્લોગ લખવાની પણ આગવી મજા છે. ઘણા વાચકોને અનુભવ હશે કે તેમની કલમને અખબારના પાને પહોંચાડવામાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જયારે બ્લોગિંગમાં તો તમે જ લેખક અને તમે જ તંત્રી! થોડા સમય પહેલાં સમાચાર હતા કે સ્પેનનાં એક દાદીમાએ ૨૦૦૬માં ૯૫ વર્ષની વયે બ્લોગિંગ શરૂ કર્યું અને અત્યારે ૬૦,૦૦૦ જેટલા નિયમિત વાચકો સાથે અલકમલકની વાતોથી કરે છે! આ દાદીમા સ્પેનિશ ભાષામાં લખે છે, તમે ગુજરાતીમાં લખી શકો. કઈ રીતે? એ વાત આગળ ઉપર.

પાકિસ્તાનની નવી શરૃઆત

ઇન્દર મલ્હોત્રા ‘રાજકારણનાં નીરક્ષીર’

આઠ વર્ષ સુધી ભૂતપૂર્વ જનરલ પરવેઝ મુશર્રફના લશ્કરી શાસન બાદ હવે પાકિસ્તાનમાં લોકશાહીની પુન: સ્થાપના થતાં નવી શરૃઆત થઈ છે જે અપેક્ષા કરતાં વધુ નાટયાત્મક હતી. આંતરિક ચિહ્નો આશાસ્પદ ન હતાં. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં હત્યાનો ભોગ બનેલાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો અને તેના મુખ્ય સાથી પક્ષ નવાઝ શરીફના પાકિસ્તાન મુસ્લિમ લીગ બંને વચ્ચે નવા વડા પ્રધાનની પસંદગી માટે એક માસ સુધી મંત્રણાઓ થતી રહી. ભુટ્ટોના વફાદાર યુસુફ રઝા ગિલાની, તેઓ રાષ્ટ્રીય એસેમ્બ્લીના અધ્યક્ષ પણ હતા, વડા પ્રધાન તરીકે ચૂંટાયા. ૩૪૨ સભ્યોના ગૃહમાં તેમના પક્ષે ૨૬૪ મત પડયા હતા. કહેવાતા 'કિંગ પાર્ટી'ના એટલે કે મુશર્રફના પરોક્ષ ઉમેદવાર પરવેઝ ઇલાહીને ફક્ત ૪૨ મત મળ્યા હતા.
સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ હતી કે, તમામ પ્રેક્ષકદીર્ઘાઓ અને ગૃહની બહાર ઊભેલી જનમેદનીએ નવા પરિવર્તનને ભારે હર્ષોલ્લાસ સાથે વધાવી લીધું હતું. ગિલાનીએ જ્યારે જાહેર કર્યું કે, તેઓ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયર્મૂિત ઇફ્તિખાર મોહમ્મદ ચૌધરી અને જજોને છોડી મૂકશે. મુશર્રફે કટોકટી લાદ્યા બાદ ૩જી નવેમ્બરથી તેમને નજરકેદમાં રાખ્યા હતા. જજીસ કોલોની સહિત અનેક વિસ્તારોમાં આ જાહેરાતને કારણે દિવાળી મનાવવામાં આવી. લોકો હર્ષોલ્લાસ સાથે ચિચિયારીઓ પાડતા નીકળી પડયા હતા. આમ પાકિસ્તાનમાં લોકશાહીને વધાવી લેવામાં આવી તેવું કહી શકાય અને તે પણ તમામ રીતે.
પહેલેથી નક્કી હશે કે, સંયોગ હશે, પણ લશ્કરી વડા અશફાક કિયાનીએ લશ્કરી અધિકારીઓમાં ફેરબદલ કરી ટોપના બે કોર્પ્સ કમાન્ડરોની તેમણે બદલી કરી. બંને મુશર્રફના વફાદાર છે. તેમને ઓછું મહત્ત્વ ધરાવતા હોદ્દા પર મૂક્યા. જો કે મુશર્રફ વિરુદ્ધની આ કાર્યવાહી ન કહી શકાય, કારણ કે તેઓ 'સિવિલિયન' પ્રમુખ છે. જો કે કિયાનીએ રાજકારણમાં લશ્કરની દખલગીરી ઓછી કરાવી છે. નોંધપાત્ર એ છે કે, રાવલપિંડીમાં કે આઈએસઆઈમાં કોઈ ફેરફાર થયા નથી. વધુમાં પીપીપીના સહ ચેરમેન ઝરદારીએ થોડાક દિવસ પહેલાં જાહેર કરેલું કે, કાશ્મીરનો મુદ્દો હાલ બાજુએ રાખી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવા જોઈએ. તે વખતે કિયાનીએ કહેલું કે, લશ્કર પ્રજામતને આવકારશે. આમ હવે લોકપ્રિય સરકાર અને પરવેઝ મુશર્રફ વચ્ચે છેવટની બાજી રમવાનો વખત પાકી ગયો છે. ખાસ કરીને ન્યાયતંત્રમાં. જજ મુક્ત થયા. પુન: નિમણૂક બાકી છે. શક્ય છે કે, આ મુદ્દે સંઘર્ષ થાય. નવાઝ શરીફ તો આ ઇચ્છે છે. તેઓ તમામને તેમના હોદ્દા પર જ બેસાડવા ઇચ્છે છે. ઝરદારીને મુશર્રફ સામે લડવાની ઉતાવળ નથી. જો કે વડા પ્રધાન ગિલાનીએ જાહેર કર્યું છે કે, જજોની ફેરનિમણૂક ૩૦ દિવસમાં જ સંસદના ઠરાવથી થશે. જો કે આવા ઠરાવને બંધારણીય સુધારાનો ટેકો નહીં મળે. મુશર્રફ જ આદેશ બહાર પાડી તે કરી શકે. પીપીપી, પીએમએલ (એન)નો મોરચો રચાયો છે. તેમને ખાન અબ્દુલ ગફાર ખાનના વંશજોના પક્ષ અવામી નેશનલ પાર્ટીનો અને જમિયતે ઉલેમાએ ઇસ્લામનો ટેકો છે. આમ બે તૃતીયાંશ બહુમતી મળી છે, પણ તે નેશનલ એસેમ્બ્લીમાં છે. સેનેટમાં નહીં. આમ તેઓ મુશર્રફ વિરુદ્ધ મહાભિયોગ ચલાવી શકે નહીં. જો કે મુશર્રફે હવે સમજવું જોઈએ કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. રાજકારણમાં અઠવાડિયું લાંબો સમય કહેવાય. જ્યારે અહીં તો એક મહિનો છે. બંને પક્ષે સમાધાન થઈ શકે છે. મુશર્રફ જજોની નિમણૂકમાં અડચણ ઊભી નહીં કરે અનેત્યાર બાદ સ્વેચ્છાએ હોદ્દો છોડશે. મુશર્રફના ટેકેદાર અમેરિકા પાકિસ્તાનમાં હવે બિનલોકપ્રિય દેશ છે. મુશર્રફે અમેરિકાને પાકિસ્તાનમાં અફઘાન બળવાખોરો અને અલ કાયદાના સભ્યોનો નાશ કરવા સગવડ કરી આપી છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે. હાલનો મોરચો શત્રુઓનો છે. કેટલો ચાલશે ? ભાજપ સાથે વી. પી. સિંહે હાથ મિલાવેલા તેવું જ છે.
પીપીપીમાં આમેય આંતરિક વિખવાદ છે. વડા પ્રધાનના હોદ્દા પરની પસંદગીને કારણે. સિંધના મખ્દૂમ અમીન ફાહિમની જોરશોરથી જાહેરાતો થઈ અને છેલ્લે ગિલાનીને પસંદ કર્યા. આ કામચલાઉ વ્યવસ્થા છે. કિંગમેકર ઝરદારી જ ચૂંટણી લડીને વડા પ્રધાન બનવા ઇચ્છે છે. ઝરદારી માટે સરળ છે, પણ પાકિસ્તાનમાં ક્યારે શું થાય કોઈ ન કહી શકે. બ્રિટનની ડિગ્રી પણ ઝરદારીને નડે તેમ છે, કારણ કે મુશર્રફે ચૂંટણી લડવા સ્વદેશી સ્નાતક હોવાનો આદેશ બહાર પાડયો છે.
નવી સરકાર સમક્ષ હવે બે મોરચા છે આર્િથક મોરચો અને બીજો જેહાદી મોરચો. બંને મોરચે પરિણામ લાવવાં જ પડશે.

Wednesday, March 26, 2008

જેગુઆર-લેન્ડ રોવર સોદો : ભારતીયોની વિજયકૂચ હવે શરૃ થાય છે

રાજેશ શર્મા ‘એક્સ્ટ્રા કોમેન્ટ’

આજથી બરાબર દોઢ મહિના પહેલાં એટલે કે ૧૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ તાતા ગ્રૂપના ચેરમેન રતન તાતા નવી દિલ્હીમાં ચાલતા ઓટો એકસ્પોમાં એક નાનકડી કાર જાતેે ડ્રાઇવ કરીને આવ્યા હતા ને એ કાર જોઇ આખી દુનિયા દંગ થઇ ગઇ હતી. ૨૦૦૪માં રતન તાતાએ માત્ર એક લાખ રૃપિયાની કાર બજારમાં મૂકવાનું વચન આપ્યું હતું અને એ વખતે બધા તેમની મશ્કરી કરતાં હતાં. એક લાખ રૃપિયાની કાર શક્ય જ નથી એવું કાર ઉદ્યોગના માંધાતાઓ છાતી ઠોકીને કહેતા હતા અને ૧૦ જાન્યુઆરીએ રતન તાતાએ એ બધાની બોલતી બંધ કરી દીધી હતી ‘નેનો’ કાર આખી દુનિયાની સામે મૂકીને. તાતાએ તેમના ટીકાકારોને પોતાની સ્ટાઇલમાં જવાબ આપી દીધો હતો. એ ઘટનાના દોઢેક વર્ષ પહેલાં રતન તાતા બ્રિટિશ સ્ટીલ કંપની કોરસ ખરીદવા મેદાને પડેલા અને એ વખતે પણ સૌ રતન તાતાને ભેજાગેપ માનતા ને કોરસ તાતાના હાથમાં નહીં આવે એવું કહેતા. કોરસ માટેની બોલી જે રીતે વધતી હતી તે જોતાં વાત તાતાની પહોંચની બહાર જતી રહેશે એવું ખુદ તાતાના શુભેચ્છકોને લાગતું હતું પણ રતન તાતાએ રૃ.૪૬,૦૦૦ કરોડમાં કોરસ કબજે કરી બતાવી હતી અને આખી દુનિયા દંગ થઇ ગઇ હતી, જોતી જ રહી ગઇ હતી. આ તાતાની સ્ટાઇલ છે. અને ભારતના કોર્પોરેટ જગતને વર્ષોથી તેનો પરચો મળ્યા જ કરે છે.
૨૫ માર્ચ, ૨૦૦૮ના રોજ રતન તાતાએ જગુઆર-લેન્ડરોવર કાર કંપની ફોર્ડ પાસેથી ખરીદી અને આખી દુનિયાને તેમની સ્ટાઇલનો ફરી પરચો આપ્યો. તાતાએ આ કંપની ૨.૬૫ અબજ ડોલર એટલે કે રૃ. ૧૦,૬૦૦ કરોડમાં ખરીદી છે અને તેની સામે શિંગડાં ભેરવવા મેદાને પડેલી બીજી ભારતીય કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને પટકીને ખરીદી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ કંપની ખરીદવા બીજી એક વિદેશી કંપની સાથે હાથ મિલાવેલા જ્યારે તાતાએ એકલે હાથે આ કંપની ખરીદી છે.
કોરસ ટેકઓવર સોદો કે ‘નેનો’ના સર્જનની સરખામણીમાં લેન્ડરોવર જગુઆરની ખરીદી નાની ઘટના લાગે. ‘નેનો’ કારનું સર્જન તો વિશ્વના કાર ઉદ્યોગમાં એક માઇલસ્ટોન છે ને દુનિયાભરની કંપનીઓ જે પરાક્રમ નહોતી કરી શકી એ પરાક્રમ તાતાએ કરી બતાવ્યું છે તેથી તેની તો વાત જ ના થાય પણ કોરસના ટેકઓવરની સરખામણીમાં પણ આ સોદો સાવ સામાન્ય જ છે છતાં આખી દુનિયા દંગ છે કેમકે આ સોદા સાથે જ જગુઆર-લેન્ડ રોવર જેવાં નામ જોડાયેલાં છે. કોરસ સોદાને કારણે તાતાની આર્િથક તાકાત જબરદસ્ત વધી ગઇ અને વિશ્વમાં સ્ટીલ ઉત્પાદનમાં તાતા ગ્રૂપ પહેલા પાંચમાં આવી ગયું. કોરસ સોદો કોઇ ભારતીય કંપની દ્વારા થયેલું સૌથી મોટું ટેઇકઓવર હતું ને એ રીતે એ માઇલસ્ટોન છે. જગુઆર-લેન્ડ રોવર સોદા સામે એવી કોઇ મોટી આર્િથક બાબત જોડાયેલી નથી કે આ કંપની ખરીદીને તાતાએ નોટો છાપવાનું મશીન લઇ લીધું છે એવું પણ નથી. ઊલટાનું છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ કંપની જે રીતે ડચકાં ખાતી હતી અને બીજી કારોની સરખામણીમાં જે રીતે હાંફી ગયેલી તે જોતાં તાતાએ તેનો ફરી ડંકો વગાડવા બહુ કસરત કરવી પડશે, પણ અહીં વાત આર્િથક ફાયદાની નથી, પ્રતિષ્ઠાની છે. જગુઆર-લેન્ડ રોવર ભાંગ્યું ભાંગ્યું તોય ભરૃચ છે ને તેની સામે જે પ્રતિષ્ઠા જોડાયેલી છે તે પ્રતિષ્ઠા બીજા કોઇ સોદામાં ના મળે. આ એક જ સોદો તાતાને દુનિયાની મોટી કંપનીઓની હરોળમાં મૂકી દેશે ને તાતા સાચા અર્થમાં એક વૈશ્વિક કંપની બની જશે, પૈસા બૈસા તો ઠીક છે મારા ભઇ.
જેગુઆર અને લેન્ડ રોવર કારોનો એક જમાનામાં વટ હતો. પછી નવી નવી કારો આવતી ગઇ અને વટ ઓછો થતો ગયો. છેલ્લે છેલ્લે તો આ કારોની ક્ષમતા વિશે પણ શંકા થતી હતી. ૧૯૭૦ કે ૧૯૮૦ના દાયકામાં હોલીવૂડના સ્ટાર્સ આ જ કારો વાપરતા. આજે એ સ્થિતિ ભલે ના હોય પણ તેના આશિકો તો છે જ. જેગુઆર અને લેન્ડ રોવરને ફરી નંબર વન બનાવવી એ આકરી કસોટી છે. અત્યારે બીએમડબલ્યુવાળા લકઝરી કાર સેગ્મેન્ટમાં બાદશાહ છે. જગુઆર અને લેન્ડરોવર એમણે પણ ખરીદેલી પણ એ પણ આ કારની જૂની શાનૌશૌકત પાછી નથી અપાવી શક્યા. ફોર્ડે પણ હાથ અજમાવી જોયો પણ એ પણ નથી ફાવ્યા તે જોતાં તાતાની આકરી કસોટી છે પણ તાતા તેમાં સફળ થશે તેમાં શંકા નથી. રતન તાતા પાસે મિડાસ ટચ છે અને એ જ્યાં હાથ નાખે ત્યાંથી સોનું નીકળે છે તેથી એ માણસ કરી શકશે. એસ્પ્રેસો મિલથી અત્યાર સુધી તાતાએ આ ચમત્કાર કરી જ બતાવ્યા છે.
જેગુઆર-લેન્ડ રોવર સોદો રતન તાતાની યશકલગીમાં વધુ એક પીછું છે. રતન તાતા જ્યારે તાતા ગ્રૂપના ચેરમેન બન્યા ત્યારે તાતા ગ્રૂપની બધી સાહ્યબી જતી રહેલી ને બધાએ તાતા ગ્રૂપના નામનું નાહી નાખેલું. રતન તાતાએ બધાને ખોટા પાડી તાતા જૂથને માત્ર ફરી બેઠું જ નથી કર્યું પણ તેના ઝંડા આખી દુનિયામાં ફરકતા કર્યા છે ને એ માટે રતનને સલામ મારવી જ પડે.
જેગુઆર-લેન્ડ રોવર સોદો ભારતીય કોર્પોરેટ જગતમાં એક માઇલસ્ટોન સાબિત થશે તેમાં શક નથી. ભારતીય ઉદ્યોગપતિઓ આજે દુનિયાના સૌથી વધુ ધનિકોમાં ટોપ ટેનમાં આવે છે પણ ભારતીય કંપનીઓ એટલી તાકતવર નથી. ભારતીય બજાર તોતિંગ છે ને તેના જોર પર આપણા ઉદ્યોગપતિઓ ધનિક બને તેમાં કંઇ વશેકાઇ નથી. ખરી તાકાત તો તમે દુનિયાના બીજા દેશોમાં જઇ ફતેહ મેળવો તેમાં છે. અત્યાર લગી લક્ષ્મી મિત્તલને બાદ કરતાં બીજું કોઇ એ પરાક્રમ નહોતું કરી શક્યું. જોકે લક્ષ્મી મિત્તલ પણ ભારતીય ના ગણાય, એ બ્રિટિશ નાગરિક છે અને બ્રિટનમાં જ રહે છે ને ત્યાં જ તેમની શહનશાહી ફેલાયેલી છે.
રતન તાતા નખશિખ ભારતીય છે ને એટલે જ તેમની સિદ્ધિથી ગર્વ થાય. તેમણે કોરસ ખરીદી ત્યારે તેમાં એટલા બધા પૈસા નાંખેલા કે બધાને એમ જ હતું કે હવે પાંચ વર્ષ લગી રતન તાતા બીજી કોઇ મોટી વિદેશી કંપની નહીં જ ખરીદી શકે. રતન તાતાએ તેમને ખોટા તો પાડયા જ છે અને એ પણ પોતાની સ્ટાઇલમાં. રતને સાબિત કરી આપ્યું છે કે કોરસ શરૃઆત હતી. આશા રાખીએ કે જેગુઆર લેન્ડ રોવર પહેલું કદમ સાબિત થાય અને પાંચ-સાત વર્ષ પછી રતન એક સીડી પૂરી કરીને એવા મુકામ પર ઊભા હોય ત્યાં તેમને જોવા આખી દુનિયાએ ડોક ઊંચી કરવી પડે.
જેગુઆર અને લેન્ડ રોવર : શાન કી સવારી
લેન્ડ રોવર અને જેગુઆર બંને વિશ્વમાં સૌથી રોયલ અને શાનદાર કાર મનાય છે. ભારતમાં ભલે ધનિકોમાં બીએમડબલ્યુ કે ર્મિસડીઝ જેવી કારનો ક્રેઝ હોય પણ અમેરિકા અને યુરોપમાં લેન્ડ રોવર અને જગુઆરની બોલબાલા છે. અમેરિકા અને યુરોપમાં એક જમાનામાં ત્રણ કાર સ્ટેટસ સીમ્બોલ મનાતી. રોલ્સ રોયસ, લેન્ડ રોવર અને જેગુઆર, ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં આ કારોની લોકપ્રિયતા ચરમસીમા પર હતી.
જેગુઆર તેની લકઝરી અને સ્પીડ માટે જાણીતી છે. જગુઆર એક પ્રાણી છે, જંગલી પ્રાણી. ચિત્તા અને દીપડા જેવું જંગલી પ્રાણી અને આ પ્રાણી તેની તેજ રફતાર માટે જાણીતું છે. જેગુઆર કાર પણ તેની તેજ રફતાર માટે વિશ્વવિખ્યાત છે. જેગુઆર કંપની ૧૯૨૨માં સ્થપાઇ હતી પણ તેણે કારનું ઉત્પાદન ૧૯૪૫માં શરૃ કર્યુ અને ૧૯૫૦માં જેગુઆર કાર બજારમાં આવી. ૧૯૬૬માં આ કંપનીનું વીએમએચમાં મર્જર થઇ ગયું હતું. એ પછી બીએમડબલ્યુ અને ફોર્ડ જેવી કંપનીઓએ જેગુઆર કારનું ઉત્પાદન કર્યું છે. તાતાએ અત્યારે ફોર્ડ પાસેથી આ કંપની લીધી છે.
જેગુઆર કંપનીએ ઘણાં મોડલ બનાવ્યાં પણ જેગુઆર કાર તરીકે જે વિશ્વવિખ્યાત થયું તે ૧૯૬૮નું એસજે મોડલ છે.
જેગુઆર કારની કિંમત ૩૪ હજાર ડોલર (રૃ.૧૪ લાખ)થી ૧,૨૫,૦૦૦ ડોલર (રૃ.૫૦ લાખ)ની વચ્ચે છે. ભારતમાં વિદેશી કારો પર તોતિંગ કસ્ટમ્સ ડયુટી લાગે છે તેથી ભારતમાં આ કાર રૃ. ૨૮ લાખથી ૯૫ લાખમાં પડે.
ભારતમાં જેગુઆર કાર બહુ નથી ચાલતી. સોનાટા બજારમાં આવ ત્યારે આ કાર જેગુઆરની ડિઝાઇન ચોરીને બનાવી હોવાનો વિવાદ ઊઠયો હતો.
લેન્ડ રોવર કાર મજબૂતાઇનું પ્રતિક છે ને આ કાર જંગલ-પહાડ કે બીજે ગમે ત્યાં આસાનીથી જાય છે. રોવર કંપનીએ ૧૯૪૭માં આ કાર ડિઝાઇન કરેલી ને પછી ૧૯૪૮માં એમસ્ટરડેમમાં તેનું પ્રદર્શન કર્યું હતું. બ્રિટિશ લેલેન્ડ, બ્રિટિશ એરોસ્પેસ-બીએમડબલ્યુ, ફોર્ડ જેવી કંપનીઓએ પણ તેનું ઉત્પાદન કર્યુ છે. અત્યારે રોવર કંપની ટ્રક, એચટુવી પણ બનાવે છે.લેન્ડ રોવરનું સૌથી સસ્તું મોડલ ૩૫,૦૦૦ ડોલર (રૃ.૧૪ લાખ) અને સૌથી મોંઘું મોડલ ૧,૫૦,૦૦૦ ડોલર (રૃ.૬૦ લાખ)માં મળે છે. ભારતમાં આ કાર રૃ.૪૦ લાખથી રૃ. ૧ કરોડમાં પડે.

વોર્ડરોબ માલફંકશન ચુનરી સંભાલ ગોરી...

ફરી પાછું એ જ થયું. રેમ્પ પર એક મોડલ કેટવોક કરતી હતી અને એનું વસ્ત્ર સરકી પડયું. મીડિયાને મસાલો મળ્યો અને દુનિયાને જૉણું થયું. આ વેળા વાત હતી દિલ્હીની. થોડા દિવસો અગાઉ પૂરા થયેલા વિલ્સ ઇન્ડિયા ફેશન વીકમાં રાજેશ પ્રતાપ સિંહ નામના ડિઝાઈનરનો શો હતો. મિન્સ, એણે ડિઝાઈન કરેલાં વસ્ત્રો પહેરીને વિવિધ મોડલ્સ રેમ્પ પર કેટવોક કરે. એવી જ એક ડિઝાઈન પહેરીને કેટવોક કરતી ડેબી નામની જર્મન (અમુક ઠેકાણે આ મોડલને બલ્ગેરિયન અને બેિલ્જયન પણ ગણાવાઈ છે!) મોડલના ઉપરાર્ધનો એક હિસ્સો સરકી ગયો. સેંકડો લોકો અને કેમેરા તથા વિડિયોની લાઈટ્સ જયાં એક એક સેકન્ડનો હિસાબ રાખતી હોય, ત્યાં આ દૃશ્યો ગણતરીની પળોમાં આખી દુનિયામાં પહોંચી ગયા.
આમ તો ફેશન શોઝ અને તેને અપાતા મીડિયા કવરેજ બાબતે ઘણા વિચારશીલો એવી ફરિયાદ કરતા હોય છે કે જે ફેશન શોઝ સાથે દેશની નવ્વાણું ટકા પ્રજાને નહાવા નિચોવવાનો કોઈ જ સંબંધ નથી એને આટલું બધું ફૂટેજ શા માટે આપવામાં આવે છે? બીજૉ એક સવાલ એ પણ પુછાતો હોય છે કે ફેશન શૉઝમાં જે પ્રકારની ચિત્ર-વિચિત્ર ડિઝાઈનોનાં કપડાં પહેરીને મોડલ્સ આવતાં જતાં હોય, એ વાસ્તવમાં કયાં અને કોણ પહેરતું હશે?
પરંતુ હકડેઠાઠ મીડિયાની હાજરીમાં અચાનક વસ્ત્ર સરકી પડે એવી આ ઘટના - જેના માટે ‘વૉર્ડરોબ માલફંકશન’ (કપડાંના કબાટમાં થતી ઘાલમેલ) જેવું નામ અપાયું છે- એ પહેલી તો નથી જ. રસિકજનોને યાદ હશે જ કે ભારતમાં પણ આના એકથી વધુ બનાવો બની જ ગયા છે. ૨૦૦૬માં આવા જ એક ફેશન વીકમાં કેરોલ ગ્રેસિયસ નામની મોડલનું ઉપરાર્ધ પણ અચાનક જ સરકી ગયું હતું અને થોડો સમય ‘હો..હા’ થઈ હતી. એ અગાઉ છૂટક એડ ફિલ્મો અને મ્યૂઝિક વિડિયોઝમાં દેખાયેલી કેરોલ ગ્રેસિયસને ભાગ્યે જ કોઈ ઓળખતું, પરંતુ આજની તારીખે પણ એનો ફોટો બતાવો તો જાણભેદુ લોકોની આંખો ચમકી ઉઠે! નિગાર ખાન યાદ છે? મૂળ ઈરાનની અને નોર્વેમાં ઉછરેલી આ મોડેલ આપણે ત્યાં ‘ચડતી જવાની’ જેવા મ્યૂઝિક વિડિયોમાં દેખાયેલી. એની અદાઓએ ભારતમાં ઇન્સ્ટંટ પબ્લિસિટી અપાવી પણ અભિનેતા સાહિલ ખાન સાથેનાં લગ્ન, પાસપોર્ટ કોન્ટ્રોવર્સી અને વિદેશી મેગેઝિનોમાં અર્ધનગ્ન તસવીરોએ એનું નામ ખાસ્સું વગોવ્યું. આ કન્યાનાં વસ્ત્રો સાથે નોર્વેના એક ફેશન શોમાં આવી જ કોઈ કળા કેમેરાની આંખોએ કેદ કરી હતી. જો કે ત્યારે બાદ નિગાર ખાનનું સ્ટેટમેન્ટ એવું આવ્યું કે ફેશનની દુનિયામાં તો આવું ચાલ્યા કરે! સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના નામે પણ અદ્દલ આવું જ સ્ટેટમેન્ટ વહેતું થયું હતું કે ભ’ઈ આ તો ફેશન ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે, એમાં લોકોએ કંઈ આટલો હોબાળો ન મચાવવો જૉઈએ! મોડલ ગૌહર ખાનના સ્કર્ટમાં પણ પાછળથી ચેન તૂટી જતાં થયેલા ભવાડા છાપે ચડયા હતા.
પણ આવું શાને માટે થાય છે? મુખ્ય બે શકયતાઓ હોઈ શકે. કાં તો આવા બનાવોને માત્ર અકસ્માત ગણીને જવા દઈએ, અથવા તો કોઈ સસ્તી પબ્લિસિટી મેળવવા માટે પણ આવી ક્રિયા ઘડી કાઢે. ત્રીજી એક શકયતા એ પણ હોઈ શકે કે કોઈ વિધ્નસંતોષી જીવ પોતાની દાઝ કાઢવા માટે કપડાંમાં જાણી જૉઈને સળી કરી જાય. આપણે ત્યાં પણ લગ્ન વગેરે સામાજિક પ્રસંગોએ સાડીઓ જેવાં કપડાંમાં બ્લેડ-કાતર વડે કાપાં મૂકી દેવાની ઘટનાઓ બને જ છે. (એ રીતે એને પણ ‘વોર્ડરોબ માલફંકશન’ જ ગણી શકાય!)
ઉપર કહ્યું તેમ ફેશન શો આખા દેશનું મીડિયા કવર કરતું હોય, ત્યારે આ પ્રકારની ઘટના વધારે પડતી હાઈલાઈટ થાય અને તેની સાથે જૉડાયેલાં પાત્રો (મોડલ, ફેશન ડિઝાઈનર વગેરે) હાઈલાઈટ થાય. આ મોડલ્સને પોતે જે કપડાં પહેરવાની છે તેનું ફિટિંગ બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે શો અગાઉ પૂરતો સમય અપાતો નહીં હોય એ બનવા જૉગ છે. કોઈ વાંકદેખા એવું પણ કહી શકે કે આ મોડલ્સ કપડાં પણ એવાં જ પહેરે છે કે કયારે-કયાંથી ‘દગો’ દઈ દેશે એ કહેવું મુશ્કેલ છે! જૉ કે પોતે તૈયાર કરાવેલાં કપડાંની કવૉલિટી કેવી છે એ વિશે ડિઝાઈનર અને એના ફેશન હાઉસની પણ જવાબદારી બને જ છે.
વિદેશોમાં પણ આની નવાઈ નથી
ફેબ્રુઆરી ૨૦૦૪માં સુપર બોલ નામની ઇવેન્ટ વખતે માઈકલ જેકશનની બહેન જેનેટ જેકશન અને પોપ સ્ટાર જસ્ટિન ટિમ્બરલેક પરફોર્મ કરી રહ્યાં હતાં. અધવરચે જસ્ટિને જેનેટના ટોપ સાથે અટકચાળું કર્યું અને જેનેટના ઉપરાર્ધનાં અમુક વળાંક દ્રશ્યમાન થઈ ગયાં. એ જ અરસામાં ૨૦૦૪ની મિસ યુનિવર્સ બનેલી જેનિફર હોકિંસ પણ વૉર્ડરોબ માલફંકશનિંગનો ભોગ બની હતી. સિડનીના એક ફેશન શોમાં રેમ્પ વોક કરતી વેળા એનું સ્કર્ટ સરકીને ભોં ભેગું થઈ ગયું હતું. આ તો હજી માત્ર જૂજ ઉદાહરણો છે, એમાં પેરિસ હિલ્ટન, સ્કારલેટ જહોનસન, બ્રિટની સ્પિયર્સ, સદ્ગત અન્ના નિકોલ સ્મિથ, લિન્ડસે લોહાન, નાઓમી કેમ્પબેલ, જેસિકા આલ્બા, બિયોન્સે નોલ્સ, જેસિકા સિમ્પસન, મારિઆ કેરી ઇત્યાદિ ઇત્યાદિ નામો ઉમેરી શકાય. હવે એમાંથી કેટલાંનાં પ્રકરણોમાં અકસ્માત હોય કે ઇરાદાપૂર્વકનું સ્ટંટ એ કળવું જરા મુશ્કેલ છે. એક તો ફેશન ઇન્ડસ્ટ્રી પોતાના ‘સ્કિન શો’ એટલે કે અંગપ્રદર્શન થાય અને અશ્લીલની કેટેગરીમાં મૂકી શકાય એવાં વસ્ત્રોને કારણે વગોવાતું હોય છે, એમાં ય આવા બનાવો બને એટલે બળતામાં પેટ્રોલ રેડાય. મજાની વાત એ છે કે હળાહળ ગ્લેમરથી ભરેલા આ ફિલ્ડમાં વોર્ડરોબ માલફંકશનના જેટલા કિસ્સા નોંધાયા છે એ બધા જ ફિમેલ મોડલ્સના જ છે!
બાય ધ વે, વાસ્તવિક પૃષ્ઠભૂમિ પર ફિલ્મો બનાવતા મધુર ભંડારકર ફેશન ઇન્ડસ્ટ્રીની પડદા પાછળની વાતો કહેતી ફિલ્મ ‘ફેશન’ બનાવી રહ્યા છે. એમાં તેમણે કેરોલ ગ્રેસિયસવાળું પ્રકરણ પણ મૂકયું છે. હમણાં જાન્યુઆરીમાં જ આ દૃશ્યનું શૂટિંગ અભિનેત્રી કંગના રણૌત પર ફિલ્માવવામાં આવ્યું. સૌના આશ્ચર્ય વરચે કંગનાએ આ દૃશ્ય કોઈ બોડી ડબલના ઉપયોગ વિના જાતે ભજવ્યું.
લેખક: જયેશ અધ્યારુ

‘બિટવીન ધી લાઈન્સ’

આ સ્થિતિમાં હવે આપણે ક્યાં જઈશું ?
લેખક: કુલદીપ નાયર

હું ઇચ્છું છું કે, મારી પાસે એક જવાબ હોય એક એવા પ્રશ્નનો કે, જેને હું સરબજીત સિંહ સમસ્યા કહું છું. તે પાકિસ્તામાં ફાંસીની પ્રતીક્ષા કરી રહ્યો છે. પ્રચાર, પ્રસાર માધ્યમોએ ફરી એક વખત આ પ્રશ્નને એ રીતે ઉછાળ્યો છે કે, તેને દેશની આબરૃ સાથે જોડી દેવાયો છે. જો ભારત ને પાકિસ્તાન વચ્ચે હમેશાં આવું જ ચાલતું આવ્યું છે. પરસ્પર વાતચીતને બદલે તેઓ એકબીજા સાથે વાત કરે છે. ૬૦ વર્ષ થયા પરસ્પરની લાગણીના અંતરને- વેર શબ્દ થોડોક કટુ કહેવાશે. જો કે બંને પરસ્પર જોડાયેલ છે. બંને એકબીજા પ્રત્યે અંતર રાખે છે, બિનજવાબદારીપૂર્વક વર્તે છે અને તે પણ ૧૯૪૭ના ઑગસ્ટમાં આઝાદ થયા ત્યારથી.
સરબજીત સિંહની સમસ્યા લક્ષણ છે, બીમારી નથી. બીમારી અવિશ્વાસની, પક્ષપાતની છે, પરસ્પરની નફરતની છે. આજે ભલે સરબજીત સિંહની સમસ્યાનો ઉકેલ લાવો અને આવતી કાલે આવી જ સમસ્યા ફરી ઊભી થશે. બંને દેશો પાડોશી છે. બંને પોતપોતાની ભૂગોળ કે ઇતિહાસને મદદ કરી શકે તેમ નથી. બંનેએ એકબીજા કેમ અલગ રહ Continue >
વું તેવા હિત ધરાવનારા પેદા કર્યા છે. ત્રણ યુદ્ધ બાદ પણ, કારગિલ બાદ પણ બંને પોતપોતાના પ્રશ્નો ઉકેલી નથી શકતા. શાંતિથી કેમ રહેવું તે શીખી નથી શક્યા. કાશ્મીરસિંહને છોડવામાં પાકિસ્તાને ઉદાર વલણ દાખવ્યું તે સારું થયું. જો કે હું હજુ એ નથી સમજી શક્યો કે, તેણે પ્રેસમાં પોતાની સિદ્ધિઓ ગણાવવાની શી જરૃર હતી. અનાજના ફોતરાં કાઢવા મુશ્કેલ છે, પણ મેં થોડુંક વિચાર્યું છે. તેણે પાકિસ્તાનમાં કેટલાક લોકોની બહુ દુઆ મેળવી છે અને તેને સરબજીત સિંહ સાથે સાંકળી લીધો છે. પરિણામે જે લોકો છોડવાના પ્રયત્ન કરતા હતા તેમને વિપરીત અસર થઈ છે.
જાસૂસ હોવું એ ગર્વનો વિષય નથી. જાસૂસો ક્યારેય સરકારનું જ્ઞાાન નથી વધારતા. તેઓ ફક્ત અહેવાલની પુષ્ટિ કરે છે. બંને દેશોના દૂતાવાસો, બાકી વિશ્વનાની જેમ દરેક સ્થળે પોતપોતાના જાસૂસ રાખતા હોય છે. કાઉન્સિલર્સ કે એટેચી જેવા હોદ્દા હોય છે પછી આવા જાસૂસોની જરૃર નથી. આજે જ્યારે ઉપગ્રહો અને અન્ય આવા અદ્યતન સાધનો કે ઉપકરણો છે ત્યારે ખરેખર જાસૂસી આ રીતે કરવાની જરૃર જ નથી. કારણ કે અદ્યતન ટેક્નોલોજીથી સૈનિકના બિલ્લા પર રેજીમેન્ટ સહિત બધું જ સ્પષ્ટ વાંચી શકાય અને તે પણ માઈલો દૂરથી તેવી સવલત છે.
હું વિચારું છું કે, ભારતનો દોષ એટલો કે, પંજાબમાં મોહાલીમાં મેચ જોવા આવેલો ખાલિદ મહમૂદનું મૃત્યુ થયું. તેનો મૃતદેહ પાકિસ્તાન મોકલવામાં પણ આવ્યો. માનવીય ધોરણે અને મૃત્યુની આમન્યા જાળવવા આવું કરવું જ રહ્યું. મૃતકનો દેહ આદરને પાત્ર હોય અને તે આદરથી સુપરત કરવો જોઈએ. મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ તે બીજો દોષ છે. તે નાસતો ફરતો હતો. પોલીસે પકડયો અને કસ્ટડીમાં મૃત્યુ પામ્યો.
આશ્ચર્યની વાત એ છે કે, તેનું મૃત્યુ પોલીસના અત્યાચારથી થયું. જો સાચું હોય તો ભારતના માનવીય અધિકાર સંગઠનોએ એક શબ્દ પણ કેમ ન ઉચ્ચાર્યો. પાકિસ્તાનમાં શંકાનાં વાદળો ઘેરાયાં, પણ ભારતમાં નહીં. સરકારે તપાસપંચ નીમવું જોઈએ. કાયદાની આ માંગ છે.
તેમ છતાં ખાલિદ મહમૂદનું મૃત્યુ તે સરબજીત સિંહ સાથે સાંકળવું ન જોઈએ. આપણે લાગણી સમજી શકીએ. સરબજીત સિંહને ફાંસી તેમની રીતે નિર્ણય યોગ્ય હશે, પણ આ તો જૈસે કો મિલા તૈસા જેવો ઘાટ થયો કહેવાય. બદલાની ભાવના આવી બાબતોમાં ન હોય.
મને સરબજીત સિંહની વિગતની જાણ નથી, પણ તેને ફાંસી આપવી વધુ પડતું કહેવાય. હું મૃત્યુદંડ વિરુદ્ધ છું. ૧૩૦ દેશોએ આ સજા રદ કરી છે. ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં આ સજા યથાવત્ છે. સભ્ય દેશોની જમાતમાં તેમણે ભળી જવું જોઈએ. ભાજપના વડા રાજનાથસિંહના ભાષણમાં મને પાખંડનાં દર્શન થયાં. તેમણે સરબજીત સિંહને શા માટે ફાંસી આપવી તે અંગે વિગતવાર વાત કરી, પણ તે જ વખતે તેમણે સંસદ પરના હુમલાના આરોપી અફઝલ ગુરુને તત્કાળ ફાંસી આપવાની માગણી કરી. સરકારને આડે હાથે લીધી. આ રીતે તે સમગ્ર બાબતને રાજકીય રીતે રંગી નાખી.
હવે આ કિસ્સાનેરાજકારણને બદલે બંને દેશોના સંબંધ સુધારણાની દિશામાં મૂલવવો જોઈએ. માનવી દૃષ્ટિકોણ જરૃરી છે. કાયદેસર રીતે પાકિસ્તાન જે કહે છે તે સાચું છે. સુપ્રીમ કોર્ટે સજા કરી એટલે બાબત પૂરી થઈ કહેવાય. શું દયાની દૃષ્ટિ અપનાવાય તો ખરેખર આ બાબત અહીં પૂરી થશે ? હિઝબુલના સલાઉદ્દીનના ઇન્ટરવ્યૂ બાદ કે જેમાં તેમણે જણાવેલ કે, પાકિસ્તાન તેને અને અન્ય ઉગ્રવાદીઓને રાજદ્વારી રીતે મદદ કરે છે નૈતિક રીતે અને લશ્કરી રીતે. એ વિગતો મળ્યા બાદ કહી શકાય કે, પાકિસ્તાનમાં નૈતિકતા બહુ ઊંચી નથી. આ ઇન્ટરવ્યૂના ભારતમાં પણ પડઘા પડયા છે. સંબંધો તંગ બને તે પહેલાં ઉદાર વલણ જરૃરી છે.
હું એક વાત જાણું છું કે, આવા કેસો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિશે કહે છે. સરબજીત સિંહના કેસમાં ભારતે પાકિસ્તાનને વિનંતી કરી છે. સંસદે પણ સર્વાનુમતે ટેકો આપ્યો છે. વિદેશ રાજ્ય પ્રધાન આનંદ શર્માએ જણાવ્યું હતું કે, સરબજીત સિંહ વિશે આપણે લોકલાગણી પહોંચાડી છે. આશા છે કે, પ્રતિભાવ અનુકૂળ હશે. તેમણે એમ પણ કહ્યું કે, જે કેદીઓએ સજા પૂરી કરી છે તેમને પણ છોડાશે. બંને દેશોના સંબંધો લોકો દ્વારા જ ગાઢ થાય છે. સરબજીત સિંહ જેવો એક કેસ બધું જ ધોઈ નાખે છે. હવે નવી સરકાર આવી છે. આશા રાખીએ કે, તે બંને દેશો વચ્ચે નવો અધ્યાય શરૃ કરે અને તે પણ સરબજીત સિંહના પ્રકરણથી.

વિરાટ વહાણોને વામન બનાવતા માંડવીના શિવજી

૧૬ વર્ષની ઉંમરે ખલાસી બનેલા શિવજીભાઈ ફોફંડીએ બનાવેલા મોડેલો જવાહરલાલ નહેરુ, અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદીને અપાયા. રાષ્ટ્રપતિ ભવનની શોભામાં પણ અભિવૃદ્ધિ કરે છે
આજથી છએક દાયકા પહેલાની વાત છે. માંડવીથી જયારે દરિયાઇ માર્ગે આફ્રિકા જવાનું થતું ત્યારે માડાગાસ્કર, એડનથી બહાર ક્રીકમાંથી પસાર થતાં વરચે ટાપુ પર શિકોત્તર માતાજીનું મંદિર આવે છે. અગાઉ એવી માન્યતા હતી કે, વહાણની નાની પ્રતિકૃતિ માતાજીના મુખ સામેની દિશામાં ભોગવિધિ સાથે પધરાવવાથી આફત ટળે છે. આ કામ માત્ર પંદર વર્ષની કિશોર વયે ખલાસી તરીકે જોડાયેલા જુવાનને આ કામ સોંપાતું. ધીરે ધીરે આ જુવાન ખલાસી સાચુકલા જહાજની સાથોસાથ તેની પ્રતિકòતિઓ બનાવવામાં પણ માહેર થતો ગયો. આ જુવાન તે શિવજીભાઈ ભુદા ફોફંડી.
રણ અને સમુદ્રી ખારાશની ભૂમિ કરછે વિશ્વને અનેક વીરલાઓ આપ્યા છે. આવા જ એક વીરલા એટલે શિવજીભાઇ ભુદા ફોફંડી, તેમનું નામ વિશ્વ માટે અજાણ્યું નથી. છેલ્લા છ દાયકામાં તેઓ જહાજના બે હજાર જેટલા મોડેલો બનાવી ચૂકયા છે.
ઈતિહાસના પાનાં પર કરછના માંડવીના કાનજી માલમ નામના ખલાસીએ વાસ્કો-દ-ગામાને ભારતીય જળ માર્ગ બતાવ્યાની નોંધ છે. આજ શહેરના અન્ય એક ખારવાએ પણ વિશ્વમાં વહાણોની પ્રતિકૃતિ બનાવવામાં પારંગત તરીકે ખ્યાતિ મેળવી છે. તેમણે બનાવેલા મોડેલો અમેરિકા, જાપાન, હોંગકોંગ, પેરિસ, પાકિસ્તાન, બલુચિસ્તાન, શ્રીલંકાના મ્યૂઝિયમો અને કંપનીઓની શાન વધારી રહ્યા છે.
દરિયાઈ ચાંચિયાઓ જેનો વધુ ઉપયોગ કરતા તેમજ અમેરિકા ખંડની શોધ કોલંબસે જેના દ્વારા કરી હતી તે ‘બરછા’ વહાણની પ્રતિકòતિ ફોફંડીએ ૨૭મી જાન્યુઆરીના રોજ ગ્રેટ શિપિંગ કંપનીને આપી છે. ઉપરાંત મહારાષ્ટ્રના બેલાપુરની રહેમાન ઇન્ડસ્ટ્રીઝ શિપિંગ ટ્રેનિંગ સેન્ટરમાં ૪૦ મોડેલો, પ્રિન્સ, પેસેફિક, ગ્રેડ શિપિંગ કંપનીમાં તેમજ અદાણી શિપિંગ કંપનીમાં ૧૫ ફૂટ લાંબા આફ્રિકન વહાણની પ્રતિકòતિ તેમણે બનાવી છે. નવલખીના સમયે પણ શિપિંગ અભ્યાસક્રમ ચાલતા તેમાં કરછી કોટિયા, બ્રીકના મોડેલો, સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પણ પ્રાચીન-અર્વાચીન પ્રતિકòતિઓ ઉપલબ્ધ છે.
આ ખલાસીએ ૧૯૭૩માં ૪૫૦૦ ટનની ‘વિશ્વ સેવા’નું પાઇલોટિંગ પણ કર્યું હતું. જવાહરલાલ નેહરુ, અટલબિહારી વાજપેયી, કામરાજ, નરેન્દ્ર મોદીને પણ શિવજીભાઈએ બનાવેલા મોડેલો અપાયા છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનની શોભામાં પણ તેમની કારીગરીથી અભિવૃદ્ધિ થઇ છે. અત્યારે આયખાના ૭૫ વર્ષે પહોંચેલા શિવજીભાઇ યુવાનો માટે પ્રેરણારૂપ છે. શિવજીભાઇએ પોતાની દિલી ઇરછા વ્યકત કરતા જણાવે છે કે માંડવીના બીચને સરકારે ટુરિઝમ બીચ તરીકે જાહેર કર્યોછે, ત્યારે આ બીચના કિનારે એક એકરની જગ્યામાં સિમેન્ટનું અત્યાધુનિક શિપ મોડેલ બનાવવામાં આવે. એ શિપમાં સ્વીમિંગ પુલ, મિનિ સિનેમાગૃહ, ફાસ્ટ ફૂડ ઝોન, રમત-ગમતના સાધનો ધરાવતા જીમ રૂમ, કરછ હેન્ડીક્રાફટનો શૉ રૂમ તેમજ દરિયાઇ જીવ સૃષ્ટિનું મ્યુઝિયમ, વિશાળ પડદા પર દરેક દેશના બંદરોનો વિકાસ નિહાળી શકાય તેવા કોન્ફરન્સ હૉલ જેવી અનેક સુવિધાથી ભરપુર મોડેલ શિપ બનાવવું છે. ઈન શોર્ટ, એ ‘જાયન્ટ શિપ’માં બેઠેલા લોકોને પોતે કોઈ આધુનિક સુવિધાજનક ક્રુઝમાં સવારી કરતા હોય તેવો ભાસ થાય!
શિવજીભાઈ તૈયારી બતાવતા કહે છે,‘આ ભગીરથ કાર્ય કરવા માટે ગુજરાત રાજયના સહકાર અથવા ખાનગી પાર્ટી કે કોઇપણ સંસ્થા આ કાર્ય માટે જયારે પણ મને બોલાવશે ત્યારે એક પૈસો લીધા વિના સંપૂર્ણ કાર્ય કરી આપીશ.’
જહાજોની આબેહૂબ પ્રતિકૃતિઓ બનાવી જાણતા શિવજીભાઈના ખલાસી તરીકેના પરાક્રમો પણ જાણવા જેવા છે. ઇ.સ.૧૯૬૫માં જયારે ભારત-પાક વરચે યુદ્ધ છેડાયું હતું ત્યારે શિવજીભાઇ માંડવી બંદરે ફરજ પર હતા. કરછની એકોએક ક્રીકથી પરિચિત ખલાસીએ ‘કંકાવટી’ ટગમાં સૈનિકોને સમુદ્ર માર્ગથી રેતાળ બોર્ડર પર પહોંચાડયા હતા.
લખપત તાલુકાના પાનધ્રોની લિગ્નાઇટની ખાણ સાથે પરિવહન માટે જળ માર્ગ ઉત્તમ હોવાથી ૧૯૭૮માં એસ.એસ.નેવિગેશન કંપનીને ક્રીક સર્વેનું કામ સોંપાયું હતું. જેમાં કંપનીએ નજીકના કોટેશ્વર બંદરે ૫૦ ટનનું વહાણ આવી શકવાનું જણાવ્યું હતું. પરંતુ શિવજી ફોફંડીએ કંપની સાથે ચર્ચા બાદ એવું તારણ કાઢયું કે પચાસ ટન નહીં, એના કરતા દસ ગણું ભારે એવું પાંચસો ટનનું જહાજ પણ કોટેશ્વર આવી શકે. આખરે એફ. કું.નું પ૦૦ ટનનું જહાજ કોટેશ્વરે આવ્યું હતું. આ જિંદાદિલ આદમી આજે પણ પોતાના કાર્યોદ્વારા જાણે કહે છે કે, ‘પાની મેં પથ્થર મત ફેંકો, વો પાની કોઇ પીતા હૈ ! જીઓ તો ઐસે જીઓ યારો, આપકો દેખ કે કોઇ જીતા હૈ !’
મોડેલ જહાજોની દુનિયા
જગતનો ૯૫ ટકા કરતાં વધુ વિદેશ વેપાર જહાજૉ મારફત ચાલે છે એટલે જહાજ બાંધકામનો ઉધોગ સતત ફૂલતો-ફાલતો રહે છે. કોઈ મોટું જહાજ બનાવતા પહેલાં કોઈ ગફલત ન થાય તે માટે તેનું મોડેલ તૈયાર કરવામાં આવતું હોય છે. સામાન્ય સંજૉગોમાં મોડેલનું કદ મૂળ જહાજ કરતાં ૬,૦૦૦ ગણું નાનું હોય છે. વિશ્વવિખ્યાત ફિલ્મ ‘ટાઈટેનિક’ બનાવતા પહેલાં તેના નિર્માતા જેમ્સ કેમેરોને મૂળ જહાજ કરતાં થોડું જ નાનું એવું મોડેલ બનાવી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. જૉકે મોડેલ માત્ર એક સાઈડનું જ બનાવવામાં આવ્યું હતું. બ્રિટનના બંદર લિવરપુલના સંગ્રહસ્થાનમાં આજે પણ ટાઈટેનિકનું એક નાનું મોડેલ રાખવામાં આવ્યું છે.ષ્ટ્રપતિ ભવનની શોભામાં પણ અભિવૃદ્ધિ કરે છે
લેખક: સુરેશ ગોસ્વામી

જગતના છાપરા પર આફતના ઓળા

જગતના છાપરે ઘમસાણ મરયું છે. ૪૯૦૦ મીટરની ઉંચાઇએ વસેલો આ દેશ બૌદ્ધ ધર્મનો ચુસ્ત અનુયાયી છે. વિશ્વ જયારે સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાની વાતો કરી રહ્યું છે ત્યારે તિબેટ સ્વતંત્રતા માટે નહીં, સ્વાયત્તતા માટે ભીખ માગી રહ્યું છે. જગતમાં પોતાની જાતને સુપરપાવર સાબિત કરવા ઉતાવળું થયેલું ચીન ઓલિમ્પિકની ભવ્ય ઉજવણી માટેની તડામાર તૈયારી કરી રહ્યું છે ત્યારે જ તિબટના લોકોએ લાગ જૉઇને નાક દબાવ્યું છે. અન્ય કોઇ આડા દિવસોમાં તિબેટે આવો વિરોધ કર્યોહોત તો ચીન લ્હાસામાં કાળો કેર વર્તાવી દીધો હોત. આ તો ઓલિમ્પિકના રંગમાં ભંગ ન પડે તે માટે ચીન જરા હળવા હાથે કામ લઇ રહ્યું છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વાઇસ પ્રેસિડન્ટ થોમસ બાચે તો મમરો મૂકી જ દીધો છે કે ચીનના દમનના વિરોધમાં કેટલાક રમતવીરો બહિષ્કાર કરવાની વિચારણા કરી રહ્યા છે.
આપણે ભારતીયોને તિબેટ પ્રત્યે હિસ્ટોરિકલ અને નૈતિક દયાભાવના છે. આપણું દુશ્મન ચીને એક શાંત નાનકડા દેશને પચાવી પાડે એનો આપણે વિરોધ કરીએ છીએ અને એટલે જ, ભારતે દલાઇ લામાને હિમાચલ પ્રદેશમાં ધર્મશાલા ખાતે આશરો આપ્યો છે. આપણે જેને એક અલગ દેશ તરીકે માનીએ છીએ તે તિબેટનું સ્ટેટસ શું છે? તેનો ઇતિહાસ શું છે અને, ચીનના તાબામાં તે કેમ આવ્યું અને, ભારતે કેમ કશું કર્યું નહીં તેની રસપ્રદ કહાની છે.
તિબેટની સંસ્કòતિ વિશ્વની સૌથી પુરાતન સંસ્કòતિઓમાંની એક છે. ‘ધ સ્ટોરી ઓફ તિબેટ: કન્વર્સેશન વિથ દલાઇ લામા’માં લેખક થોમસ લેઇર્ડે લખ્યું છે કે ‘ભારતીય પુરાતત્ત્વશાસ્ત્રી વી.એન.મિશ્રાના મત પ્રમાણે લગભગ વીસ હજાર વર્ષ પહેલાં માનવીઓ તિબેટમાં વસ્યા હતા. પાંચ લાખ વર્ષ પહેલાં ભારતમાં વસવાટ ચાલુ થયો તે સમયે લોકો તિબેટ સુધી પહોંચી ગયા હોવાનું પણ માની શકાય.’ વિશ્વ ઇતિહાસમાં તિબેટનો ઉલ્લેખ સૌપ્રથમ વખત ચીની ઐતિહાસિક પુસ્તકોમાં થયેલો જૉવા મળે છે. ૭મી સદીમાં તિબેટના રાજા નામરી લોન્તસેને પોતાનો દૂત ચીનના શહેનશાહના દરબારમાં મોકલ્યો તેની નોંધ મળે છે. તિબેટનો પુરાતન ઇતિહાસ તેની દંતકથાઓમાં સમવાયેલો છે અને, તેમાં ભારત સાથેની ગર્ભનાળ જૉડાયેલી દેખાઇ આવે છે. તેની એક તરફ ચીન બીજી તરફ ભારત છે, પરંતુ ૧૬,૦૦૦ ફૂટ કરતાં પણ વધુ ચાઇએ વસેલું હોવાના કારણે અને હિમાલયના કુદરતી કિલ્લાથી રક્ષાયેલું હોવાના કારણે તિબેટ આ બંને દેશથી દૂર રહ્યું છે. તિબેટના ઇતિહાસમાં શાસકોની યાદી અત્યંત લાંબી છે. તિબેટિયન રાજા રાલ્પચાનના સમયમાં તિબેટનો વિસ્તાર દક્ષિણમાં છેક બંગાળ સુધી અને ઉત્તરમાં છેક મોંગોલિયા સુધી વિસ્તર્યોહતો. આમ પણ તિબેટિયનો સિનો-બર્મિઝ શાખાના છે અને તેમની ભાષા પણ આ કુળની જ છે. તેમનો નાકનકશો પણ મોંગોલિયન પ્રકારનો, ચીની-નેપાળીઓને મળતો આવે છે. ૬૩૪માં તિબેટનું સામ્રાજય એટલું પાવરફુલ બની ગયું હતું કે તિબેટિયન સમ્રાટ સોંગત્સાન ગેમ્પોએ એક દૂતને ચીન મોકલીને ચીનની કુંવરીનો હાથ માગ્યો હતો, અને ના પાડતાં તેણે ચીન સાથે લડાઇ શરૂ કરી અને, ૬૩૫ની સાલમાં ચીનના સમ્રાટ તેને કુંવરી આપવા તૈયાર થઇ ગયા. તિબેટની બાજુના દેશ ઝાંગ ઝૂંગના રાજાને પરણાવવા માટે ગેમ્પોએ પોતાની બહેનને મોકલી હતી પણ રાજાએ તેનો ઇનકાર કર્યોઅને ગેમ્પોએ તે રાજય ઉપર આક્રમણ કરીને તેને જીતી લીધું. ઝાંગ ઝૂંગ અત્યારે પિશ્ચમ તિબેટ તરીકે ઓળખાય છે. સદીઓ સુધી તિબેટનું સામ્રાજય એક મજબૂત રાજય રહ્યું હતું. જેણે ચીનને વારંવાર પરાસ્ત કર્યું હતું. ૮૧૫થી ૮૩૮ સુધી તિબેટ ઉપર રાજ કરનાર સમ્રાટ રાલ્પમાન તિબેટના ઇતિહાસમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તિબેટના ત્રણ ધર્મરાજાઓમાં તેનું સ્થાન છે. તિબેટને આ રાજાઓએ બૌદ્ધ બનાવ્યું હતું. બૌદ્ધ ધર્મના ગ્રંથોનો તિબેટી ભાષામાં અનુવાદ તેણે કરાવ્યો હતો અને ‘મહાવ્યુત્પતિ’ નામનો સંસ્કòત-તિબેટી શબ્દકોશ બનાવડાવ્યો હતો. તેના પછીના રાજા લાંગદમાં તિબેટમાં અરાજક સ્થિતિ ફેલાવા માંડી અને તેના મૃત્યુ પછી કોને ઉત્તરાધિકારી બનાવવો તે મામલે થયેલા સંઘર્ષમાં તિબેટના ભાગલા પડયા.
૧૨૪૬ની સાલ તિબેટના ઇતિહાસમાં અમર છે. આ એ વર્ષ છે જયારે મોંગોલોએ તિબેટ પરનાં આક્રમણો તેજ કયાô અને તિબેટમાં વસતા બંગાળી શાકય પંથના વડા શાકય પંડિતને મોંગોલ સૂબા પોતાના દરબારમાં બોલાવ્યા. ચંગીઝખાન ત્યારે ચીન જીતી ચૂકયો હતો અને હિમાલય તરફના સોંગ ચીનનો કબજૉ લેવા માટે તિબેટ તરફથી આક્રમણ કરવાનું વિચારી રહ્યો હતો શાકય પંડિત મોંગોલ સૂબાના દરબારમાં આવ્યા અને તિબેટે પણ શરણાગતિ સ્વીકારી લીધી. ચંગીઝખાનના ચીની સામ્રાજયમાં તિબેટ ભળી ગયું. અહીંથી શરૂ થાય છે ચીનના આજના વલણનું કારણ. ચીની ઇતિહાસકારો કહે છે કે ત્યારે તિબેટ ચીનમાં ભળી ગયું હતું. તિબેટિયન ઇતિહાસકારો કહે છે કે ચીન અને તિબેટ એ ચંગીઝખાનના સામ્રાજયના બે અલગ અલગ ભાગ હતા, તિબેટ ચીનમાં નહીં, મોંગોલ સામ્રાજયમાં ભળ્યું હતું. કુલ્લાઇખાને મોંગોલને ચીની છોકરીઓ સાથે પરણવા પર પ્રતિબંધ મૂકયો હતો. ચીન અને તિબેટના વહીવટી અને કાનૂની માળખાને તેણે યથાવત્ રાખ્યાં હતાં. તિબેટે કયારેય ચીની શિક્ષણ માળખું સ્વીકાર્યું નહોતું અને ચીનની નિયો કન્ફયુસિયસ જાતિને પણ સ્વીકારી નહોતી. અલ્તાનખાને તિબેટિયન બૌદ્ધ પંથના વડા સોનમ ગ્યાત્સોને ૧૫૬૯માં મોંગોલિયા આવવા આમંત્રણ આપ્યું. ગ્યાત્સોએ પોતાના એક શિષ્યને મોકલી આપ્યો. શિષ્યએ પરત આવીને મોંગોલિયામાં બૌદ્ધ ધર્મ ફેલાવવાની તક અંગે ગ્યાત્સોને માહિતી આપી. ૧૫૭૩માં ફરીથી અલ્તાનખાને કેટલાક બૌદ્ધ સાધુઓને જેલમાં પૂર્યા અને ૧૫૭૮માં ફરીથી ગ્યાત્સોને આમંત્રણ આપ્યું અને ગ્યાત્સો મોંગોલિયા ગયા. આ ગ્યાત્સો એટલે તે વખતના દલાઇ લામા. સોનમ ગ્યાત્સોએ કહ્યું કે હું કુલ્લાઇખાનનું ધર્મ પરિવર્તન કરાવનાર શાકય સાધુ ડ્રોગોન કુગપાનો અવતાર છું અને અલ્તાનખાન કુલ્લાઇખાનનો અવતાર છે, અમે બંને બૌદ્ધ ધર્મના વિસ્તરણ માટે આ ધરતી પર આવ્યા છીએ. આ પછી બૌદ્ધ ધર્મનો પ્રભાવ મોંગોલ સામ્રાજય પર એટલો વઘ્યો કે ચોથો દલાઇ લામા યોન્તેન ગ્યાત્સો અલ્તાનખાનના પૌત્ર હતા. અલ્તાનખાન સોનમ ગ્યાત્સોને દલાઇ લામા કહેતા હતા, પછીથી આ શબ્દો ટાઇટલ બની ગયા. તે પછી દલાઇ લામા તિબેટના ધર્મગુરુ અને રાજકીય વડા પણ બન્યા. છઠ્ઠા દલાઇ લામા વ્યભિચારી નીકળ્યા. તે દારૂ પીતા, સુંદરીઓના શોખીન હતા અને પ્રેમ કવિતાઓ લખવામાં સમય પસાર કરતા હતા. તે વખતે ચીને લ્હાઝખાંગ ખાન નામના મોંગોલ સૂબાને એક નવા દલાઇ લામા સાથે તિબેટ મોકલ્યો. જેણે તિબેટ જીતી લીધું પણ, તિબેટના લોકોએ નવા લામાને ન સ્વીકાર્યા. અત્યારે પણ ચીને કરમાપા લામાને ધરાર દલાઇ લામા બનાવવાના પેંતરા ચાલુ જ રાખ્યા છે. ભારત પર બ્રિટને કબજૉ જમાવ્યા પછી તિબેટ પર પણ તેનો ડોળો મંડાયો હતો. ૧૮૮૬, ૧૮૯૦ અને ૧૮૯૩માં બ્રિટને ચીન સાથે તિબેટ અંગે સંધિઓ કરી પણ તિબેટ સરકારે તે સ્વીકારી નહીં. બ્રિટન શરૂઆતથી જ તિબેટને ચીનનો એક ભાગ ગણતું આવ્યું હતું.
૧૯૦૪માં બ્રિટિશ લેફટેનન્ટ કર્નલ યંગહસબંડના નેતૃત્વ હેઠળ ગયેલી ફોજે તિબેટ જીતી લીધું. ચીને તિબેટ ઉપર આધિપત્યનો દાવો કર્યોઅને શરૂ થયો તિબેટ વિવાદ. દલાઇ લામા મોંગોલિયા ભાગી ગયા. લામાના ભવ્ય કોટલા પેલેસમાં ત્રિ રિમ્પોએ અને યંગહસબંડ વરચે કરાર થયા અને વચગાળાની સરકાર સ્થાપવાની સમજૂતી થઇ. કરાર મુજબ લ્હાસાએ ભારતીય અને બ્રિટિશ વેપારીઓ પાસેથી જકાત લેવી નહીં અને તિબેટે બ્રિટનની મંજૂરી વગર કોઇ વિદેશી સત્તા સાથે વહેવાર કરવો નહીં. ૧૯૧૦માં ચીને ફરી મોટાપાયે આક્રમણ કર્યું અને દલાઇ લામાને તેના મહેલમાં નજરકેદ કર્યા. દલાઇ લામા ફરી વખત દેશ છોડીને ભાગ્યા. આ વખતે તેઓ ભારત આવ્યા.
સિમલા કરાર નામ ભારતના ઇતિહાસ માટે ઘણું મહત્ત્વનું છે. પ્રથમ સિમલા કરાર ૧૯૧૪માં બ્રિટન, તિબેટ અને ચીન વરચે થયો હતો. મેકમોહન લાઇનથી પ્રખ્યાત બ્રિટિશ ચીફ નેગેશિયટેર હેન્રી મેકમોહને તિબેટ અને ભારતને અલગ પાડતી એક રેખા લાલ પેનથી નકશા ઉપર તે સમયે દોરી તે આજ દિવસ સુધી વિવાદમાં રહી છે. ચીન કહે છે કે આ લાઇન દોરતી વખતે મેકમોહને ભારતને ઘણો ચીની પ્રદેશ આપી દીધો છે. ચીન સતત તિબેટ પર પોતાનો દાવો કરતું રહ્યું હતું. ૧૯૪૭થી ૪૯ દરમિયાન તિબેટે બ્રિટન, ભારત, અમેરિકા, હોંગકોંગ વગેરે દેશોમાં પોતાનાં વ્યાપારી મિશન મોકલ્યાં પણ કોઇ દેશે તિબેટને અલગ દેશ તરીકે માન્યતા ન આપી અને ચીન નારાજ થવાના ડરે મિશન સાથે રાજકીય વાટાઘાટો પણ ન કરી. ૧૯૪૯માં માઓ ઝેદોંગ સત્તા ઉપર આવ્યા કે તરત જ તિબેટને ચીનનો અવિભાજય ભાગ જાહેર કર્યું અને ૧૯૫૦માં ચીની સૈન્ય કીડિયારાંની જેમ તિબેટ ઉપર ચડી આવ્યું. ૧૯૫૯માં ચીને લ્હાસાનો સંપૂર્ણ કબજૉ લઇ લીધો અને આજના દલાઇ લામા તેન્ઝીન ગ્યાત્સો ભાગીને ભારત આવતા રહ્યા. ૧૯૪૯માં જયારે ચીને તિબેટનો કબજૉ લીધો ત્યારે ભારત હજી આઝાદ જ થયું હતું અને ચીની ડ્રેગનને તિબેટને ગળી જતો જૉઇ રહેવા સિવાય તેની પાસે કોઇ ઉપાય નહોતો. દલાઇ લામા શબ્દમાં દલાઇનો અર્થ મોંગોલ ભાષા પ્રમાણે સમુદ્ર થાય છે, લામાનો અર્થ થાય છે ગુરુ. ૧૪મા દલાઇ લામા અત્યારે ધર્મશાલામાંથી તિબેટની ગવર્નમેન્ટ ઇન એકઝાઇલ ચલાવે છે. તેઓ તિબેટની સ્વતંત્રતા નહીં, સ્વાયત્તતા માગી રહ્યા છે અને ચીન દુર્યોધનની માફક સોયની અણી જેટલી છૂટ પણ આપવા માગતું નથી. જે રીતે વિશ્વમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે તે જૉતા તિબેટને ભવિષ્યમાં સ્વાયત્તતા મળે એવાં એંધાણ પણ જણાતાં નથી.
લેખક: કાના બાંટવા

Tuesday, March 25, 2008

‘રાજકારણની આરપાર’

સંસદની પ્રતિષ્ઠાની જવાબદારી કોની ?
લેખક: દિનેશ શુકલ

સંસદસભ્યોના ગૃહમાં ‘બેજવાબદાર વર્તન’ અને તેને કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ જવાનાં તાજેતરમાં બનેલા કેટલાક બનાવો વિશે લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટરજી અને રાજ્યસભાના ચેરમેન મોહમદ હમીદ અન્સારીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમાં પણ અધ્યક્ષ સોમનાથ ચેટરજીએ તો રીતસર આક્રોશ વ્યક્ત કર્યો છે, જે આપણે ટી.વી. ચેનલો પર જોયો છે. ૧૩ માર્ચે ચેટરજીનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો. ‘સંસદગૃહોની બહાર મૂકવામાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ જઈને રૃલ બુક બાળી નાંખ્યો.’
અગાઉ ગૃહમાં શાંતિ રાખવાની પોતાની વારંવારની અપીલ, કહો કે આજીજી કાને ન ધરાતા તેમણે સભ્યોને ઉદ્દેશીને કહ્યું હતું કે, “તમે સૌ લોકશાહીની હત્યા કરી રહ્યા છો. ગૃહમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ એ આખું જગત જોઈ રહ્યું છે, આપણે શરમાવું જોઈએ.”
એ પહેલાં પણ જ્યારે તેમનાથી સભ્યોનું ગેરવર્તન સહન ન થતા કહ્યું હતું કે, સભ્યોનું વર્તન તદ્દન અયોગ્ય અને બિલકુલ અસ્વીકાર્ય છે. નાગરિકોની નજરમાં ગૃહનાં ગૌરવ અને પ્રતિષ્ઠા નીચે ઊતરે એવું કશું જ ચલાવી લઈ શકાય નહીં.
સંસદની કાર્યવાહી ખોરવાઈ જવાને કારણે ૨૦૦૭ના વર્ષ દરમિયાન લોકસભા તેના નિર્ધારિત સમયના માત્ર ૫૧ ટકા જ કામ કરી શકી. જ્યારે રાજ્યસભા તો તેનાથી ઓછા સમય માટે, માત્ર ૪૩ ટકા જ કામ કરી શકી. (રાજ્યસભા વરિષ્ઠ-પ્રબુદ્ધજનોની સભા ગણાય છે !) ગયા વર્ષ દરમિયાન લોકસભા માત્ર ૬૭ દિવસ જ ચાલી, છેલ્લાં કેટલાંક વર્ષોનો આ એક ઓછા દિવસનો રેકોર્ડ છે! અને તે પણ દિવસના સરેરાશ ૪.૩ કલાક, જે ખરેખર દિવસના છ કલાક ચાલવી જોઈએ. રાજ્યસભા સરેરાશ ૩.૩ કલાક ચાલી, જે ખરેખર પાંચ કલાક ચાલવી જોઈએ. ૨૦૦૭માં લોકસભામાં માત્ર ૪૬ ખરડા પસાર થયા (કેટલી ચર્ચા થઈ હશે, એની ચાડી તો ઉપરના આંકડા ખાય છે !) જ્યારે ૨૦૦૬ના વર્ષમાં ૬૫ ખરડા પસાર થયેલા. તેમાં પણ ૪૦ ટકા જેટલા ખરડા તો નામ માત્રની ચર્ચા કે બિલકુલ ચર્ચા વિના જ પસાર થયા. રાજ્યસભામાં પણ ૩૦ ટકા ખરડા કોઈ પણ ચર્ચા વિના જ પસાર થયા.
સવાલ કેટલા સમયમાં કેટલા ખરડા પસાર થયા, એટલા પૂરતો મર્યાદિત નથી. આ સમયમાં પસાર થયેલા ખરડા દૂરગામી સૂચિતાર્થો અને મહત્ત્વના નીતિવિષયક મુદ્દાઓને લગતા હતા, છતાં તેમના પર લગભગ નહિવત્ ચર્ચા-વિચારણા થઈ. બે મહત્ત્વના કાયદા- ‘લેન્ડ એક્વિઝિશન એક્ટ’ અને ‘ઇન્ડિયન પોલીસ એક્ટ’ તો બ્રિટિશ શાસન દરમિયાન ૧૯મી સદીમાં ઘડવામાં આવેલા, તેમાં કેટલાક ફેરફાર કરવા તાકતા બિલો આછી-પાતળી ચર્ચા વચ્ચે પસાર થયા. આ કાયદાઓનું પાયાનું માળખું તો યથાવત્ રહ્યું છે.
ગૃહમાં એક સભ્ય બોલતા હોય ત્યારે વચ્ચે ઊભા થઈને તેમને બોલવા ન દેવા, ક્ષુલ્લક બાબતો માટે ગૃહમાં ભારે ઘોંઘાટ કરવો, શોરબકોર અને સામસામે સૂત્રોચ્ચાર કરવો, ગૃહના ‘વેલ’માં ધસી જવું, સ્પીકરની આજીજીને કાને જ ન ધરવી- આવા સમાચાર વાંચીને અને ટી.વી. ચેનલો પર સાદૃશ જોઈને સામાન્ય માણસને કેવી લાગણી થતી હશે, એ તો જ્યારે સર્વે કરીએ ત્યારે ખબર પડે ! પણ તેના મનમાં એક પ્રશ્ન થયા વિના ન રહે કે સ્પીકર આ બધું કેમ અટકાવતા નહીં હોય ? ગૃહમાં સ્પીકર શું એટલા નિર્બળ અને નિરાધાર છે, કેમ કશું કરતા નથી ? બંને ગૃહોની કાર્યવાહી માટે ચોક્કસ નિયમો-ધારાધોરણો (રૃલબુક) છે. એને આધારે સ્પીકર અને ચેરમેનને ઠીકઠીક પ્રમાણમાં સત્તાઓ પણ છે. નહીં ગાંઠતા સભ્યોની સામે ગેરશિસ્ત માટે જરૃરી પગલાં તેઓ ભરી શકે છે. લોકસભાના રૃલમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સ્પીકર ગૃહમાં વ્યવસ્થા જાળવશે અને તે હેતુ માટે પોતાના નિર્ણયોનો અમલ કરવા માટેની જરૃરી સત્તાઓ ધરાવે છે.
સ્પીકર કોઈ પણ ‘ગેરશિસ્ત’ આચરતા સભ્યને ગૃહમાંથી બહાર ચાલ્યા જવાનો આદેશ આપી શકે. સ્પીકર કોઈ પણ સભ્યનો નામજોગ ઉલ્લેખ કરીને સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરી શકે. ઓટોમેટિક સસ્પેન્શન કલમ હેઠળ ગૃહની સતત પાંચ બેઠક સુધી તેઓ ગૃહમાં હાજર રહી શકે નહીં. રાજ્યસભાના ચેરમેનને પણ ગૃહમાં વ્યવસ્થા જાળવવા માટે આવી જ સત્તાઓ આપવામાં આવી છે. કમનસીબે, આ સત્તાઓનો જ્વલ્લે જ ઉપયોગ કરવામાં આવે છે. એકલદોકલ સંસદસભ્ય માટે આ સત્તાઓનો ઉપયોગ કદાચ કારગત નીવડે પણ જ્યાં આખો વિરોધ પક્ષ ખડે પગે થઈ ગયો હોય, શોરબકોર કરતો હોય અને વેલમાં ધસી જઈને સૂત્રોચ્ચાર કરતો હોય ત્યાં સ્પીકર હાથ જોડીને બેસી ન રહે તો શું કરે ? બહુ બહુ તો ગૃહને મોકૂફ (એડજોર્ન) કરી શકે, પણ આવું તે કેટલી વાર કરે ?
તાજેતરમાં રાજ્યસભામાં કેટલાક સભ્યોએ પ્રશ્નકાળ (ક્વેશ્ચન અવર) એવી ‘અવ્યવસ્થા’ ઊભી કરી કે બીજા સભ્યો (જેમણે પ્રશ્નો રજૂ કરેલા હતા) એ અત્યંત મહત્ત્વના સમય દરમિયાન પ્રશ્નો જ પૂછી ન શક્યા અને ચર્ચામાં ભાગ જ ન લઈ શક્યા. તે સભ્યોએ ચેરમેન ડો. અન્સારી સમક્ષ ફરિયાદ કરી કે, આને કારણે ગૃહના કામકાજમાં ભાગ લેવાના તેમના વિશેષાધિકારનો ભંગ થયો છે. સંસદસભ્યો (અને રાજ્યોમાં વિધાનસભ્યો) ધારાગૃહોમાં પોતાના વિચારો મુક્તપણે અને કોઈની શેહશરમ રાખ્યા વિના વ્યક્ત કરી શકે તે માટે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ધરાવે છે. ગૃહમાં ખલેલ ઊભી કરતા આ સભ્યો દ્વારા તેમના આ વિશેષાધિકારનો ભંગ થયો છે. ફરિયાદની ગંભીરતા જોઈને ડો. અન્સારીએ આ આખો મુદ્દો ગૃહની વિશેષાધિકાર સમિતિને સુપરત કર્યો છે.
સંસદકીય વિશેષાધિકારો, સંસદસભ્યો ગૃહમાં જે બોલે અથવા મતદાન કરે તે સામે અદાલતોમાં એક પ્રકારનું રક્ષણ પૂરું પાડે છે. ગૃહમાંના તેમના કોઈ પણ ‘કૃત્ય’ (અભિવ્યક્તિ કે મતદાન)ને અદાલતોમાં પડકારી શકાતું નથી, પણ ગૃહની કાર્યવાહી જ ખોરવી નાંખવામાં આવે અને કોઈ સભ્ય ગૃહમાં પોતાનો આ વિશેષાધિકાર (અભિવ્યક્તિની સ્વતંત્રતા) જ ભોગવી ન શકે ત્યારે શું કરવું ? ખલેલ પહોંચાડનારાઓ પણ એવી જ દલીલ કરે કે, તેઓ પણ ગૃહમાં પોતાની વાણી-અભિવ્યક્તિની વિશેષ સ્વતંત્રતાનો ઉપયોગ કરતા હતા ! તો પછી કોનો વિશેષાધિકાર ચઢિયાતો ગણાય, ખલેલ પહોંચાડનારાઓનો કે ખલેલને કારણે જેઓ ગૃહમાં પોતાના વિચારો જ વ્યક્ત ન કરી શક્યા એમનો ?
સંસદ અને સંસદસભ્યોના વિશેષાધિકારો વિશે આપણે ત્યાં અવારનવાર વિવાદો ઊભા થયા કરે છે. ક્યારેક એ મુદ્દે સંસદ (અને સંસદસભ્યો) અને ન્યાયતંત્ર વચ્ચે અથડામણ થાય છે તો ક્યારેક સંસદ અને અખબારો વચ્ચે મતભેદો ઊભા થાય છે. આ વિવાદોના મૂળમાં આપણી સંસદે સંસદ અને વિધાનસભ્યોના વિશેષાધિકારોને સંહિતાબદ્ધ (કોડિફાઈડ) કરેલા નથી. સર્વોચ્ચ અદાલતે અને બંધારણ શાસ્ત્રીઓએ અવારનવાર એ વિશે સંસદનું ધ્યાન દીધું છે કે, સંસદ અને સંસદસભ્યોના વિશેષાધિકારોને કાયદાબદ્ધ (કોડિફાઈ) કરવામાં આવે, પણ બધા રાજકીય પક્ષો અને તેમના નેતાઓ કોડિફાઈ કરવાની કોઈ ‘જરૃર’ જોતા નથી. બંધારણમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ભારતીય સંસદ આ વિશેષાધિકારોને ‘કોડિફાઈ’ ન કરે ત્યાં સુધી ઇંગ્લેન્ડની આમ સભા (હાઉસ ઑફ કોમન્સ)ના સભ્યો જે વિશેષાધિકારો ભોગવે છે, તે ભોગવશે.

‘શિક્ષણના પ્રવાહો’

ગુજરાત ગૌરવ લઈ શકે તેવી શૈક્ષણિક ઘટનાઓ પણ ઘટી છે
પાટણની દુર્ઘટના પછી ગુજરાતનું સમગ્ર શિક્ષણ ખાડે ગયું છે એમ માનવાની જરૃર નથી. પાટણ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની શરમજનક દુર્ઘટના બન્યા છતાં ગુજરાતમાં કેટલાંક ઉત્તમ કાર્ય કરતાં ડાયટ છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ડાયટ એવું છે કે, ત્યાં સાયન્સ પાર્ક પ્રાંગણમાં પ્રવેશતાં જ જોવા મળે. સાયકોલેબ ગુજરાતમાં આ ડાયટમાં પ્રથમ થઈ છે.
આ ડાયટ શિક્ષણની ગુણવત્તા સુધારણાના અને શિક્ષક-વિદ્યાર્થીઓમાં નૈતિક તથા મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં અગ્રેસર છે. ભવનના પ્રગતિશીલ-પ્રયોગવીર- સાચાબોલા પ્રાચાર્ય અને તેમની યુવાન પ્રશિક્ષકોની ટીમે શિક્ષણવિષયક અનેક પ્રવૃત્તિઓ કરીને રાજ્યના શ્રેષ્ઠ તાલીમભવનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ડાયટે ‘વિચારોના વૃંદાવનમાં’ વ્યાખ્યાનમાળા યોજીને અને ‘કેસૂડાં’- મુખપત્ર પ્રગટ કરીને આગવી છાપ ઊભી કરી છે. ગ્રાન્ટેડ પી.ટી.સી. કોલેજોમાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય-નડિયાદ, સર્વોદય આશ્રમ-બાબાપુર અને વિશ્વમંગલમ્-અનેરાની બહેનોની પી.ટીસી. કોલેજમાં દીકરીઓનું જે શિક્ષણ થાય છે તે ગુજરાતનાં અન્ય અધ્યાપન મંદિરોએ જોવું જોઈએ. સ્વનિર્ભર પી.ટી.સી. કોલેજોમાં મોડાસાની કોલેજ કેમ્પસમાં આવેલી મિશ્ર પી.ટી.સી. કોલેજ, લખતરની ઓઝા પી.ટી.સી. કોલેજ અને કડી સર્વવિદ્યાલય કેમ્પસની પી.ટી.સી. કોલેજો નમૂનેદાર છે. ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત વલ્લભ વિદ્યાલય-બોચાસણનું અધ્યાપન મંદિર તો આદર્શ છે.
વળી ગુજરાતના શિક્ષણમાં બધું જ બગડી ગયું છે એવી બૂમો પાડનારાઓએ સાબરકાંઠા જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી શાંતિનિકેતન ઉત્તર બુનિયાદી સંસ્થા જોવી જોઈએ. શિક્ષક દંપતીએ વૃંદાવન સંસ્થામાં રહીને શિક્ષકોનો એક પણ પૈસો લીધા વિના આ સંસ્થા વિકસાવી છે. સંસ્થાના સંચાલન માટેની બીજી કેડર પણ ઊભી કરી છે એ બધી શિક્ષણ સંસ્થાઓએ પ્રેરણા લેવી જેવી ઘટના છે. બાલાસિનોરમાં કરુણા નિકેતન-મિશન હાઈસ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ પર્યાવરણ પૂરું પાડે છે. આ સંસ્થા દ્વારા બાલાસિનોર વિસ્તારની ૩૬ માધ્યમિક શાળાઓના શિક્ષક-આચાર્યો અને વાલીઓનું ‘પાથેય શાળા વિકાસ સંકુલ’ શિક્ષણની ગુણવત્તા સુધારણાના અનેક કાર્યક્રમો યોજે છે. હમણાં જ એક શૈક્ષણિક સેમિનારમાં આ કોલમના લેખક જઈ આવ્યા. પાંચસો જેટલા સક્રિય શિક્ષકો-વાલીઓએ આખો દિવસ ગોષ્ઠિ કરી. મહેસાણા-સાબરકાંઠા- બનાસકાંઠા જિલ્લાની સરહદે સતલાસણા તાલુકાના અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કોઠાસણા વિદ્યામંદિર શિક્ષણની જ્યોત પવિત્ર રીતે જલતી રાખી રહ્યું છે. આ જ ગામના ઠાકોર સાહેબે આ સંસ્થાને ધો. ૫થી ૧૦ની તીર્થભૂમિ જેવી બનાવી છે. આ સંસ્થાનું કેમ્પસ જ સૌને સ્પર્શી જાય તેવું છે. આ સંસ્થા અત્યાર સુધીમાં તાલુકાકક્ષાએ ૪૮૫, જિલ્લાકક્ષાએ ૧૯૮, રાજ્યકક્ષાએ ૧૨૧ અને રાષ્ટ્રીયકક્ષાએ ૩ ટાઈટલ્સ રમતગમતક્ષેત્રે મેળવી ચૂકી છે. ઇકો ક્લબને પર્યાવરણનો રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો છે. આ સંસ્થામાં વેધશાળા છે જેનો ઉપયોગ આ વિસ્તારના લોકો પણ કરે છે. ૧૯૦ વિદ્યાર્થીઓનું શિસ્ત-શિક્ષણ અને સંસ્કારનું ઘડતર કરતું છાત્રાલય છે. અંબાજી દર્શને જતાં યાત્રીઓએ આ સંસ્થાના દર્શન કરી ધન્યતા અનુભવવા જેવી છે.
શહેરો કરતાંયે ગ્રામકક્ષાએ ગુજરાતમાં કેટલીયે કોલેજો ઉત્તમ કાર્ય કરે છે. સર્વ વિદ્યાલય કડી કેમ્પસની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, વડોદરા જિલ્લાની સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને મહેસાણા જિલ્લાના સતલાસણાની આર્ટ્સ કોલેજો જુઓ તો ખ્યાલ આવે કે યુવાન આચાર્યો-અધ્યાપકોની ટીમ કોલેજકક્ષાએ કેટલા પરિશ્રમથી કાર્ય કરે છે. મોટા ભાગના અધ્યાપકો લર્નરની ભૂમિકામાં ઉત્તમ કાર્ય કરે છે. સતલાસણામાં તો લેંગ્વેજ લેબોરેટરી પણ છે. અહીંની સમૃદ્ધ લાઈબ્રેરી અને જીવંત ગ્રંથપાલ એ પણ એક નજરાણું છે.
ગુજરાતમાં પાટણકાંડ થયો તે દિવસોમાં ગુજરાત ગૌરવ લઈ શકે તેવી શૈક્ષણિક ઘટનાઓ પણ ઘટી છે. ભારત સરકારે દેશની ત્રણ શાળાઓને ‘રાષ્ટ્રીય વિરાસત શાળા’ તરીકે જાહેર કરી છે. જેમાં ગુજરાતની નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી ગ્રામ દક્ષિણાર્મૂિત આંબલા છે. અહીંથી સૌરાષ્ટ્રની લોકશાળાઓની દર વર્ષે પચાસ વર્ષથી રેલી યોજાય છે. આ વર્ષે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા-ખડસલી- ડેડકડી અને વાંગધ્રા લોકશાળાઓમાં પાંચ દિવસની ધો. ૯ના ૨૫ લોકશાળાઓના ૨૧૦૩ વિદ્યાર્થીઓ અને ૫૨ શિક્ષકોની અંગ્રેજી વિષયની સફળ રેલી યોજાઈ. નઈતાલીમની આ શાળાઓના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલતા-લખતા થઈ ગયા. આ જેવીતેવી ઘટના નથી.
દક્ષિણ ગુજરાતની આશ્રમશાળા પગલાં સમિતિના ઉપક્રમે વ્યારામાં આશ્રમશાળાઓ-ઉત્તર બુનિયાદીઓના વાલીઓ-શિક્ષકો- આચાર્યો- સંચાલકો- ગૃહપતિ- ગૃહમાતાઓનું ત્રીજું મહાસંમેલન યોજાઈ ગયું. સાતેક હજાર વ્યક્તિઓએ આ સંમેલનમાં ભાગ લીધો. નર્મદાથી તાપી અને ડાંગ જિલ્લા સુધીનું પ્રતિનિધિત્વ હતું. આ જ દિવસોમાં સાયલાના રાજ સોભાગ સત્સંગ મંડળના ઉપક્રમે ચાલતા ‘પ્રેમની પરબ’ પ્રોજેક્ટના ઉપક્રમે ‘બાળચેતના પર્વ-૨૦૦૮’નો બે દિવસનો સફળ મેળાવડો થયો. આ બધી શિક્ષણની ઘટનાઓ શિક્ષણની શોભા છે. આપણા મીડિયાનું એ તરફ ક્યારે ધ્યાન જશે ?!

કેન્દ્રીય કર્મચારીઓનાં વેતનમાં ૪૦%નો વધારો

ચૂંટણીઓ પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના બોનાન્ઝામાં આજે છઠ્ઠા પગારપંચે પગારોમાં સરેરાશ ૪૦ ટકા વધારાની ભલામણ કરી છે તેમ જ તેમાં કેબિનેટ સેક્રેટરી અને ર્સિવસ ચીફ્સના પગાર માસિક રૃ. ૯૦,૦૦૦ રાખવાનો અને મોટા ભાગનાં ભથ્થાંઓ બમણાં કરવાનો સમાવેશ થાય છે. આનાથી ૨૦૦૮-૦૯માં કેન્દ્ર સરકારની તિજોરી પર રૃ.૧૨,૫૬૧ કરોડનો બોજ પડશે.

બજેટમાં કરદાતાઓને નોંધપાત્ર ફાયદો કરી આપ્યા બાદ સેક્રેટરીઓ માટેનો માસિક પગાર રૃ. ૮૦,૦૦૦ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. પગારપંચની આજની જાહેરાતથી ચાલીસ લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે તેમ જ આ વધારો પહેલી જાન્યુઆરી ૨૦૦૬થી અમલમાં આવનારો હોવાથી એરિયર્સપેટે તેમને રૃ. ૧૮,૦૬૦ કરોડ આપવા પડશે.

નાણાપ્રધાન પી. ચિદમ્બરમને રિપોર્ટ ફાઇલ કર્યા બાદ પંચના ચેરમેન બી.એન. શ્રીકૃષ્ણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે જે સારું હોય તેવી ભલામણો મેં કરી છે. હવે આમાં પ્રાથમિક માસિક પગારનો લઘુતમ આંકડો રૃ. ૬.૬૬૦ રહેશે તેમ જ કોઇ પણ અસ્થિરતા સામે સલામતીનાં પગલાં સૂચવાયાં છે.

સંરક્ષણ ખાતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોવાથી સૈનિકોને ફાયદો થશે તેમને પણ સિવિલિયનની સમકક્ષ લાવવામાં આવ્યા છે. તેમને માસિક રૃ. ૬,૦૦૦ સુધીનું ખાસ ભથ્થું આપવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણો કેબિનેટમાં મંજૂરી માટે મોકલવામાં આવશે.

આ રિપોર્ટમાં મહિલાઓ અને અપંગોને પણ ખાસ લાભ આપવામાં આવ્યો છે. જેમાં રજાના ધોરણ અને કામકાજની શરતોમાં સુધારાનો પણ સમાવેશ થાય છે. હવે આ ઉપરાંત સારી રીતે ફરજ બજાવતાં કર્મચારીઓને સામાન્યના ૨.૫ ટકાની સરખામણીએ ૩.૫ ટકા ઇન્ક્રિમેન્ટની ભલામણ કરવામાં આવી છે.

અહેવાલોને વિપરીત પેનલમાં નિવૃત્તિની વયમર્યાદા ૬૦ વર્ષ જાળવી રાખવામાં આવી છે. વૈજ્ઞાાનિકો અને મેડિકલ નિષ્ણાતો માટે બે વર્ષની રાહત આપવાનો પણ સમાવેશ થાય છે. ટ્રાવેલ્સ એલાઉન્સ એક્ચુઅલ પગારના આધારે મળવું જોઇએ. તેમાં સિટી કમ્પેન્સેટરી એલાઉન્સને સામેલ કરવાની અને તેને ચાર ગણો વધારવાની ભલામણ કરવામાં આવી છે. રિસ્ક એલાઉન્સની જગ્યાએ રિસ્ક ઇન્શ્યોરન્સને અમલમાં મૂકવાની હિમાયત પણ કરાઇ છે.

ત્રણ જ રાષ્ટ્રીય રજાઓ રાખોછઠ્ઠા વેતનપંચે આજે તેનો અહેવાલ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને સુપરત કરી દીધો હતો. પંચના અહેવાલમાં શ્રેણીબદ્ધ ભલામણો કરવામાં આવી છે. પંચે ૪૦ લાખ સરકારી સ્ટાફના પગારમાં ઉલ્લેખનીય વધારો કરવાની ભલામણની સાથેસાથે દેશના વ્યાપક હિતમાં પણ કેટલાંક સૂચન કર્યાં છે. જેના ભાગરૃપે પંચે માત્ર ત્રણ રાષ્ટ્રીય રજાઓના દિવસે જ કચેરીઓ બંધ રાખવાનું સૂચન કર્યું છે.કમિશનના અધ્યક્ષ જસ્ટિસ બી. એન. શ્રીકૃષ્ણે અહેવાલ સુપરત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓએ દેશના વ્યાપક હિતમાં રજાઓ માણવાની બાબતને જતી કરવાની તૈયારી દર્શાવવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક મોરચે નંબર વન બનવા એમણે કેટલીક કુરબાની આપવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, હું કેટલીક રજાઓ સરકારી કર્મચારીઓની જતી કરવા ઇચ્છું છું.

વેતનપંચના અહેવાલમાં ૧૪ સરકારી રજાઓ જતી કરવાનું મહત્ત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું છે. આ મામલે ચોક્કસપણે વિરોધ થવાની સંભાવના છે. ૧૪ સરકારી રજાઓ જતી કરવાનો મતલબ એ થયો કે, ત્રણ રાષ્ટ્રીય રજાઓ-પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતી સિવાય તમામ દિવસે ઓફિસ ચાલુ રહશે. જો કે, પંચે મર્યાદિત રજાઓની સંખ્યા બેથી વધારી આઠ કરી દેવાનું સૂચન કર્યું છે. સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસના કામ માટેના સપ્તાહની વ્યવસ્થા ચાલુ રહેશે.

સૈનિકોનાં વેતનમાં બમણો વધારોછઠ્ઠા પગાર પંચની ભલામણોમાં સૈનિકોના વેતનમાં બમણા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આને કારણે તેમના પગારમાં માસિક રૃ. ૬,૦૦૦ સુધીનો વધારો થઇ શકે છે. હવે આમાં અર્ધ લશ્કરી દળોમાં તેમની સીધી એન્ટ્રીની પણ ભલામણ કરાઇ છે.એક નોંધપાત્ર પગલાંમાં પંચે આર્મી, નેવી અને એરફોર્સના જે તે વડાઓને દેશમાં સૌથી વધુ પગાર મેળવતાં અધિકારીઓમાં સામેલ કરવા માટે તેમને માસિક રૃ. ૯૦,૦૦૦ સુધીનું વેતન આપવાની ભલામણ કરાઇ છે. તેઓ હવે કેબિનેટ સેક્રેટરીની સમકક્ષ વેતન મેળવશે.જોકે, પંચે એવી સ્પષ્ટતા કરી હતી કે, મિલિટરી ર્સિવસ પે(એમએસપી) માટે કેન્દ્ર સરકાર કોઇ એરિયર્સ નહિ ચુકવે. હવે ઓફિસર્સ કેટગેરીમાં જોઇએ તો લેફ્ટિનેન્ટને માસિક રૃ. ૧૫,૬૦૦થી ૩૯,૧૦૦ ઉપરાંત ગ્રેડ પે રૃ. ૫,૪૦૦ અને માસિક રૃ. ૬,૦૦૦નો એમએસપી ચૂકવવામાં આવશે. આમ હવે લેફ્ટિનેન્ટ, સબ-લેફ્ટિનેન્ટ કે ફ્લાઇંગ ઓફિસરનો પગાર રૃ. ૨૫,૭૬૦થી ૨૮,૮૯૦ થઇ જશે.મેજર જનરલ, રીઅર એડમિરલ કે એર માર્શલને રૃ. ૫૨,૨૮૦થી ૫૪,૪૮૦નો પગાર આપવામાં આવશે. સેનાની નીચામાં નીચી રેન્ક સિપાહીનો પણ પગાર ધોરણ સુધારીને ૧૦,૬૭૦થી ૧૨,૫૦૦ કરવામાં આવ્યો છે. હવાલદારો માટે પેનલે ૧૨,૪૩૦થી ૧૫,૦૪૦ની વચ્ચેનું વેતન આપવાની ભલામણ કરાઇ છે. સુબેદાર મેજરને રૃ. ૮,૭૦૦થી ૩૪,૦૦૦ સુધીનું વેતન અપાશે.નેવીમાં સીમેન-૨નું સુધારેલું વેતન રૃ. ૮.૭૯૦થી રૃ. ૯,૦૦૦ તેમ જ એરફોર્સમાં 'ઝેડ' કેટેગરીમાં આવતાં એર ક્રાફ્ટ્સમેનનું વેતન રૃ. ૮,૩૧૦થી ૯,૯૩૦ નક્કી કરવામાં આવ્યું છે.
પેનલમાં સૌથી મહત્ત્વની એવી ભલામણ કરવામાં આવી છે કે, દર વર્ષે નિવૃત્ત થતાં ૪૦,૦૦૦માંથી ૩૫,૦૦૦ જેટલા કર્મચારીઓની સીધી ભરતી સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશનોમાં કરી શકાશે. આમ કરવાથી સરકારી ખર્ચમાં બચત થશે તેમ જ સૈનિકોને આજીવન રોજગારી પણ મળી રહેશે. આમ હવે ૩૩થી ૩૪ વર્ષની નોકરીની જરૃરિયાતની વયમાં નિવૃત્ત થતા સૈનિકોને ફરી નોકરી મળી શકશે.

Monday, March 24, 2008

તસલિમાનું જવું એટલે

ના, આ કોઈ એક વ્યકિતની હકાલપટ્ટીનો મામલો નથી : મુકત અને ખુલ્લા સમાજ લેખે આપણા પ્રજાસત્તાક સ્વરાજની ઓળખ અને પરખનો મામલો આ તો છે.
શુક્રવારે બપોરે, તસલિમા નસરીન દાકતરી દેખરેખ તળે આરામ ફરમાવી રહ્યાં હોવાનું સ્વિડનની લિબરલ પાર્ટીનાં સૂત્રો દ્વારા ઇન્ટરનેટ પરથી જાણવા મળ્યું ત્યારે સારું પણ લાગ્યું અને લાગી પણ આવ્યું: આજકાલ કરતાં દોઢ દાયકો થવા આવ્યો, તસલિમા ભારતીય ઉપખંડમાં માનવીય મૂલ્યો માટે ઊભી શકતી એક પ્રતિભા તરીકે પ્રીતિ-અને-આસ્થા-ભાજન બની રહ્યાં છે.
એવા પણ દિવસો હતા અને એવી પણ રાતો હતી, બાબરીઘ્વંસ પછીના ગાળામાં, જયારે સીમાપાર પાકિસ્તાન અને બાંગલાદેશમાં ધેરા પ્રત્યાઘાતો પડયા હતા તેમજ પ્રતિહિંસાનો માહોલ બન્યો હતો. ત્યારે તરુણ બાંગલાદેશી લેખિકા તસલિમા ‘લજજા’, લઈને ઉપસ્થિત થયાં હતાં. એનું વસ્તુ, પ્રતિહિંસાના એ માહોલમાં બાંગલાદેશની લઘુમતી એટલે કે હિંદુઓની બાલાશ જાણતું હતું.
સરહદની આપણી બાજુએ, સ્વાભાવિક જ એમના આ અભિગમથી તસલિમા આપણું પોતાનું માણસ- આપોન જન-બની ગયાં હતાં. જૉકે, તસલિમાની ચાલના પોતે હિંદુ નહીં હોવાની અગર મુસ્લિમ હોવાની મુખ્યત્વે નહોતી અને નથી. શું ધર્મસંસ્થા કે શું રાજયસંસ્થા, સમાજ આખો સામંતી મૂલ્યોથી ખદબદતો, કેવળ અને કેવળ પુરુષસત્તાક માનસિકતાથી ઉભરાતો હોવાની પ્રતીતિ પુરસ્સર વ્યકિતમાત્રને સારુ સ્વતંત્રતા અને સમાનતાની, કહો કે ન્યાય અને અભયની, સરવાળે માનવીય ગરિમાની ભૂમિકાએથી તસલિમા પરિચાલિત થતાં રહ્યાં છે.
દેખીતી રીતે જ, એમણે સ્વીકારેલો રાહ સીધાં ચડાણનો અગર તો સામેપૂર તરવાનો છે. દરેક કોમમાં, દરેક સમાજમાં આવી ભૂમિકાએ ઊભવું મુશ્કેલ હોવાનું જ: હિંદુ લઘુમતીની બાલાશ જાણવા બદલ ‘લજજા’ ઉપર કાશીમથુરા ઓવારી જનારાઓ, જેમ કે, સરહદની આપણી બાજુએ લઘુમતીની બાલાશ જાણનારાઓને કેટલી સહેલાઈથી ‘દંભી સાંપ્રદાયિક’ અને દેશશત્રુ સુઘ્ધાંમાં ખતવી નાખતા હોય છે!ગમે તેમ પણ, બાંગલાભાષ્ાીને નાતે કોલકાતામાં પોતાપણું અનુભવતાં અને એક બિનસાંપ્રદાયિક મુલકમાં રહેવાને કારણે આશ્વસ્ત રહેતાં તસલિમાને જે રીતે આ દેશ છોડવા વેળ આવી એ નાગરિક સમાજ તરીકે આપણ સૌને માટે ચિંતા અને નિસબતની બાબત છે. ભારત છોડયા પછી, લંડનના હીથરો એરપોર્ટથી ભારતસ્થિત એક પરિચિત સાથે ગયા બુધવારની ઢળતી બપોરે એમના ઉદ્ગારો હતા કે જેલમાંથી છૂટયાં જેવો હાશકારો અનુભવું છું.
કોલકાતાથી હાંકી કઢાયા પછી નવી દિલ્હીના અજ્ઞાતવાસમાં કેન્દ્ર સરકાર હસ્તક જે રીતે રહેવાનું બન્યું એને એમણે જેલવાસ જૉડે સરખાવ્યું એ પછી આપણે બીજું કશું ઉમેરવાનું રહેતું નથી. આ દિવસોમાં તસલિમાના એ મતલબના ઉદ્ગારો પણ બહાર આવ્યા છે કે મને હાંકી કાઢવા માટે આચરાયેલ રાજય-આતંકવાદ વિશે હું બોલ્યા વિના રહેવાની નથી. હું વિશ્વમતને એ પણ નિવેદિત કરવા ચાહું છું કે થોડાક દંગાખોરોએ કેવી રીતે કેન્દ્ર સરકારને મારી વિરુદ્ધ વરતવાની ફરજ પાડી.
તસલિમા પ્રકરણમાં પિશ્ચમ બંગાળની ડાબેરી સરકાર અને કેન્દ્રની સંપ્રગ સરકાર, બેઉના રાજકીય ચરિત્રની જે છબિ ઊઠે છે એ પછી નાગરિક સમાજે રાજની ખબર કેમ રાખતા-અને-લેતા-રહેવાપણું છે તે કહેવાનું રહેવું ન જૉઈએ.બંને સરકારોએ જે અભિગમ અપનાવ્યો એની પાછળ, તસલિમાનાં લખાણોમાં મુસ્લિમ ધર્મમતની ટીકાઓને કારણે મુસ્લિમ સમાજની નારાજગીનો હિસ્સો હશે એમ સમજાય છે.
સમાજને છેડે, પછી આપણે ઇસ્લામ મતાવલંબી હોઈએ કે હિંદુ અગર ખિ્રસ્ત મતાવલંબી, સમજવાની વાત એ છે કે આપણે ખુલ્લા સમાજમાં રહીએ છીએ અને મુકત ટીકાટિપ્પણને અહીં અવકાશ હોવાનો છે. પિશ્ચમ બંગાળ કાઁગ્રેસના પ્રમુખ પ્રિયરંજન દાસમુનશી કેન્દ્રમાં સૂચના અને પ્રસાર મંત્રાલય પણ સંભાળે છે.
એમણે રાજયના લઘુમતી આગેવાનોને ગયે મહિને એવી હૈયાધારણ પણ આપી હતી કે હું તમારી વાત કેન્દ્ર સરકારને પહોંચાડીશ. હશે ભાઈ, પણ તમે પોતે સરકારનો હિસ્સો છો એ નાતે તમને સ્વાતંત્ર્યની કદર અને તે માટેના તમારા દાયિત્વની ખબર છે કે નહીં, એ તો કહો. તમારે આ લઘુમતી આગેવાનોને નાગરિક સમાજમાં અપેક્ષિત સહિષ્ણુતા અને ખુલ્લાપણા બાબતે બે શબ્દો કહેવાપણું હતું અને છે.
થોડા મહિના ઉપર હૈદરાબાદના એક જાહેર કાર્યક્રમમાં તસલિમા ઉપર હુમલાની ચેષ્ટા થઈ ત્યારે એ વિશે અહીં વિગતે લખવાનું બન્યું હતું. તે પછી નંદીગ્રામ મુદ્દે બહાર આવેલાં મુસ્લિમ સંગઠનોએ તેની સાથે તસલિમાવિરોધની સેળભેળ વાટે પ્રગટ કરેલી માનસિકતા સાથે, નાગરિક સમાજ તરીકેની આપણી ઊણપ તીવ્રપણે અનુભવાઈ હતી. અંતે આજના દિવસો જૉવાના આવ્યા છે.
જેમણે સરકારને દેશમાંથી તસલિમાને બહાર કાઢવા ભણી ધકેલી તેમણે અને આપણા રાજકીય અગ્રવર્ગનાં જવાબદાર પરિબળોએ જરી ઠરીને વિચારવાની, વારે વારે વિચારવાની અને ઘૂંટવાની જરૂર છે કે આપણા આ પ્રજાસત્તાક સ્વરાજમાં આપણે કેવો નાગરિક સમાજ ઇરછીએ છીએ.
યુરોપીય પાસપોર્ટ ધરાવતાં તસલિમાની વિસા-મુદત અૉગસ્ટમાં પૂરી થવાની છે. ત્યારે એ પાછાં અહીં આવશે અને રહી શકાય એમ છે કે નહીં તે નક્કી કરશે. બિનસાંપ્રદાયિક મૂલ્યો અને પ્રક્રિયા થકી દેશમાં સૌ ન્યાય મેળવે અને અભય અનુભવે, એવું ઝંખતા સૌ- પછી તેઓ લાભાર્થી હોય કે હિમાયતી-ઓગસ્ટ લગીમાં તસલિમાલાયક આબોહવા બનાવી શકે તો એથી રૂડું શું.